संगीत कला – प्रस्तुति

કળા માનવજીવનનું અને વ્યવહારનું મહત્ત્વનું અંગ છે. કળાનો સીધો સંબંધ માનવીના ભાવાત્મક સ્તર સાથે છે. દરેક કળા મહત્ત્વપૂર્ણ તત્ત્વ પર આધારિત હોય છે. જ્યારે કોઇ એક કળાને શાસ્ત્રીય રૂપ આપવામાં આવે ત્યારે તેને માટે નિયમો નક્કી કરવામાં આવે છે જે કળાનો મુખ્ય આધાર બને છે.

શાસ્ત્રોમાં ચોસઠ કળાનો ઉલ્લેખ છે. તેમાં લલિત કળાઓ માનવની કોમળ ભાવનાઓનું પ્રતીક છે. કાવ્યકળા, સંગીતકળા, ચિત્રકળા, મૂર્તિકળા અને શિલ્પકળા આ પાંચ લલિત કળાઓ છે.

સંગીત કળાની રસાનુભૂતિ અલૌકિક અને વિલક્ષણ હોય છે. તેનો અનુભવ થઇ શકે છે પરંતુ તેને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. કળા અને સૌંદર્ય એકબીજા સાથે જોડાયેલા છે. કેમ કે કળામાં રસ અને આનંદ હોય છે. મધુરતા અને કોમળતા સૌંદર્યના મૂળ તત્ત્વો છે. કળા દ્વારા તે અભિવ્યક્ત થાય છે. સાહિત્ય શાસ્ત્રમાં રસ પ્રસિદ્ધ છે. સંગીતમાં રાગ પ્રધાન છે. અને રાગ રસસ્વરૂપ છે.[१] રસ વિના કોઇ પણ પદાર્થની પ્રવૃત્તિ થતી નથી.[२] સંગીતનો રસ દરેકને આકર્ષે છે.[३] સંગીત બુદ્ધિનો નહી હૃદયનો વિષય છે.

વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ દ્વારા રસની નિષ્પત્તિ થાય છે. સ્થાયિભાવોના સ્પર્શ દ્વારા ચેતનાની સૂક્ષ્મ કે સ્થૂલ અભિવ્યક્તિ જ કળા બને છે. સંગીત દ્વારા રસની અને સૌંદર્યની અનુભૂતિ પ્રભાવી રીતે થાય છે માટે સંગીત શ્રેષ્ઠ કળા છે. રવીંદ્રનાથ ટાગોર કહે છે— કળા સૌંદર્યનું પ્રતીક છે. આત્માની પુકાર છે. કળા આત્માની અભિવ્યક્તિ છે. રવીંદ્રનાથ ટાગોર કહે છે— સંગીત, કળાનું પાવન સ્વરૂપ છે. તેથી સંગીત સૌંદર્યની સાક્ષાત્ અભિવ્યક્તિ છે.સારા કવિઓ સંગીતના માધ્યમે વિશ્વને અભિવ્યક્ત કરવા ચાહે છે.[४] પાબ્લો કૅસલ કહે છે— હૃદયને સુંદર અને કાવ્યાત્મક પદાર્થની અનુભૂતિ કરાવવા સંગીત એક પાવન માધ્યમ છે.[५]

गीतं नृत्यं च वाद्यं च त्रयं सङ्गीतमुच्यते।

સંગીત શબ્દની શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે ગીત, નૃત્ય અને વાદ્ય આ ત્રણ એકત્ર થાય ત્યારે સંગીત નીપજે છે. અહીં ગીત સ્વરૂપ અંગ સંગીત તરીકે અભિપ્રેત છે. ગીતનો મહિમા ગાતા સંગીતરત્નાકરમાં શાર્ઙ્ગદેવ કહે છે—

વિષયના રસથી અજ્ઞાત ઘોડિયામાં સૂતેલો રડતો બાળક પણ ગીત સાંભળીને ખુશ થાય છે.

વનમાં ફરતું હરણનું બચ્ચું પણ ગીત સાંભળવામાં મગ્ન બનીને પોતાના પ્રાણ આપી દે છે.

તે ગીતનો મહિમા કોણ કહી શકે? ગીત ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું એકમાત્ર સાધન છે.[६]

ગીતમાં રાગ પ્રધાન છે. જે શબ્દ સ્વર અને વર્ણથી વિભૂષિત થઇને લોકોના મનને રંજિત કરે તે રાગ. આ રાગની વ્યાખ્યા છે.[७]

સંગીત મનોવિજ્ઞાન

સંગીત માનસિક રોગોની દવા છે. વિશ્વભરમાં આ વિષે પ્રયોગ થયા છે એનાથી એ સાબિત થયું છે કે મનોરોગી, નાનાં બાળક, ગર્ભવતી માતા, પશુઓ અને વૃક્ષો પર સંગીતનો ધીમો પણ સકારાત્મક પ્રભાવ પડે છે. ચિકિત્સકો સંગીતને એક આવશ્યક ચિકિત્સા પદ્ધતિ રૂપે સ્વીકારતા અચકાય છે પરંતુ મોટા ભાગના નિષ્ણાત ડૉક્ટરોનું એમ માનવું છે કે- સંગીત નસો પરનો તણાવ દૂર કરવામાં સહાયક થાય છે અને મનની નકારાત્મકતા દૂર કરે છે. આથી સંગીતનો હવે વૈકલ્પિક ચિકિત્સા રૂપે ઉપયોગ થઇ રહ્યો છે.

મન પર સંગીતનો ગાઢ પ્રભાવ પડે છે. મન મનુષ્યનાં વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે. મનુષ્યના સુખ-દુઃખનો આધાર મન છે. મનુષ્યની ઉપલબ્ધિઓનો સ્રોત મન છે. મનુષ્યની તમામ આંતરિક ક્રિયાઓનો ઉદ્ગમ મનમાં થાય છે. મનોવિજ્ઞાનીઓ એમ માને છે કે- મનુષ્યના વ્યવહારનો એંશી ટકા હિસ્સો અવચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે. મનુષ્યના સકારાત્મક કે નકારાત્મક  વિચાર અવચેતન મનમાં રહે છે. અવચેતન મનમાં રહેલા વિચાર મનુષ્યના સફળતા કે નિષ્ફળતા વિષેના આત્મવિશ્વાસને દૃઢ અથવા નિર્બળ કરે છે. શરીરની જેમ મન પણ થાક અનુભવે છે.નકારાત્મક વિચારો દ્વારા મનને અત્યધિક શ્રમ પડે છે. મન થાકી જાય છે. શરીરની જેમ થાકેલાં મનને પણ ખોરાકની જરુર પડે છે. સંગીત મનનો ખોરાક છે. સંગીત દ્વારા મનને વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા મળે છે. સંગીતથી મન પુષ્ટ અને સમૃદ્ધ બને છે. મનુષ્યનું માનસિક સંતુલન ત્રણ ગુણો પર આધારિત છે— આનંદ, એકાગ્રતા અને આસ્થા. સંગીત આ ત્રણ ગુણોને પ્રભાવિત કરે છે. ઉપર કહ્યું તેમ સંગીત વર્ણવિન્યાસરૂપ છે. સૂરીલા સ્વર ધરાવતા ધ્વનિતરંગો કાનમાં પડે ત્યારે તેના સ્પંદનથી જ્ઞાનતંતુ પ્રભાવિત થાય છે. આ મધુર સ્પંદનો મગજમાં આનંદદાયક સંવેદના ઉત્પન્ન કરે છે. આનંદદાયક સંવેદનામાં મનને એકાગ્ર કરવાની શક્તિ છે. વિક્ષિપ્ત મન જ ચંચળ હોય છે. એકાગ્ર મન શરીરને વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. તેથી વિચારો સકારાત્મક બને છે. સકારાત્મક વિચારોથી આસ્થા ખીલે છે. સંગીત ધ્યાનનું પ્રવેશદ્વાર છે અને ધ્યાન ધર્મનું પ્રવેશદ્વાર છે. આમ સંગીત મનુષ્યનાં (માનસિક સંતુલનને) મનદુરસ્ત બનાવી રાખવામાં બહુ ઉપયોગી છે.

સંગીત મનુષ્યનાં મગજમાં એવા તરંગ ઉત્પન્ન કરે છે જેનાથી માનસિક શાંતિ મળે છે. સંગીત સાંભળવાથી ચિંતા, ગભરામણ, ચિડિયાપણું, ક્રોધ, આવેશ જેવા લક્ષણ ધરાવતા દરદીને ઘણો આરામ મળે છે. સંગીત અવસાદ (ડિપ્રેશન)થી બચાવે છે. ચિકિત્સકોના કહેવા મુજબ સંગીત તણાવ (સ્ટ્રેસ) દૂર કરી કાર્યક્ષમતા વધારે છે. હવે ડૉક્ટરો પોતાની એકાગ્રતા અને કાર્યક્ષમતા વધારવા ઑપરેશન થિયેટરમાં પોતાને ગમતા સંગીતની ધૂન સાંભળે છે. ડૉક્ટરોનું માનવું છે કે-સંગીતના ઉપયોગથી ઑપરેશનની સફળતાનો દર વધે છે. સંગીતના પ્રયોગથી શારીરિક બિમારી દૂર થતી જોવા મળે છે. આથી જ સંગીતને રોગ નિવારક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ (ઑલ્ટરનેટિવ થેરપી) રૂપે જોવામાં આવે છે. દવાની સાથે સંગીત ચિકિત્સા (મ્યૂઝિક થૅરપી)નો પ્રયોગ કરવાથી અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થયા છે. પ્રયોગ દ્વારા સંગીતના લાભ સિદ્ધ થયા છે. એક, સંગીત સાંભળવાથી તણાવ ઓછો થાય છે. બે, સંગીત સાંભળવાથી એકાગ્રતા વધે છે. ત્રણ, સંગીત સાંભળવાથી યાદશક્તિ વધે છે. ચાર, લોહીનું દબાણ (બ્લડપ્રેશર) કાબૂમાં રહે છે. પાંચ, શરીરનું અને મનનું ઉતાવળીયાણું ઘટે છે. છ, સ્વભાવગત ચિડિયાપણું ઓછું થાય છે.

માનવેતર સૃષ્ટિ પર સંગીતનો પ્રભાવ

સંગીતસમ્રાટ તાનસેન જે બાગમાં બેસીને ગાતા ત્યાં કળીઓ ખીલીને ફૂલ બની જતી. સંગીતની અદ્ભુત શક્તિ વૃક્ષોને પણ પ્રભાવિત કરે છે. સંગીતની સ્વરલહરીઓ વૃક્ષનાં નાડીતંત્રમાં હલચલ પેદા કરે છે તેમ જ ન્યુક્લીયસનું સંચાલન કરે છે. તેનાથી વૃક્ષોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. સંગીતથી વૃક્ષ-વનસ્પતિ ઝડપથી પલ્લવિત થાય છે.

વનસ્પતિ પર સંગીતની શું અસર થાય છે એ તપાસવા જગદીશચંદ્ર બૉઝે પંડિતજી શ્રી ૐકારનાથ ઠાકુરને પોતાની પ્રયોગશાળામાં આમંત્રિત કર્યા. વનસ્પતિને યંત્રો લગાવવામાં આવ્યા. પંડિતજીએ તેની સમક્ષ ભૈરવી ગાઇ.ગાયન પછી વનસ્પતિમાં નવી ચમક આવી હતી. તે યંત્રમાં નોંધાયું એટલું જ નહિ ત્યાં ઉપસ્થિત લોકોએ પણ જોયું. મધુર સ્વર સાંભળીને વનસ્પતિના પ્રૉટોપ્લાઝ્મ કોષમાં રહેલું ક્લોરોપ્લાસ્ટ વિચલિત અને ગતિમાન થાય છે.

દક્ષિણની અન્નામલાઇ યુનિવર્સિટીમાં કેટલાક છોડ ઉપર સંગીતની અસરનો પ્રયોગ કરવામાં આવ્યો. તેનો નિષ્કર્ષ એ આવ્યો કે –સંગીત સાંભળવાથી છોડની વૃદ્ધિ સવાઇ ગતિએ થઇ. અમેરિકાની વિસ્કોન્સીન પરગણામાં આર્થરલાકર નામના ખેડૂતે ફૂલોના છોડ પર વાદ્ય-સંગીતની અસરનો પ્રયોગ કર્યો. તેનાથી ફૂલો જલ્દી ખીલતાં અને વધુ સમય તાજાં રહેતાં. ભારતમાં ડૉ. ટી. એન. સિંહ નામના વૈજ્ઞાનિકે સંગીતના ઉપયોગથી સરસવ, ચણા, ઘઉં, શેરડી, ચોખા, જેવા ધાન્ય, ફળ અને બીજના પાકમાં વૃદ્ધિ થાય છે તેવું તારણ કાઢ્યું. રોજ ત્રીસ મિનીટ સુધી ઉચ્ચ અને તીવ્ર ધ્વનિતરંગ ધરાવતા સંગીતથી પાકમાં વૃદ્ધિ થાય છે.

માત્ર વનસ્પતિ પર જ નહિ પરંતુ પશુઓ પર પણ સંગીતની અસર થાય છે. પશુઓ પણ સંગીતનો રસ માણે છે.[८] ફ્રાંસના પ્રાણિશાસ્ત્રી વાસ્તોવ આન્દ્રેએ ગલચર, સ્થલચર અને ખેચર પ્રાણિઓ પર વિભિન્ન ધ્વનિપ્રવાહ ધરાવતી સ્વરલહરીઓની શું અસર થાય છે તે તપાસવા તેમ જ તેમની પ્રતિક્રિયા શઉં હોય છે તેનું ગહન સંશોધન કર્યું. તેનો નિષ્કર્ષ એ આપ્યો કે – સંગીત દરેક જીવના મગજ અને નાડીસંસ્થાન પર આશ્ચર્યજનક પ્રભાવ પાડે છે. સંગીત જો તેમની પ્રકૃતિ અને મનઃસ્થિતિને અનુરૂપ હોય તો તેમને માનસિક પ્રસન્નતા અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. વિદેશની કેટલીક ગૌશાળાઓમાં ગાયને દોહવાના સમયે સંગીત સંભળાવવામાં આવે છે. તેથી ગાય દૂધ વધુ આપે છે.

સંગીતમાં ચમત્કારી શક્તિ છે. સંગીતનો પ્રભાવ કેવળ મનુષ્યો પર નહિ પરંતુ પશુ પક્ષી અને વૃક્ષ-વેલ પર પણ પડે છે. સંગીત માત્ર મનોરંજનનું સાધન તરીકે નહિ પરંતુ રોગ નિવારક ચિકિત્સા પદ્ધતિ રૂપે પણ જોવાય છે.અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રૅલિયા જેવા વિકસિત દેશોમાં મ્યૂઝિક થૅરપી સેંટર તેના ઉદાહરણ છે.

સંગીતના લાભ

૧) સંગીત વ્યક્તિત્વના સર્વાંગીણ વિકાસમાં સહાયક છે. સંગીત સૃજનાત્મક શક્તિ (ક્રિએટિવિટી)નો વિકાસ કરે છે.

૨) સંગીત અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ છે. સંગીત હૃદયના ભાવને વહેતા કરી શકે છે, સશક્ત રીતે રજૂ કરી શકે છે

૩) સંગીત માનસિક વિકાસમાં સહાયક છે. આ વાત પ્લેટોએ હજારો વર્ષ પહેલા જાણી લીધી હતી. ‘સંગીત આત્માનું સૌંદર્ય છે. સંગીત માનસિક વ્યાધિનું ઔષધ છે. સંગીત આત્માનો ખોરાક છે.’ પ્લેટોએ પોતાના પાઠ્યક્રમમાં સંગીતને મુખ્ય સ્થાન આપ્યું હતું. તેનું માનવું હતું કે- આત્માનો પરિષ્કાર કરવા સંગીતનું શિક્ષણ અનિવાર્ય છે.

૪) સંગીતથી બૌદ્ધિક વિકાસ થાય છે. સંગીત એક જટિલ, શાસ્ત્રીય અને ટેકનિકલ વિષય છે. સંગીત પુસ્તકની વિદ્યા નથી, કર્ણવિદ્યા છે. સંગીત શીખવા માટે આંખ, કાન અને સ્પર્શ આ ત્રણે ઇંદ્રિયોના સહિયારા પ્રયાસની જરુર રહે છે. આ ત્રણે ઇંદ્રિયો વચ્ચેનું સાયુજ્ય સંગીત દ્વારા સધાય છે. સંગીત દ્વારા ચિંતન શક્તિ વધે છે, ચિત્તની એકાગ્રતા વધે છે.

૫) સંગીત શારીરિક વિકાસમાં સહાયક છે. સંગીતથી ફેફસાને વ્યાયામ મળે છે. પ્રાણાયામના જેટલા લાભ છે તે બધા જ સંગીતથી મળે છે.

૬) સંગીત સામાજિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક વિકાસમાં સહાયક છે. સંગીત કેવળ મનોરંજનનું સાધન નથી. સંગીત પરસ્સરને જોડે છે. સંગીતથી મૈત્રીની સરિતા પ્રવાહિત થાય છે. સંગીત સમાજને શીલ, વિનય, સંયમ અને નિયમના પાઠ શીખવે છે. સંગીત તમામ ભૌગોલિક અને રાજનૈતિક સીમાઓને પાર કરીને એકતાની ભાવનાનું નિર્માણ કરે છે. ()

જે બાળકો નાનપણમાં સંગીત શીખે છે તેઓ આગળ જઇને ઘણા વિષયોના જાણકાર બની શકે છે. સંગીત બાળકોમાં મહેનત (Hard work), અભ્યાસ (Practice) અને શિસ્ત(Discipline) લાવે છે. સંગીત ગુરુમુખી વિદ્યા છે. બીજી વિદ્યાઓ કદાચ ગુરુ વિના પુસ્તકની સહાયતાથી શીખી શકાય પણ સંગીત સાંભળીને જ શીખી શકાય છે. સંગીતની દુનિયામાં કહેવાય છે—તાનસેન બનવા માટે કાનસેન બનવું પડે છે. સંગીત બાળકોને સારા શ્રોતા બનાવે છે. સંગીતથી બાળકોનો આત્મવિશ્વાસ વધે છે. (LIFE 365 6/2/2016)

સંગીત અને અધ્યાત્મ

ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ પ્રધાન છે તેથી ભારતીય કળાઓનું ઉદ્દેશ્ય પણ અધ્યાત્મથી સંલગ્ન છે. કળાનું અંતિમ લક્ષ્ય સંસારથી પર થઇ મુક્તિ પામવાનું છે. દરેક કળાનો ઉદ્દેશ પરમ આનંદની પ્રાપ્તિ છે. આનંદની પ્રાપ્તિ કેવળ રચનાકારને નહિ પરંતુ શ્રોતા અને દર્શકને પણ થવી જોઇએ. જે કળા અધ્યાત્મને પોષે તે જ સાચી કળા છે. અધ્યાત્મ વિનાની કળા નિમ્ન કોટિની ગણાઇ છે. જે કળાની વિશ્રાંતિ ભોગમાં થતી હોય તે કળા નથી. જેના દ્વારા આત્મા પરમ આનંદમાં લીન બને તે સાચી કળા છે.[९] કળાની ગહરાઇનો સાધક કલાકાર નિર્દ્વન્દ્વ દશાનો અનુભવ કરે છે. પરમ આનંદમાં લીન બને છે. રવીંદ્રનાથ ટાગોર કહે છે— સંગીત દ્વારા જ મને એ બોધ થયો કે મુક્તિ મારી છે. હું એ મુક્તિનો અનુભવ કરી શકું છું. સંગીતના માધ્યમે હું દેહ અને મનથી બહુ દૂર ચાલ્યો જઉં છું. મારાપણું ભૂલી જઉં છું. સંગીત સહજપણે મને લૌકિક બંધનોથી ઉપર ઉઠાવે છે. હું ત્યાં પહોંચી જઉં છું જ્યાં પરમ તત્ત્વની અનુભૂતિ થાય છે.[१०]

અષ્ટાપદ પર્વત ઉપર ભગવાન સમક્ષ વીણા વગાડતા રાવણ એવી ઉચ્ચ દશામાં પહોંચી ગયા જે કેવળ તીર્થંકરના આત્માને જ પ્રાપ્ત થઇ શકે. સંગીતમાં તીર્થંકરનામકર્મ ઉપાર્જિત કરાવવાની તાકાત છે. શ્રી તીર્થંકર પરમાત્મા માલકંસ રાગમાં જ દેશના આપે છે તે પૂરવાર કરે છે કે સંગીત અને અધ્યાત્મનો ગાઢ સંબંધ છે.

ભારતીય સંસ્કૃતિ આદિકાળથી જ આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કારોથી યુક્ત રહી છે. ભારતીય સભ્યતામાં સંગીતનો જન્મ અને વિકાસ ભક્તિભાવનાથી થયો છે. ભારતીય સભ્યતામાં સંગીતને ભક્તિભાવનાનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે.

સંગીત ક્ષેત્રે શ્રમણોનું પ્રદાન

જૈન શ્રમણો નિર્ગ્રંથ જીવન જીવે છે. રાગ પોષાય તેવા કાર્યથી તેઓ જાગૃતિપૂર્વક દૂર રહે છે. લોકરંજન માટે ગવાતું સંગીત શૃંગાર પ્રધાન હોવાથી તેઓ તેને વર્જ્ય ગણે તે સહજ છે. જૈન શ્રમણોએ વીતરાગતા પોષાય તે માટે સંગીતના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

જૈન શ્રમણો દ્વારા રચિત આઠ જેટલા સંગીતગ્રંથોની નોંધ મળે છે.

૧) સંગીતસમયસાર : આના કર્તા શ્રી પાર્શ્વચંદ્ર નામના દિગંબર મુનિ છે. તેની રચના વિક્રમની તેરમી સદીમાં થઇ છે. આ ગ્રંથ ત્રિવેંદ્રમ સંસ્કૃત ગ્રંથમાલામાં છપાયો છે.

૨) સંગીતોપનિષદ્ : આના કર્તા આ.શ્રી રાજશેખરસૂરિજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી સુધાકળશ છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૩૮૦માં થઇ છે. આ ગ્રંથ સયાજીરાવ ગાયકવાડ ઑરીએંટલ સીરીઝમાં છપાયો છે.

૩) સંગીતોપનિષત્ સારોદ્ધાર : આના કર્તા પણ આ.શ્રી રાજશેખરસૂરિજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી સુધાકળશ છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૪૦૬માં થઇ છે. તે અમુદ્રિત જણાય છે. તેમાં ૬૧૦ શ્લોક છે. પૂ. મુ.શ્રી ચતુર વિ. મ.ના મતે સંગીતમકરંદ અને સંગીતપારિજાત કરતા આ ગ્રંથ મહત્ત્વનો છે.

૪) વીણાવાદન : આના કર્તા ઉપકેશ ગચ્છના આ.શ્રી દેવગુપ્તસૂરિજી છે. તેમને વીણા વગાડવી પ્રિય લાગતી. તે અમુદ્રિત જણાય છે.

૫) સંગીતમંડન : આના કર્તા જૈન ગૃહસ્થ મંડનમંત્રી છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૪૯૦માં થઇ છે.

સંગીતદીપક, સંગીતરત્નાવલી અને સંગીતસહ પિંગલ આ ત્રણ ગ્રંથના નામ મળે છે પણ વિશેષ માહિતી મળતી નથી.

આ ગ્રંથો સંગીતના શાસ્ત્રીય પક્ષને પ્રસ્તુત કરે છે. આ ઉપરાંત જૂની ગુજરાતીમાં સાધારણ લોકો પણ સમજી શકે તેવી ભાષામાં આનુષંગિક રૂપે સંગીતની માહિતી પીરસતી કૃતિઓ પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે માંડવીના હસ્તપ્રત ભંડારમાં ૨૭૦મી હસ્તપ્રતમાં (પત્રાંક ૨૫-બ, પ્રતનામ-દેવભદ્રયશોભદ્રરાસ આદિ) છ પ્રકારના પદાર્થોના નિરૂપણ પ્રસંગે છ રાગ તથા છત્રીસ રાગિણીઓનું સામાન્ય વર્ણન જોવા મળે છે. અહીં મૂળ છ રાગના મહિના, ગાવાનો સમય, ક્યો રાગ ક્યારે ન ગાવો તેનું વર્ણન છે.

કોડાયના હસ્તપ્રત ભંડારમાં એક હસ્તપ્રત છે. ( ક્રમાંક-૧૦૮૨) તેમાં શ્રીસ્થૂલભદ્રજીના શીલનું મહિમાગાન છે. તેના કર્તા અંચલગચ્છના શ્રીજ્ઞાનસાગરજીમ છે.(સમય-અઢારમી સદી) આ કૃતિમાં સાહિત્યમાં વર્ણવેલા શૃંગાર વગેરે આઠ રસના ગીત આઠ શાસ્ત્રીય રાગમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. અહીં કવિએ શૃંગાર રસ માટે કેદાર રાગ, હાસ્ય રસ માટે ગોડી રાગ, કરુણ રસ માટે કાફી રાગ, રૌદ્ર રસ માટે મારુ રાગ, વીર રસ માટે આશાવરી રાગ, ભયાનક રસ માટે કેદાર રાગ, બીભત્સ રસ માટે બંગાલો રાગ, અદ્ભુત રસ માટે બિહાગડો રાગ અને શાંત રસ માટે ધનાશ્રી મિશ્ર મેવાડો રાગ પ્રયોજ્યા છે. આ કૃતિ પ્રાયઃ મુદ્રિત છે. સ્થૂલભદ્ર નવરસોના નામે આવી અન્ય કૃતિ મળે છે. તેના કર્તા ઉપા.શ્રી ઉદયરત્નવિ.મ. અને પં. શ્રીદીપવિજયજી મ. છે.

ઉજ્જૈનમાં આ.શ્રીચંદ્રસાગરસૂ.જ્ઞાનમંદિરમાં હસ્તપ્રતમાં ઓગણીસમી સદીમાં થયેલા લુંકાગચ્છના ગિરધર ઋષિના શિષ્ય સુખદેવજીએ રચેલ પદ્ય કૃતિઓની હસ્તપ્રત મળે છે. (ક્રમાંક-૨૨૧૨) તેમાં પ્રાતઃકાલીન શ્રીપાર્શ્વનાથ પ્રભુસ્તવન, પાર્શ્વદેવ ગાર્હસ્થ્યસ્તવન, પાર્શ્વજિન વસંતક્રીડાસ્તવન, પાર્શ્વજિન દીક્ષાપદ, પાર્શ્વજિન છદ્મસ્થપદ, પાર્શ્વજિન જ્ઞાનાવસ્થાપદ જેવી કૃતિઓ જોવા મળે છે.

ઉજ્જૈનમાં આ.શ્રીચંદ્રસાગરસૂ.જ્ઞાનમંદિરમાં તાનસેન રચિત રાગમાલા કવિત્ત નામની એક પત્રની પ્રત મળે છે. (ક્રમાંક-૩૧૬૦) અંતમાં જલાલુદ્દીનનો ઉલ્લેખ છે. આ કૃતિમાં રાગોના નામ દર્શાવ્યા છે.

રાગમાલા

ઇતિહાસ અનુસાર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા વિક્રમની બારમીથી સોળમી સદી સુધી શાસ્ત્રીય સંગીતની પરંપરાને ઘણા આઘાત પહોંચ્યા. બાદશાહ અકબરના સમયમાં શાસ્ત્રીય સંગીતનો વિકાસ થયો. વિક્રમની પંદર-સોળમી સદીમાં પુષ્ટિમાર્ગનો ઉદય થયો. આ વૈષ્ણવ સંપ્રદાયે સંગીતને માધ્યમ બનાવી ભક્તિમાર્ગનો પ્રસાર કર્યો. મહાપ્રભુ વલ્લભાચાર્યે નવધા ભક્તિમાં કીર્તનનો સમાવેશ કર્યો. પુષ્ટિમાર્ગીય સેવાવિધિમાં આઠ પ્રહરની ઝાંખી (આંગી)ને અનુરૂપ પદોનું ગાયન થતું. અષ્ટછાપના કવિઓ મહાન સંગીતજ્ઞ હતા. તેમાંના હરિદાસ પાસે તાનસેન શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા. આ કવિગણે શ્રીકૃષ્ણની દિનચર્યા રાસ, હોળી જેવા પ્રસંગને અનુરૂપ પદો રચ્યા છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત બન્ને પ્રકારના સંગીતમાં પદો અને ગીતો પ્રચલિત કર્યા. પુષ્ટિમાર્ગની અસરમાં ઘણા જૈનો વૈષ્ણવ થવા લાગ્યા. તે જોઇ ઉપા. શ્રી સકલચંદ્રજીમ., પંડિત શ્રી વીરવિજયજીમ., પંડિત શ્રી રૂપવિજયજીમ., પંડિત શ્રી પદ્મવિજયજીમ. વગેરે મુનિવૃંદે પૂજાઓ બનાવી. પૂજાની દેશી (એટલે ગાવાની ઢબ, તર્જ) લોક સંગીતમાં હતી તેથી જલદી લોકજીભે ચઢી ગઇ. તે સાથે જ શાસ્ત્રીય સંગીત આધારિત રચનાઓ પણ અગણિત થઇ પરંતુ દુર્ભાગ્યે તે પ્રચલિત ન થઇ. શ્રી આનંદઘનજી મ.ના પદો શાસ્ત્રીય રાગમાં છે પણ તે વિરક્તિ પ્રધાન હોવાથી તેમને સંગીતની દૃષ્ટિએ તેમને ન જોવાયા. આથી એક મિથ્યા અવધારણા પ્રચલિત થઇ કે જૈનો પાસે શાસ્ત્રીય સંગીત નથી. રાગમાલા ઉપનિષદ્ જોતા આ અવધારણા મિથ્યા સાબિત થાય છે.

આ સંગ્રહનું રાગમાલા ઉપનિષદ્ એ નામ પણ સાર્થક છે. કેમ કે રાગ ગુરુની પાસે બેસીને જ પ્રાપ્ત કરવા યોગ્ય (उप +नि + सद् ) છે. રાગકોશમાં ૧૪૩૮ રાગોનું વિવરણ મળે છે. તેમાંથી હાલ બસો રાગો જ પ્રચલિત છે. પચાસ કે સાઇઠ ગવાય છે. રાગમાલા ઉપનિષદ્-માં ૮૬ શાસ્ત્રીય રાગો ઉપલબ્ધ થાય છે.

રાગમાલા ઉપનિષદ્-નાં સંપાદન દ્વારા પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્ય પરિવારે પ્રભુભક્તિ અને શ્રુતભક્તિની સાથે સંગીતની વિલુપ્ત થતી પરંપરાને પુનર્જીવન પ્રદાન કર્યું છે. સંપાદકનું કર્મ મરજીવા સમું છે. મરજીવો જાનના જોખમે શ્વાસ રોકીને સમંદરની ગહરાઇમાં જઇ મોતી ગોતી લાવે તેમ સંપાદક શ્રુતસાગરના તળિયે જઇ દુર્લભ શાસ્ત્ર શોધી સાધકોને સુલભ કરી આપે છે. સાધકો માટે કઠિન તપસ્યા સમું આ વ્રત આદરવા માટે તેમને અભિવંદન અને અભિનંદન.

 – પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્

વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્ય

વૈરાગ્યરતિવિજય

[१] रसात्मकः रागः

[२] न हि रसादृते कश्चिदर्थः प्रवर्तते।

[३] सङ्गीतं कं न मोहयेत्?

[४] The art is all media of artistic self expression through the language of words, sounds, lines and colors Music is the purest form of arts and therefore the most direct expression of Beauty. There the true poets seek to express the universe in terms of Music. (Rabindra Nath Tagore, Sadhana London, 1961)

[५] Music is the divine way to tell beautiful, poetic things to the heart.

[६] अज्ञातविषयास्वादो बालः पर्यङ्किकां गतः। रुदन् गीतामृतं पीत्वा हर्षोत्कर्षं प्रपद्यते॥१.२८॥

वनेचरस्तृणाहारश्चित्रं मृगशिशुः पशुः। लुब्धो लुब्धकसङ्गीते यच्छति जीवितम् ॥१.२९॥

तस्य गीतस्य माहात्म्यं के प्रशंसितुमीशते। धर्मार्थकाममोक्षाणामिदमेवैकसाधनम्॥१.३०॥

[७] रञ्जकस्वरसन्दर्भो गीतमित्यभिधीयते। शार्ङ्गदेव

योऽयं ध्वनिविशेषस्तु स्वरवर्णविभूषितः। रञ्जको जनचित्तानां स रागः कथितो बुधैः॥

[८] पशुर्वेत्ति पशुर्वेत्ति वेत्ति गानरसं फणी।

[९] विश्रान्तिर्यस्य सम्भोगे सा कला न कला मता। लीयते परमानन्दे ययात्मा सा परा कला॥

[१०] રવીંદ્ર સંગીત, શાંતિદેવ ઘોષ, વિશ્વભારતી ગ્રંથાલય, કોલકાતા

Article About Sanskrit Language

॥ऐँ॥

विदितमेव भवतां यदुत-समस्तेऽपि विश्वे भारतीया संस्कृतिः प्राचीनतमा प्रगततरा च अस्ति। भारते बौद्धिकसम्पदः विकासः सर्वाधिकः अवर्तत। जीवनस्य प्रत्येकस्मिन् विषये भारतीयैः विचारितम् अस्ति, लिखितमपि अस्ति। सुग्रथितविचारा एव युक्तिपुरःसराः प्रमाणपरीक्षिताः च शास्त्राणि इति उच्यन्ते। शास्त्रेषु एव भारतीयसंस्कृतेः आत्मा निहितः अस्ति। भारतीयप्रजायाः संस्कारपिण्डः शास्त्रैः निबद्धः अस्ति। शास्त्रे रक्षिते आचारः रक्षितः भवति, आचारे रक्षिते बुद्धिः रक्षिताः भवति, बुद्धौ रक्षितायां संस्काराः रक्षिताः भवन्ति, संस्कारेषु रक्षितेषु संस्कृतिः रक्षिता भवति।

कस्मात् कारणात् भारतीयशास्त्राणि अमूल्यानि सन्तीति निर्देष्टुम् उदाहरणम् एकं प्रस्तौमि।

ईसवीये १७५२ (एकपञ्चाशदधिके सप्तदशशत)तमे वर्षे एकेन आङ्ग्लमहानुभावेन कस्यचित् चीनीभाषायां निबद्धस्य पुस्तकस्य आङ्ग्लानुवादः कृतः। स च ‘The Economy of Human Life’ इति नाम्ना प्रकाशितः। अत्यन्तं लोकप्रियस्य अस्य पुस्तकस्य ईसवीये १८१२ (द्वादशाधिकाष्टशत)तमे वर्षे षष्ठिवर्षाभ्यन्तरतः एव पञ्चाशद् आवृत्तयः सञ्जाताः। फ्रेंच-जर्मन-इटालियन् इत्यादिषु युरोपीयभाषास्वपि तस्य अनुवादः सम्पन्नः।

अस्याः कृतेः मूलादर्शा पाण्डुलिपिः तिब्बतदेशीय ल्हासाप्रदेशे पौन्ताला नामके पर्वते वर्तमाने एकस्मिन् विशाले ग्रन्थागारे आसीत्। तत्कालीनानां चीनदेशीयानां विदुषां ध्यानं पैगोडास्थितिषु ग्रन्थेषु आकृष्टम्। चीनसम्राजा काउत्सौनामकः कश्चिद् गभीरः उच्चविचारकः च विद्वान् पत्रं दत्त्वा तत्र प्रेषितः। अनेन विदुषा षण्मासं यावद् ग्रन्थानां अभ्यासः कृतः। तेषु प्राचीनतमः एकः लेखः समुपलब्धः यः ब्राह्मीलिपौ (जिमनासोफिस्ट) लिखितः आसीत्। लामागुरवः अपि तं ग्रन्थं पठितुं शक्ताः न आसन्। काउत्सौविदुषा स ग्रन्थः अधीत्य चीनीभाषायां अनूदितः।

अस्य ग्रन्थस्य मूलकर्ता कः इति अद्यापि न निश्चितं तथापि येन अज्ञातेन आङ्ग्लविदुषा अस्य अनुवादः कृतः स अन्तःसाक्ष्यादिना अनुमिनोति यदयं ग्रन्थः केनचित् ‘ब्राह्मणडण्डामिस’ नाम्ना विदुषा कृत इति। काउत्सौविद्वानपि प्रायः एवं अभिप्रैति यत् ‘येन भावेन अयं ग्रन्थः निर्मितः तं दृष्ट्वा अयं अनुवादः नास्ति किन्तु मूलग्रन्थ एव अस्ति’।

अस्य आङ्गलानुवादः पुनः अनेकासु भाषासु अनूद्य प्रकाशं प्राप्तः। उर्दूभाषायां त्रयः अनुवादाः सन्ति। ‘हिदीक-तुल-अखलाक’ नाम्ना (ईसवीये१९१३) ‘निझामे-हयाते-इन्सानी’ नाम्ना, ‘तनजीम-उल-हायत’नाम्ना च। ‘नीतिनिर्झर’ नाम्ना हिंदीभाषायामपि वर्तते। ‘सदीओ पुराणुं शाणपण’ इति नाम्ना गुर्जरभाषायामपि वर्तते।

अस्मिन् शास्त्रे जीवनस्य प्रत्येकासु अवस्थासु उपयोगिन्यः मूल्यशिक्षाः वर्तन्ते। प्रेरणाप्रदमार्गदर्शिका (Motvational guide) सदृशोऽयं ग्रन्थः मूलतः भारतीयबौद्धिकसम्पदेव चीनीप्रवासीभिः तत्र नीता इत्यत्र न शङ्कालेशोऽपि। एवंविधानि लक्षाधिकानि विश्वस्य विकासे, विज्ञाने, व्यवहारे च उपयोगिनि शास्त्राणि भारतदेशे अधुना अपि वर्तन्ते।

तेषां भाषा ‘संस्कृतम्’ वर्तते। सा एव सर्वासां एव भाषानां मातृभाषाः इति अतः अस्माभिः विशेषं प्रयासं कृत्वा संस्कृतभाषायाः गौरवं पुनः संस्थापनीयम्।

अस्मिन् प्रयासे दत्तचित्ता संस्कृतभारती अनुमोदनार्हा अस्ति। तस्याः यशस्वितायै प्रार्थयन् सर्वेषामेव संस्कृतानुरागिणां शुभम् अभिलषन् च विरमति।

श्रुतभवनस्थः वैराग्यरतिविजयः। वैक्रमीये २०७१ तमे वर्षे पौषशुक्लद्वादशीतिथौ रविवासरे

મહોપાધ્યાય શ્રી સમયસુંદરજી

૧૭વી સદીના મહાકવિઓંમાં મહોપાધ્યાય પદધારક, સમય = સિદ્ધાન્ત (સ્વદર્શન અને પરદર્શન) ને સુંદર = મંજુલ/મનોહર રૂપમાં જન સાધારણ એવં વિદ્વત સમાજની આગળ રાખવાવાળા, સમય = કાલ તથા ક્ષેત્રોચિત સાહિત્યનું સર્જન કરીને સમયનો સુંદર = પ્રશસ્તતમ ઉપયોગ કરવાવાળા અન્વર્થક નામધારક મહામના મહર્ષિ સમયસુંદર ગણિ છે. એમની યોગ્યતા એવં બહુમુખી પ્રતિભાના સંબંધમાં વિશેષ ન કહેતા આ કહે તો કોઇ અત્યુક્તિ ન થશે કે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય પછી સૌ વિષયોંમાં મૌલિક સર્જનકાર તથા ટીકાકારના રૂપમાં વિપુલ સાહિત્યનું નિર્માણ કરનાર અન્ય કોઇ કદાચ જ થયો હશે સાથે જ આ પણ સત્ય છે કે આચાર્ય હેમચંદ્રની જેમજ વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, ન્યાય, અનેકાર્થ, કોષ, છન્દ, દેશી ભાષા તથા સિદ્ધાંતશાસ્ત્રોંના પણ આ અસાધારણ વિદ્વાન હતા. સંગીતશાસ્ત્રના દૃષ્ટિથી એક અદ્ભુત કલાવિદ્ (કલાના જાનકાર) પણ હતા.

કવિની બહુમુખી પ્રતિભઆ અને અસાધારણ યોગ્યતાનો માપદંડ કરવાના પહેલા આ સમુચિત થશે કે એમના જીવન અને વ્યક્તિત્વનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કરવામાં આવે-

જન્મ અને દીક્ષા- રાજસ્થાન પ્રદેશના સાઁચોર (સત્યપુર) માં એમનો જન્મ થયો હતો. એમના માતા-પિતા પોરવાલ જાતિના હતા. એમના માતાનું નામ લીલાદેવી અને પિતાનું નામ રૂપસી હતું. કવિનો જન્મ અજ્ઞાત છે પણ કવિરચિત ભાવશતકને આધાર માનીને મારા મતાનુસાર એમનો જન્મ સંવત્ ૧૬૧૦ ના લગભગ માની શકાય. એમને દીક્ષા કયા સંવતમાં લીધી એનો પણ કોઇ ઉલ્લેખ પ્રાપ્ત નથી. પરંતુ એમના જ શિષ્ય વાદી હર્ષનંદન પોતાના સમયસુંદર ગીતમાં ‘નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો જી’ નો ઉલ્લેખ કર્યો છે તેથી એમનો દીક્ષા ગ્રહણ કાલ ૧૬૨૮ થી ૩૦ ના વચ્ચેનો માની શકાય. એમની દીક્ષા અકબર પ્રતિબોધક યુગપ્રધાન જિનજન્દ્રસૂરિએ પોતાના કરકમલોંથી પ્રદાન કરીને પોતાના પ્રથમ શિષ્ય સકલચન્દ્રગણિનો શિષ્ય બનાવ્યો હતો.અને મુનિપદ પ્રદાન કરીને સમયસુંદર નામ આપ્યું હતું. એમની શિક્ષા-દીક્ષા યુગપ્રધાન જિનચંદ્રસૂરિના જ શિષ્ય વાચક મહિમરાજ (જિનસિંહસૂરિ) અને સમયરાજોપાધ્યાયના નિદર્શનમાં જ થઈ હતી. અર્થાત્ આ બન્ને પણ સમયસુંદરજીના વિદ્યા ગુરુ હતા.

ગણિપદ- ભાવશતકની રચના પ્રશસ્તિમાં કવિએ પોતાના નામ જોડે ગણિ પદનો ઉલ્લેખ કર્યો છે. ભાવશતકની રચના સંવત્ ૧૬૪૧ માં થઈ. તેથી વધારે સંભાવના છે કે યુગપ્રધાન જિનચંદ્રસૂરિએ સંવત્ ૧૬૪૦, માઘ સુદિ પાંચમ ને જૈસલમેરમાં વાચક મહીમરાજના સાથે જ એમને પણ ગણિ પદ પ્રદાન કર્યુ હશે.

વાચનાચાર્ય પદ- સમ્રાટ અકબરના નિમંત્રણ ઉપર આચાર્ય જિનચંદ્રસૂરિ સંવત્ ૧૬૪૮, ફાલ્ગુન સુદિ ૧૨ ના દિવસે લાહોરમાં સમ્રાટ સાથે મળ્યા હતા. તે સમયે જિનચંદ્રસૂરિની સાથે મહોપાધ્યાય જયસોમ, વાચનાચાર્ય કનકસોમ, વાચક રત્નનિધાનગણિ, સમયસુંદર અને ગુણવિનય ઇત્યાદિ પણ આચાર્યશ્રીની સાથે હતા. સંવત્ ૧૬૪૯ માં સમ્રાટ અકબરે કાશ્મીર વિજય માટે પ્રસ્થાન કર્યુ હતુ. તે સમય વાચક મહીમરાજ આદિ પણ સાથે હતા. કાશ્મીર વિજયથી પાછા આવ્યા બાદ સમ્રાટ અકબરે વાચક મહીમરાજને આચાર્ય બનાવવા આગ્રહ કર્યો. તે સમય આચાર્ય જિનયંદ્રસૂરિએ સંવત્ ૧૬૪૯, ફાલ્ગુન સુદિ બીજ ને લાહોરમાં વિશાલ મહોત્સવની સાથે વાચક મહીમરાજ ને આચાર્ય અને સમયસુંદરને વાચકાચાર્ય પદ પ્રદાન કર્યું હતું. આ પદારોહણ ઉપર મહામંત્રી કર્મચંદ બચ્છાવતે એક કરોડ રૂપયા વ્યક્ત કર્યા.

ઉપાધ્યાય પદ- કવિની ૧૬૭૧ ના બાદની રચનાઓંમાં ઉપાધ્યાય પદનો ઉલ્લેખ મળે છે. તેથી આ નિશ્ચિત છે કે જિનસિંહસૂરિએ લવેરાએ એમને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યું હતું.

મહોપાધ્યાય પદ- પરવર્તી અનેક કવિઓંએ આપણને ‘મહોપાધ્યાય’ પદથી સૂયિત કર્યું છે.જે ખરેખર આપણને પરંપરાનુસાર પ્રાપ્ત થયું હતું. સં.૧૬૮૦ બાદ ગચ્છમાં આપણજ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને પર્યાયવૃદ્ધ હતા. ખરતરગચ્છની આ પરંપરા રહી છે કે ઉપાધ્યાય પદમાં જો સૌથી મોટો હોય તેજ મહોપાધ્યાય કહેવાય છે.

પ્રવાસ- કવિના સ્વરચિત ગ્રંથોંની પ્રશસ્તિઓ, તીર્થમાલાઓ અને તીર્થસ્તવ સાહિત્યને જોતા એવું લાગે છે કે કવિનો પ્રવાસ ઉત્તર ભારતના ક્ષેત્રોમાં બહુ લાંબો રહ્યો છે. સિંધ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાતના પ્રદેશોમાં(નું?) વિવરણ અત્યધિક રહ્યો છે.

ઉપદેશ- એમના ઉપદેશોથી પ્રભાવિત થઈને સિદ્ધપુર (સિંધ) ના કાર્યવાહક (અધિકારી) મખનૂમ મુહમ્મદ શેખ કાજીને પાતાની વાણીથી પ્રભાવિત કરીને સમય સિંધ પ્રાંતમાં ગૌમાતાના પંચનદીના જલચર જીવ એવં અન્ય જીવોની રક્ષા માટે સમયની ઉદ્ઘોષણા કરાવે છે. એવી રીતે જ્યાં જૈસલમેરમાં મીના-સમાજ સાઁડોનો વધ કરતો હતો, ત્યાંજ જૈસલમેરના અધિપતિ રાવલ ભીમજી ને બોધ આપીને આ હિંસાકૃત્ય બંદ કર્યું હતું અને મંડોવર (મંડોર, જોધપુર સ્ટેટ) તથા મેડતાના અધિપતિઓને જ્ઞાન-દીક્ષા આપીને શાસન-ભક્ત બનાવ્યાં હતાં.

સ્વર્ગવાસ- સમયસુંદરજીએ વૃદ્ધાવસ્થામાં શારીરિક ક્ષીણતાના કારણે સંવત્ ૧૬૯૬ થી અમદાવાદમાં સ્થિરતા કરી હતી. સંવત્ ૧૭૦૨, ચૈત્ર સુદિ તેરસ મહાવીર જયંતીના દિવસ જ એમનો સ્વર્ગવાસા થયો. અમદાવાદમાં એમનું સ્મારક અવશ્ય જ બન્યું હશે. પરંતુ આજ તે પ્રાપ્ત નથી. એમની ચરણ-પાદુકાઓ નાલ દાદાબાડીમાં અને જૈસલમેરમાં પ્રાપ્ત છે.

શિષ્ય પરંપરા- એક પ્રાચીન પત્ર મુજબ જ્ઞાત થાય છે કે કવિના ૪૨ શિષ્ય હતા, જેમાં વાદી હર્ષનંદન, મેઘવિજય, મેઘકીર્તિ, મહિમાસમુદ્ર આદિ મુખ્ય છે. એમની પરંપરામાં અંતિમ યતિ ચુન્નીલાલાજી લગભગ ૩૦ વર્ષ પહેલા મૌજૂદ હતા.

સાહિત્ય સર્જન- કવિવર સર્વતોમુખી પ્રતિભાના ધારક એક ઉદ્ભટ વિદ્વાન હતા. કેવળ તે સાહિત્યની ચર્ચા કરવાવાળા વાચાના વિદ્વાન જ ન હતા અપિતુ તે પ્રકાંડ-પાંડિત્યની સાથે લેખનીના ધણી પણ હતા. કવિએ વ્યાકરણ, અનેકાર્થી સાહિત્ય, સાહિત્ય, લક્ષણ, છંદ, જ્યોતિષ, પાદપૂર્તિ સાહિત્ય, ચાર્ચિક, સૈદ્ધાંતિક અને ભાષાત્મક ગેય સાહિત્યની જે મૌલિક રચનાઓ અને ટીકાઓ ગ્રથિત કર રસસ્વતીના ભંડારને સમૃદ્ધ કરીને જે ભારતીય વાઙ્મયની સેવા કરી છે, તે ખરેખર અનુપમેય છે અને વર્તમાન સાધુ-સમાજ માટે આદર્શભૂત અનુકરણીય પણ છે. કવિની મુખ્ય-મુખ્ય કૃતિઓ નિમ્ન છે-

૧. મૌલિક સંસ્કૃત રચનાઓ

૧. અષ્ટલક્ષ્મી (અર્થ રત્નાવલી)                                 ૨. ભાવશતક

૩. મંગલવાદ                                                              ૪. સમાચારી શતક

૫. વિશેષ શતક                                                           ૬. વિશેષ સંગ્રહ

૭. વિસંવાદ શતક                                                      ૮. કથા કોષ

૯. સારસ્વત રહસ્ય                                                    ૧૦. સ્તોત્રસંગ્રહ આદિ ૨૨ કૃતિઓ

૨. સંસ્કૃત ટીકાઓ

૧. રઘુવંશ ટીકા                                         ૨. વૃત્તરત્નાકર ટીકા

૩. વાગ્ભટાલંકાર ટીકા                              ૪. સારસ્વત વૃત્તિ

૫. માઘકાવ્ય ટીકા                                     ૬. મેઘદૂત પ્રથમ શ્લોક ટીકા

૭. લિંગાનુશાસન ચૂર્ણિ                              ૮. કલ્પલતા ટીકા

૯. દશવૈકાલિકસૂત્ર ટીકા આદિ ૨૪ ગ્રંથ

૩. પાદપૂર્તિ સાહિત્ય

૧. જિનસિંહસૂરિ પદોત્સવ કાવ્ય (રઘુવંશ તૃતીય સર્ગ પાદપૂર્તિ)

૨. ઋષભ ભક્તામર સ્તોત્ર (ભક્તામર પાદપૂર્તિ)

એમના મૌલિક કૃતિઓમાં અષ્ટલક્ષ્મી ગ્રંથ અનુપમેય ગ્રંથ છે.અને સમગ્ર ભારતીય સાહિત્યમાં આ કોટિનો કોઇ બીજો ગ્રંથ મળતો નથી. તેમ સંસ્કૃત સાહિત્યમાં વીસંધાન કાવ્ય, સપ્તસંધાન કાવ્ય, ચુતુર્વિંશતિ સંધાન કાવ્ય પ્રાપ્ત છે અને એક શ્લોકના સો અર્થવાળું શતાર્થી કાવ્ય પણ મળે છે પરંતુ એક-એક અક્ષરના એક-એક લાખ અર્થ કરવાવાળી કોઇ કૃતિ પ્રાપ્ત નથી, પ્રાપ્ત છે તો કેવળ આ જ કૃતિ. આ કૃતિમાં ‘राजानो ददते सौख्यम्’ આ આઠ અક્ષરો ઉપર પ્રત્યેક અક્ષરના કવિએ વ્યાકરણ કોષ અને અનેકાર્થી કોષોના આધારે એક-એક લાખ અર્થ કર્યા છે. તેથી આ ગ્રંથ અષ્ટલક્ષ્મીના નામે પ્રસિદ્ધ છે. એની રચનાના સંબંધમાં ઉલ્લેખ મળે છે કે સમ્રાટ અકબરની સભામાં ચર્ચાના સમયે જૈનાચાર્ય દ્વારા જ્યારે આ કહેવામાં આવ્યું કે ‘एगस्स सुत्तस्स अणंतो अत्थो’ અર્થાત્ એક-એક સૂત્રના અનંત અર્થ થાય છે. સભાએ પ્રમાણિત કરવા કીધું. તે (ત્યારે) કવિ સમયસુંદરે આને પ્રમાણિત કરવા માટે સમયની ઇચ્છા કરી. વિક્રમ સંવત્ ૧૬૪૯ શ્રાવણ શુક્લ તેરસની સાયંકાલ જે સમયે અકબરે કાશ્મીર વિજય માટે શ્રીરાજ શ્રીરામદાસજીના વાટિકામાં પ્રથમ પ્રવાસ કર્યો હતો. ત્યાંજ સમસ્ત રાજાઓ, સામંતો, અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં કવિએ પાતાનો નૂતન ગ્રંથ સાંભળાવીને સૌના સન્મુખ સિદ્ધ કરી બતાવ્યું કે મારા જેવો એક અદનો વ્યક્તિ પણ એક અક્ષરના એક લાખ અર્થ કરી શકે છે.તો સર્વજ્ઞની વાણીનાં અનંત અર્થ કેમ નહિ થશે? આ ગ્રંથ સાંભળીને સૌ ચમત્કૃત થયા અને વિદ્વાનોના સન્મુખ જ સમ્રાટે આ ગ્રંથને પ્રમાણિત કર્યું.

કવિના રૂપમાં પ્રતિષ્ઠાપિત કરવા માટે એમનું જિનસિંહસૂરિ પદોત્સવ કાવ્યજ પર્યાપ્ત છે. આ કાવ્યમાં રઘુવંશ કાવ્યના ત્રીજા સર્ગની પાદપૂર્તિના રૂપમાં જિનસિંહસૂરિ કે આચાર્ય પદોત્સવનું વર્ણન કર્યુ છે. આ પદોત્સવ સમ્રાટ અકબરના આગ્રહ ઉપર જ યુગપ્રધાન જિનચન્દ્રસૂરિના આદેશ મુજબ મહામંત્રી કર્મચંદ બચ્છાવતે સંવત્ ૧૬૪૯, ફાલ્ગુન સુદિ બીજને લાહોરમાં આયોજિત કર્યો હતો. દા. ત. બે પદ્ય જુઓ-

यदर्ध्वरेखाभिधमंह्रिपङ्कजे, भवान्ततः पूज्यपदप्रलब्धवान्।

प्रभो! महामात्यवितीर्णकोटिशः सुदक्षिणादोहद! लक्षणं दधौ॥१॥

अकब्बरोक्त्या सचिवेशसद्गुरुं, गणाधिपं कुर्विति मानसिंहकम्।

गुरोर्यकः सूरिपदं यतिव्रतिप्रिया प्रपेदे प्रकृतिप्रिये वद॥२॥

એવી રીતે આચાર્ય માનતુંગસૂરિ પ્રણિત ભક્તામર સ્તોત્રના ચૌથું ચરણ પાદપૂર્તિરૂપ છે. આમાં કવિએ આચાર્ય માનતુંગના સમાનજ ભગવાન આદિનાથને નાયક માનીને સ્તવના કરી છે. આ કૃતિ પણ અત્યંત જ પ્રોજ્જવળ અને સરસ-માધુર્ય સંયુક્ત છે.

કવિનું સ્તવના સમયે ભાવુક સ્વરૂપ જુઓ અને સાથે શબ્દયોજના પણ જુઓ-

नमेन्द्रचन्द्र! कृतभद्र! जिनेन्द्रचन्द्र! ज्ञानात्मदर्श-परिदृष्ट-विशिष्ट! विश्व!।

त्वन्मूर्तिरर्त्तिहरणी तरणी मनोज्ञे- वालम्बनं भवजले पततां जनानाम्॥१॥

કવિની ઉપમા સાથે ઉત્પ્રેક્ષા જુઓ-

केशच्छटा स्फुटतरा अधदङ्गदेशे, श्रीतीर्थराजविबुधावलिसंश्रितस्त्वम्।

मूर्धस्थकृष्णतलिकासहितं च शृङ्ग, मु(ङ्गमु)च्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम्॥३॰॥

કવિની સંવત્ ઉલ્લેખવાળી સર્વપ્રથમ રચના ભાવશતક છે. એની રચના સંવત્ ૧૬૪૧ માં થઈ છે. આમાં આચાર્ય રચિત કાવ્યપ્રકાશમાં વર્ણિત ધ્વનિને આશ્રિતે કરીને વાચ્યાતિશાયી વ્યંગના કતિપય ભેદો ઉપર કવિએ આ ભાવશતક ઉપર વિશદતાથી વિચાર કર્યો છે.

ભાષા જ્ઞાન- કવિનો જેમ સંસ્કૃત ભાષા ઉપર અધિકાર હતો તેમ જ પ્રાકૃત, રાજસ્થાની, સિંધી આદિ ભાષાઓં ઉપર પણ અધિકાર હતો. પ્રાકૃત અને સંસ્કૃત મિશ્રિત પાર્શ્વનાથ સ્તોત્રનું પ્રથમ પદ્ય જુઓ-

लसण्णाण-विन्नाण-सन्नाण-गेहं, कलाभिः कलाभिर्युतात्मीयदेहम्।

मणुण्णं कलाकेलिरूवाणुगारं, स्तुवे पार्श्वनाथं गुणश्रेणिसारम्॥१॥

એવી રીતે રાજસ્થાની અને સંસ્કૃત પાર્શ્વનાથ અષ્ટકનું એક પદ જુઓ-

भलूं आज भट्युं, प्रभोः पादपद्मं, फली आस मोरी, नितान्तं विपद्मम्।

गयूं दुःखनासी, पुनः सौम्यदृष्ट्या, थयुं सुक्ख झाझुं, यथा मेघवृष्ट्या॥१॥

સિંધી ભાષામાં રચિત સ્તવનું એક પદ જુઓ-

आवो मेरे बेठा पिलावा, बही बेडा गोदी में सुख पावा।

मन्न असाडा बोल ऋषभजी, आउ असाढा कोल॥७॥

એવી રીતે નેમિનાથ સ્તવનની એક પંક્તિ જુઓ-

भावंदा है मइकुं भावंदा है, नेमि असाढे आवंदा है

आया तोरण लाल असाढा, पसुय देखि पछिताउंदा है भइणा

એમના દ્વારા રચિત સ્તોત્ર અષ્ટકના રૂપમાં સંસ્કૃત ભાષામાં પાંચસો સ્તોત્ર પ્રાપ્ત છે, જેમાં કઈ સ્તોત્ર યમકપ્રધાન છે, કઈ શ્લષપ્રધાન છે, કઈ ચિત્રકાવ્ય પ્રધાન છે.

રાજસ્થાની કૃતિઓ-કવિએ સંસ્કૃત સાહિત્યની જેમ રાજસ્થાની ભાષામાં પણ વિશાલ એવં વિપુલ સાહિત્ય ની રચના કરી છે. રાસ એવં ચૌપાઈ સંજ્ઞક ગેયાત્મક મોટી-મોટી કૃતિઓમાંથી કઈના નામો એવી રીતે છે-

૧. શાંબ                                                 ૨. મૃગાવતી રાસ

૩. સીતારામ ચૌપાઈ                                  ૪. નલ દમયન્તી યૌપાઈ

૫. દ્રૌપદી ચૌપાઈ                                      ૬. ચંપક શ્રેષ્ઠી ચૌપાઈ

અને શત્રુંજય રાસ આદિ ૨૧ કૃતિઓ મળે છે. ચૌબીસી, બીસી, છત્તીસી અને ભાસ આદિ અનેકોં કૃતિઓ મળે છે. સ્ફુટ રચનાઓમાં રાજસ્થાની ભાષામાં રચિત સ્તોત્ર, સ્તવ, સ્વાધ્યાય, ગીત, વેલી આદિ લગભગ ૫૦૦ સ્ફુટ રચનાઓ મળે છે, જેમનું સંગ્રહ ‘સમયસુંદર કૃતિ કુસુમાંજલિ’ પુસ્તકના રૂપમાં પ્રકાશિત થયો છે.

એવી રીતે આપણે જોઇએ છીએ કે મહોપાધ્યાય સમયસુંદર અસાધારણ પ્રતિભાના ધારક હતા. વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, દર્શન અને જૈનાગમોના ધુરંધર વિદ્વાન્ એવં સફલ ટીકાકાર હતા. સંવત્ ૧૬૬૧ થી લઈને ૧૭૦૨ સુધી નિરંતર આ સાહિત્ય સર્જનામાં રહ્યા અને મા સરસ્વતીના ભંડારને પૂર્ણ રૂપથી સમૃદ્ધ કરતા રહ્યા.

એમના ગીતી કાવ્યોંની પ્રચુરતા જોઈને એમના સંબંધમાં પ્રસિદ્ધ ઉક્તિ સમયસુંદરના ગીતડા, ભીતાં પર ના ચીતરા યા કુમ્ભા રાણા ના ભીંતડા ને સહજ ભાવથી સ્વીકાર કરવું જ પડે.

 

[રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર]

ધરતી પરના સૂરજ -વૈરાગ્યરતિવિજય

પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાનો પરિચય અતિ અલ્પ છે પણ તેમાં જ તેમની ભીતર સમાયેલી મહાનતાની ઝલક જોવા મળી હતી. બાહ્ય દેખાવ, બાહ્ય પ્રભાવ, બુદ્ધિમતા કે બાહ્ય ક્રિયાઓ દ્વારા વ્યક્તિનું તાત્ત્વિક મૂલ્યાંકન થતું નથી. જે થાય છે તે તત્કાલ કે અસ્થાયિ હોય છે. બાહ્ય દેખાવ ઇત્યાદિ દ્વારા વ્યક્તિ ક્યાં ઉભી છે? તેનું અનુમાન થઇ શકે પણ કેવી છે? તેનું આકલન ન થઇ શકે. બરકત વિરાણી ‘બેફામ’ના શબ્દોમાં કહું તો-

ઉન્નતિ મળવાથી કંઇ મંઝિલ મળી જાતી નથી, કંઇક વ્યક્તિને હું પર્વત પર રખડતી જોઉં છું.

પૂજ્ય આચાર્ય ભગવંતના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરનારા ત્રણ તત્ત્વો હતા.

૧) તેઓ નાના બાલક જેવા સરળ હતા

૨) તેઓ નાના માણસોને સાચવતા હતા

૩) તેઓ નાના માણસ પાસે પણ શીખતા હતા.

તેમના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરનારું પહેલું તત્ત્વ હતું—નાના બાલક જેવી સરળતા.

સાધક વ્યક્તિ અને સફળ વ્યક્તિ વચ્ચે પાયાનો તફાવત હોય છે કે – સાધક વ્યક્તિ પોતાની શક્તિ આત્માનો સ્વભાવ સુધારવાને માટે વાપરે છે જ્યારે સફળ વ્યક્તિ પોતાની શક્તિ પોતાનો પ્રભાવ વધારવાને માટે વાપરે છે. પૂજ્ય આચાર્ય ભગવંતને નજીકથી જોયા ત્યારે પ્રતીતિ થઇ કે તેમણે તેમના તપ, ત્યાગ, ગુરૂસેવા જેવી શક્તિઓને પોતાનો પ્રભાવ વધારવા ક્યારેય પણ વાપરી ન હતી.

તેઓ પારદર્શી હતા. જેવા હતા તેવા દેખાતા હતા. સાધક વ્યક્તિ મારામાં ગુણ છે કે નહિં? એ બાબતમાં સભાન હોય જ્યારે સફળ વ્યક્તિ મારા ગુણોની દુનિયા નોંધ લે છે કે નહિ તે બાબતમાં સભાન હોય. સફળ વ્યક્તિની આ સભાનતા આગળ જતાં પ્રચ્છન્ન અભિમાન, ઈર્ષામાં સરી પડે છે એટલું જ નહિ અભ્યાખ્યાન, પૈશુન્ય અને પરપરિવાદ(નિંદા) જેવા પાપસ્થાનકમાં પરિણમે છે. ઉચ્ચ ચારિત્ર કે સત્યની વાતો પ્રભાવમાં રહી જાય છે, સ્વભાવમાંથી વિદાય લઇ લે છે. પૂજ્ય આચાર્ય ભગવંતના સ્વભાવમાં અને પ્રભાવમાં વિસંવાદ ન હતો.

તેમના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરે તેવું બીજું તત્ત્વ હતું—તેઓ નાના માણસને સાચવતા હતા. તેઓએ હંમેશા નાના માણસો માટે કામ કર્યું. શ્રીમંત અને સંપન્ન વ્યક્તિ માટે કામ કરીએ તો બદલામાં માંગ્યા વિના ઘણું મળતું હોય છે. મોટા માણસો માટે કામ કરીએ તો ઇમેજ બિલ્ટ થાય છે. નાના માણસો માટે કામ કરીએ તો વળતરમાં સદ્ભાવ સિવાય કાંઇ મળતું નથી. નાના માણસોની પોતાની જ કાંઇ ઓળખાણ હોતી નથી તેઓ તમારો પ્રભાવ વિસ્તારી શકતા નથી. આ બધું જાણવા છતાં તેમણે છેવાડાના માણસો, છેવાડાના સંઘો માટે કામ કર્યું. તે માટે ઘણો ભોગ આપ્યો. કદાચ્ જરૂર કરતા વધારે ભોગ પણ આપ્યો. તેને કારણે સમસ્યાઓ પણ સરજાઈ. જેમની માટે કામ કર્યું. તે પણ દૂર થયા, જેમની સાથે કામ કર્યું તે પણ દૂર ગયા છતાં તેમનાં નિર્મળ ભાવના જગતમાં નાના માણસને સ્થાન જરૂર હતું.

તેમના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરે તેવું ત્રીજું તત્ત્વ હતું—તેઓ નાના માણસ પાસેથી પણ શીખતા હતા. સફલ કે પ્રભાવ સંપન્ન ગણાતા મોટા માણસોને નાના માણસ પાસેથી શીખવામાં શરમ નડે છે.સફળતા એ સંપૂર્ણતાનો પર્યાય બની જાય ત્યારે વિકાસ અટકી જાય છે. શેષ રહે છે-પોતાના સ્થાન પર ટકી રહેવાની મથામણ. આ મથામણમાંથી વક્રતામૂલક રાજનીતિ સર્જાય છે. વ્યક્તિ સફળતાનાં શિખર પર આરૂઢ થાય છે પણ પોતાની મંઝિલ ભૂલી જાય છે. પૂજ્ય આચાર્ય ભગવંતને નાના માણસ પાસેથી શીખવામાં શરમ અનુભવાતી નહિ. તેમની આ વિશેષતાએ તેમને સાધનાનાં ઉચ્ચ શિખર સુધી પહોંચવામાં સહાય કરી હશે. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજા ધરતી પર રહીને આકાશને અજવાળનારા સૂરજ હતા.

શ્રુતભવન સંશોધન કેંદ્ર

ભા.સુ.૧૨, 25-9-15

‘માંસાહાર : વૈશ્વિક દૃષ્ટિ’

ફિલીપ વોલેન એક ઓસ્ટ્રેલિયન સમાજસેવક (ફિલેંથ્રેપ્રોસીસ્ટ) તેઓ સીટીબેંકના નિવૃત્ત ઉપપ્રમુખ છે. સીટી કોર્પના જનરલ મેનેજર (જી.એમ.) હતા. તેમનો જન્મ બંગલુરુમાં (ઇ.૧૯૫૦)માં થયો. પ્રાથમિક શિક્ષણ અહીં જ પ્રાપ્ત કર્યું. તેમને ૩૪ વર્ષની ઉમરે ઓસ્ટ્રેલિયાના ૪૦ બેસ્ટ અને બ્રાઇટ વ્યક્તિઓમાં સ્થાન મળ્યું. ઓર્ડર ઓફ દ ઇયરના ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ પદક મળ્યો છે. ઇ.૨૦૨૧માં તેમને પ્રાણિઓના એથિક્સ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આમંત્રણ મળ્યું હતું. હાલ મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં પ્રાણિઓના હક માટે સક્રિય કાર્ય કરે છે. વિશ્વમાં માણસોના હક માટે લડનારા ઘણાં છે. પણ મૂક પ્રાણિઓ વિષે બોલનારા ઓછા છે. ફિલીપ તેમાંના એક છે.

વિદેશમાં ઘણી ચર્ચાઓ થતી રહે છે. આવી જ એક મુક્તચર્ચાનું આયોજન ધ રાઇટર સેંટર,બુક વર્લ્ડ નામની સંસ્થા દ્વારા જાહેરમાં થયું હતું. તેનો વિષય હતો- ભોજનમાંથી માંસાહારની બાદબાકી થવી જોઇએ કે નહિ? આ મુક્તચર્ચામાં ફિલીપ વોલેને માંસાહારની વિરુદ્ધમાં બહુ જ અસરકારક વક્તવ્ય આપ્યું હતું. યુ ટ્યુબ પર આ વક્તવ્ય ૬ લાખથી વધુ લોકોએ સાંભળ્યું છે. તે અત્રે પ્રસ્તુત છે. ચર્ચા દ્વારા જનમત ઘડાય છે. જનમત દ્વારા રાષ્ટ્રની નીતિ નક્કી થાય છે. અને તે દ્વારા મનુષ્યજાતિનો વર્તમાન અને ભવિષ્ય નિશ્ચિત થાય છે. પશ્ચિમના કેટલાક જાગૃત નાગરિકોએ માંસાહારની વિરોધમાં જનમત ઊભો કરવા આવાહન કર્યું છે. તેમાં વિશ્વદૃષ્ટિ છે. કેવળ ધર્મ જ નહીં, વેપારની દૃષ્ટિએ પણ માંસાહાર વર્જ્ય છે તે અહીં સારી રીતે રજૂ થયું છે. આ લેખમાં ભૂતપૂર્વ ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક સુરેંદ્રસિંહ પોખરણાએ શ્રુતસાગરમાં (ઑગસ્ટ ૨૦૧૬,અંક-૩ પત્ર-૧૮, પ્ર. આ.શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા) લખેલ લેખના અંશ પણ સમાવ્યા છે.

વિશ્વમાં ૭ અબજ માણસો જીવે છે અને આપણે મનુષ્યો દર અઠવાડિયે ૨૦ કરોડ પ્રાણિઓને યા તો મારી નાંખીએ છીએ યા તો યાતનાનો ભોગ બનાવીએ છીએ. સન ૧૯૭૦થી ૨૦૧૦ના ચાલીસવર્ષના અંતરાલમાં પૃથ્વીના અડધા જીવજંતુ અને પશુ નાશ પામ્યા. દર વર્ષે પૃથ્વી પરથી લગભગ ૨૫,૦૦૦ જીવોની પ્રજાતિઓ લોપાઇ રહી છે. જેમ કે આજકાલ કાળા હરણ, પતંગિયા, વીંછી, સાપ, ચકલી આદિ ઓછા જોવા મળે છે. મેડિટેરનિયન સમુદ્ર પર રહેલા લગભગ ૨૦ દેશો દ્વારા દર વર્ષે લગભગ અઢી કરોડ ચકલીઓની હત્યા થાય છે. દર વર્ષે માંસાહાર માટે લગભગ ૧૫,૦૦૦ કરોડ જીવોની હત્યા થઇ રહી છે.

આ પૃથ્વી પર વધતા પ્રદૂષણ, જનસંખ્યા અને વાતાવરણમાં બદલાવને કારણે હવે ફક્ત છ વર્ષ રહ્યા છે. પછી આપણી પ્યારી પૃથ્વી પર એવા પરિવર્તન થશે જેને ફરી સારા કરવી અસંભવ છે. આપણી પૃથ્વી ધીરે ધીરે છટ્ઠા વિલોપન તરફ વધી રહી છે. પહેલા પૃથ્વી પર પાંચ વિલોપન થઇ ચુક્યા છે. એટલે આવું પહેલા પાંચ વાર થઇ ગયું છે. જ્યારે પૃથ્વી પર વસનારી પ્રજાતિઓની સંખ્યામાં જબરદસ્ત કમી થઇ છે. વૈજ્ઞાનિક સ્વીકારે છે કે પહેલાના આ વિલોપન પ્રાકૃતિક હતા પરંતુ છટ્ઠું જેની તરફ આપણે તેજીથી વધી રહ્યા છીએ તે મુખ્ય રૂપથી મનુષ્યના ક્રિયા-કલાપોના કારણે થશે. છટ્ઠા વિલોપનનું મુખ્ય કારણ મનુષ્યો વડે વાતાવરણ અને જલવાયુમાં પરિવર્તન, જીવજંતુના નિવાસોને નષ્ટ કરવા, વધતું પ્રદૂષણ, વધતો માંસાહાર, યાતાયાત વડે થતી જીવોની હાનિ, વિશેષથી સમુદ્રી જીવોને મારવું વિગેરે છે.

જો બીજી કોઇ પ્રાણિ જાતિએ આ વિનાશ કર્યો હોત તો જીવ વિજ્ઞાનીઓ તેને વાયરસ કહેત. માનવતાની સાથે આ સહુથી મોટો અપરાધ છે.

વિશ્વ બદલાઇ ગયું છે. દસ વરસ પહેલા ટ્વીટર પક્ષિનો અવાજ હતું. WWW એક કીબોર્ડ હતું. ક્લાઉડ આકાશમાં હતું. 4G પાર્કિંગની જગ્યા હતી ગુગલ નાનું બચ્ચું હતું. AJkider મારા પ્લંબરનુ નામ હતું. વિક્ટર હ્યુગોએ કહ્યું છે — જેનો સમય પાકી ગયો છે એવી કલ્પના (આઇડિયા)થી શક્તિશાળી વસ્તુ દુનિયામાં એક નથી.

વિશ્વમાં ૬૦ કરોડ અન્નાહારી મનુષ્ય છે. અમેરીકા, ઇંગ્લેંડ, ફ્રાંસ, જર્મની, કેનેડા, ઇટલી, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝીલેંડ આ બધા દેશોની વસતિ એકત્રિત કરો તો પણ આટલી નહીં થાય. એક રાષ્ટ્ર તરીકે આપણે યુરોપિયન સંઘ કરતા સત્તાવીસ ગણા મોટા છીએ. માંસ ઉદ્યોગ માત્ર પ્રાણીઓનો જ નહીં માણસોનો અને અર્થવ્યવસ્થાનો ઘાતક છે.

માંસાહારને કારણે એવા રોગો થાય છે કે અમેરીકામાં મેડીકેર (સ્વાસ્થ્યવીમો) કંપની દેવાદાર બની ગઇ છે. તેમને વ્યાજ ચૂકવવા માટે ૮૦ કરોડ ડોલરની જરૂર છે. સરકાર બધી સ્કૂલ,સૈનિકો, નૌકદળ, વાયુદળ, પોલિસખાતું, મરીન્સ, એફ.ડી.આય. અને સી.આઇ.એ. બંધ કરી દે તો પણ આ દેવું ચૂકવી શકશે નહીં. કોમેલ અને હાર્થલ્ડ કહે છે કે—માંસાહારમાં સ્વાસ્થ્યપ્રદ તત્ત્વો કોઇ નથી.

આજની દુનિયામાં પાણી તેલ જેટલું મોંઘુ છે. અને હવેનું વિશ્વયુદ્ધ પાણી માટે ખેલાશે એવાં એંધાણ છે. જમીનમાં હજારો-લાખો વર્ષોથી જળવાયેલા જલસ્રોતો સૂકાઇ ગયા છે. એક કીલો માંસ પેદા કરવા માટે ૫૦ હજાર લીટર પાણીની જરૂર પડે છે. આજે ૧ કરોડ લોકો ભૂખ્યા છે. ૨૦ લાખ લોકો કુપોષણને કારણે મરે છે. આપણે જો ભોજનમાથી ૧૦ %માંસાહારનો હિસ્સો ઓછો કરીએ તો ૧૦ કરોડ લોકો જમી શકે. માંસાહાર ઓછો કરવાથી ભૂખમરો હંમેશાને માટે ખતમ થઇ જશે. ધરતી ઉપર જો બધાં જ લોકો પશ્ચિમી ખાણું ખાવા લાગે તો બધાને જીવવા બે નવી પૃથ્વીની જરૂર પડશે. આપણી પાસે એક જ પૃથ્વી છે અને તે મરી રહી છે. આજે ધરતી ઉપર ગ્રીનહાઉસ ગેસ ૫૦ % વધારે છે. વાહન, ટ્રેન, ટ્રક, કાર, વહાણ વગેરેને કારણે તે વધી રહ્યો છે.

ગરીબ દેશો પોતાનું વાવેલું અનાજ પશ્ચિમને વેચી રહ્યા છે. જ્યારે તેમના જ બાળકો તેમના હાથમાં ભૂખ્યા છે. આપણે આ મનુષ્યોને બચાવવાના છે. તેથી આપણે માંસના ટૂકડા ખાઇ શકીએ નહીં. બીજાના પેટ ભૂખ્યા રાખીને પોતાનું પેટ ભરવું એ ગુનો છે એવું માનનારો શું હું એકલો છું? એક માંસનો ટૂકડો ખાવો એ ભૂખ્યા બાળકના આંસુવાળા ચહેરા પર તમાચો મારવા જેવું છે. તેમની આંખોમાં વેદના જોઇને હું શાંત કોવી રીતે રહી શકું? આ ધરતી તેની ઉપર વસતા દરેક માણસની જરૂર પૂરતું બધું આપે છે પણ માણસના લોભને સંતોષી શકે તેવી ક્ષમતા પૃથ્વીમાં નથી.

વર્તમાન વિશ્વ વિનાશક વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે. નવા નવા ખતરનાક હથિયારો અને રાસાયનિક હથિયારોને બનાવવામાં આવે છે જેનાથી લાખો લોકોને મારી શકાય છે અથવા અર્ધવિક્ષિપ્ત કરાય છે. એક અનુમાન અનુસાર આજે વિશ્વના બધા દેશ મળીને હથિયારો પર એટલો ખર્ચ કરે છે કે એ રાશિ વડે પૂરા વિશ્વની ગરીબી અને ભૂખમરો ટાળી શકાય છે. વિશ્વમાં જો કોઇ પણ દેશ વિનાશકારી શસ્ત્ર બનાવતો હોય તો તેને રોકવા પ્રતિરોધક લશ્કર તૈયાર કરવું પડશે જે શસ્ત્ર બનાવતા દેશને લોહયુગમાં પાછું ધકેલી દે. શસ્ત્રનિર્માણ વિશ્વનો સહુથી મોટો ઉદ્યોગ છે.(બીજા નંબરે અશ્લીલ વેબસાઇટ ત્રીજા નંબરે ડ્રગ્સ છે.) આપણે કેવલ શસ્ત્રો ખરીદવાનું બંધ કરીએ તો આ ઉદ્યોગ બંદ થઇ જશે.

વિશ્વમાં આતંકવાદ ઇરાન, ઇરાક કે ઉત્તર કોરિયા ફેલાવે છે તેવું કહેનારા જ્યોર્જ બુશ ખોટા હતા. માનવ દ્વારા થતી પ્રાણીઓની હત્યા એ વિશ્વનો સહુથી મોટો આતંકવાદ છે. આ આતંકવાદ આપણા ડાઇનીંગ ટેબલથી ચાલે છે. માનવના છરી-કાંટા તેના ધારદાર શસ્ત્રો છે. આપણે આ શસ્ત્રો તજી દઇએ (અર્થાત્ માંસાહાર કરવાનું છોડી દઇએ) તો વિશ્વની પર્યાવરણની, પાણીની અને આરોગ્યની સમસ્યાઓ ઉકેલાઇ જશે. વિશ્વમાંથી ક્રૂરતા કાયમ માટે વિદાય થઇ જશે.

જો અમેરિકાના બધા ૩૨ કરોડ નાગરિક ફક્ત એક દિવસ માટે એકલું શાકાહાર ભોજન કરે તો પર્યાવરણને ફાયદો થશે. ૪,૦૦૦ કરોડ લીટર પાણીની બચત થશે, ૨૮ કરોડ લીટર ગેસની બચત થશે અને ૩૩ ટન એંટીબાયોટિકની બચત થશે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્પાદન ઓછું થશે જેની માત્રા હશે ૧૨લાખ ટન કાર્બન-ડાઈઓક્સાઇડ, ૩૦લાખ ટન માટીનું ભૂસ્ખલન, ૪૫લાખ ટન પશુઓના મલમૂત્ર અને ૭ ટન અમોનિયા ગૈસ વિગેરે. કદાચ એટલા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામાએ બધા અમેરિકાના નાગરિકોને આહ્વાન કર્યુ છે કે એ સપ્તાહમાં એકવાર માંસાહારનો ત્યાગ કરો અને જીવોની રક્ષા કરો

ઈસાઈ ધર્મગુરુ શ્રી પોપ ફ્રાંસિસે ૧૮ જૂન ૨૦૧૫ માં પૂરા વિશ્વના નાગરિકોને અપીલ કરી છે કે એ પ્રાણિઓની રક્ષા માટે આપણી ખાવાની આદતોને બદલો ,કારણ કે એનાથી વાતાવરણને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે.

માંસાહાર પથ્થરયુગના માનવીની દેન છે. આપણે પથ્થરયુગમાંથી બહાર આવી ગયા છીએ પણ તે સમયના માંસાહારના સંસ્કારો બદલ્યા નથી. માણસ માંસાહાર યુગમાંથી ત્યારે બહાર આવ્યો કહેવાશે જ્યારે તે પ્રાણીહત્યા સામે (માટે) બહાના બનાવવાનું છોડી દેશે.

માંસનો ઉદ્યોગ ખેતીના ઉદ્યોગની સામે હાવ હીન છે. માંસ પેદા કરવાથી જે રૂપિયા મળે તે કરતાં અનેક ગણા રૂપિયા ખેડૂત કમાઇ શકે છે. વિશ્વમાં માંસાહાર વધ્યો છે તેથી ખેતી ઘટી છે. જો ઉત્પાદનોનો પ્રકાર (પ્રોડક્ટ લાઇન) બદલવામાં આવે એટલે સરકાર માંસાહારને બદલે ખેતીને વધુ મહત્વ આપે. પ્રાણિજ ઉત્પાદનો કરવા કુદરતી ઉત્પાદનોને વધુ મહત્વ આપે તો ખેડૂત એટલા પૈસા કમાઇ શકે કે તે ગણતા થાકી જાય. આ કલ્પના નથી આર્થિક ગણતરીથી સિદ્ધ થયેલું (ઇકોનોમિક) સત્ય છે. સરકારે ખેતી ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઇએ. તેનાથી નવા ઉદ્યોગ ખીલશે. આરોગ્ય વીમાઓની જરૂર નહીં રહે. હોસ્પીટલની પ્રતીક્ષાયાદી (વેઇટીંગ લીસ્ટ) અદૃશ્ય થઇ જશે. મૃત્યુદર એટલો નીચો જશે કે કોઇને સ્મશાનમાં મોકલવા માટે તેને ગોળીએ દેવો પડશે.

તો આજની રાતે મારી પાસે વિરોધીઓ માટે (જે લોકો માંસાહારનું સમર્થન કરે છે તેમની માટે) બે મુદ્દા છે.

એક, માંસાહર અનેક પ્રકારના કેંસર અને હૃદયરોગનો જનેતા છે. માંસાહારનું સમર્થન કરનારા શાકાહારથી થતાં એક રોગનું નામ આપશે?

બે, હું અર્થલિંગ ટ્રાયોલોજીને અનુદાન આપું છું. જે લોકો માંસાહારનું સમર્થન કરે છે તેમને આવાહન (ચેલેંજ) કરૂં છું કે તેઓ હિંમત હોય તો અર્થલિંગ ટ્રાયોલોજીની ડીવીડી તેમના સહકારીઓ અને ગ્રાહકોને બતાવે.

પૃથ્વી પરના પ્રાણિઓ બીજા ગ્રહથી આવેલા નથી, આપણા જ ગ્રહના છે. આપણે તેમને આપણા રસોઇઘરમાં મારીએ છીએ. વિશ્વશાંતિનો નકશો આપણા મેન્યુ કાર્ડમાં દોરેલો છે. આપણી વાનગીઓમાંથી માંસાહારી વાનગી નીકળી જાય તો જગતમાં શાંતિ ફેલાશે. શાંતિ એટલે યુદ્ધનો અભાવ નહીં પણ શાંતિ એટલે ન્યાયની હાજરી. કહેવાય છે કે ન્યાયની દેવી આંધળી હોય છે. તે જાતિ,ચામડીનો રંગ,ધર્મ કે દેશ જોતી નથી. જો તે આંધળી નહીં હોય તો તે આતંકનું હથિયાર બની રહે. ઉજ્જડ કતલખાનાઓમાં અકલ્પનીય આતંક હોય છે.કતલખાનાઓની દિવાલો કાચની હોત તો અત્યારે આ ચર્ચા કરવાની જરૂર જ ન હોત

હું માનું છું કે આ અંધિયાર વિશ્વની પેલે પાર એક વિશ્વની સંભાવના છે. મને તે ધરતીના શ્વાસની આહટ સંભળાય છે. આપણે આપણા આહારના મેનુમાંથી (ભોજનપત્રક) પ્રાણિઓને દૂર કરીએ અને તેમને યાતના કક્ષમાંથી મુક્તિ આપીએ. આજની રાતે એ પ્રાણિઓને માટે મત આપજો જેમનો અવાજ સાંભળનાર કોઇ નથી.

અનુવાદ-વૈરાગ્યરતિવિજય

‘માંસાહાર : વૈશ્વિક દૃષ્ટિએ’

વિદેશમાં ઘણી ચર્ચાઓ થતી રહે છે. આવી જ એક મુક્તચર્ચાનું આયોજન જાહેરમાં થયું હતું. તેનો વિષય છે—‘માંસાહાર: વૈશ્વિક દૃષ્ટિએ’. આ મુક્તચર્ચામાં એક વિદ્વાને માંસાહારની વિરુદ્ધમાં બહુ જ અસરકારક વક્તવ્ય આપ્યું હતું. તે અત્રે પ્રસ્તુત છે. ચર્ચા દ્વારા જનમત ઘડાય છે. જનમત દ્વારા રાષ્ટ્રની નીતિ નક્કી થાય છે. અને તે દ્વારા મનુષ્યજાતિનો વર્તમાન અને ભવિષ્ય નિશ્ચિત થાય છે. પશ્ચિમના કેટલાક જાગૃત નાગરિકોએ માંસાહારની વિરોધમાં જનમત ઊભો કરવા આવાહન કર્યું છે. તેમાં વિશ્વદૃષ્ટિ છે. કેવળ ધર્મ જ નહીં, વેપારની દૃષ્ટિએ પણ માંસાહાર વર્જ્ય છે તે અહીં સારી રીતે રજૂ થયું છે. આ લેખમાં ભૂતપૂર્વ ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક સુરેંદ્રસિંહ પોખરણાએ શ્રુતસાગરમાં (ઑગસ્ટ ૨૦૧૬,અંક-૩ પત્ર-૧૮, પ્ર. આ.શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા) લખેલ લેખના અંશ પણ સમાવ્યા છે.

વિશ્વમાં ૭ અબજ માણસો જીવે છે અને આપણે મનુષ્યો દર અઠવાડિયે ૨૦ કરોડ પ્રાણિઓને યા તો મારી નાંખીએ છીએ યા તો યાતનાનો ભોગ બનાવીએ છીએ. સન ૧૯૭૦થી ૨૦૧૦ના ચાલીસ વર્ષના અંતરાલમાં પૃથ્વીના અડધા જીવજંતુ અને પશુ નાશ પામ્યા. દર વર્ષે પૃથ્વી પરથી લગભગ ૨૫,૦૦૦ જીવોની પ્રજાતિઓ લોપાઇ રહી છે. જેમ કે આજકાલ કાળા હરણ, પતંગિયા, વીંછી, સાપ, ચકલી આદિ ઓછા જોવા મળે છે. મેડિટેરનિયન સમુદ્ર કાંઠા પર રહેલા લગભગ ૨૦ દેશો દ્વારા દર વર્ષે લગભગ અઢી કરોડ ચકલીઓની હત્યા થાય છે. દર વર્ષે માંસાહાર માટે લગભગ ૧૫,૦૦૦ કરોડ જીવોની હત્યા થઇ રહી છે.

આ પૃથ્વી પર વધતા પ્રદૂષણ, જનસંખ્યા અને વાતાવરણમાં બદલાવને કારણે હવે ફક્ત છ વર્ષ રહ્યા છે. પછી આપણી પ્યારી પૃથ્વી પર એવા પરિવર્તન થશે જેને ફરી સારા કરવા અસંભવ છે. આપણી પૃથ્વી ધીરે ધીરે છટ્ઠા વિલોપન તરફ વધી રહી છે. પહેલા પૃથ્વી પર પાંચ વિલોપન થઇ ચુક્યા છે. એટલે આવું પહેલા પાંચ વાર થઇ ગયું છે જ્યારે પૃથ્વી પર વસનારી પ્રજાતિઓની સંખ્યામાં જબરદસ્ત કમી થઇ છે. વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે પહેલાના આ વિલોપન પ્રાકૃતિક હતા પરંતુ છટ્ઠું જેની તરફ આપણે તેજીથી વધી રહ્યા છીએ તે મુખ્ય રૂપથી મનુષ્યના ક્રિયા-કલાપોના કારણે થશે. છટ્ઠા વિલોપનનું મુખ્ય કારણ મનુષ્યો વડે વાતાવરણ અને જલવાયુમાં પરિવર્તન, જીવજંતુના નિવાસોને નષ્ટ કરવા, વધતું પ્રદૂષણ, વધતો માંસાહાર, યાતાયાત વડે થતી જીવોની હાનિ, વિશેષથી સમુદ્રી જીવોને મારવું વિગેરે છે.

જો બીજી કોઇ પ્રાણિજાતિએ આ વિનાશ કર્યો હોત તો જીવ વિજ્ઞાનીઓ તેને વાયરસ કહેત. માનવતાની સાથે આ સહુથી મોટો અપરાધ છે.

વિશ્વમાં ૬૦ કરોડ અન્નાહારી મનુષ્ય છે. અમેરીકા, ઇંગ્લેંડ, ફ્રાંસ, જર્મની, કેનેડા, ઇટલી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેંડ આ બધા દેશોની વસતિ એકત્રિત કરો તો પણ આટલી નહીં થાય. એક રાષ્ટ્ર તરીકે આપણે યુરોપિયન સંઘ કરતા સત્તાવીસ ગણા મોટા છીએ. માંસ ઉદ્યોગ માત્ર પ્રાણીઓનો જ નહીં માણસોનો અને અર્થવ્યવસ્થાનો ઘાતક છે.

માંસાહારને કારણે એવા રોગો થાય છે કે અમેરીકામાં મેડીકેર (સ્વાસ્થ્યવીમો) કંપની દેવાદાર બની ગઇ છે. તેમને વ્યાજ ચૂકવવા માટે ૮૦ કરોડ ડોલરની જરૂર છે. સરકાર બધી સ્કૂલ,સૈનિકો, નૌકદળ, વાયુદળ, પોલિસખાતું, મરીન્સ, એફ.ડી.આય. અને સી.આઇ.એ. બંધ કરી દે તો પણ આ દેવું ચૂકવી શકશે નહીં. કોમેલ અને હાર્થલ્ડ કહે છે કે—માંસાહારમાં સ્વાસ્થ્યપ્રદ તત્ત્વો કોઇ નથી.

આજની દુનિયામાં પાણી તેલ જેટલું મોંઘુ છે. અને હવેનું વિશ્વયુદ્ધ પાણી માટે ખેલાશે એવાં એંધાણ છે. જમીનમાં હજારો-લાખો વર્ષોથી જળવાયેલા જલસ્રોતો સૂકાઇ ગયા છે. એક કીલો માંસ પેદા કરવા માટે ૫૦ હજાર લીટર પાણીની જરૂર પડે છે. આજે ૧ કરોડ લોકો ભૂખ્યા છે. ૨૦ લાખ લોકો કુપોષણને કારણે મરે છે. આપણે જો ભોજનમાથી ૧૦ % માંસાહારનો હિસ્સો ઓછો કરીએ તો ૧૦ કરોડ લોકો જમી શકે. માંસાહાર ઓછો કરવાથી ભૂખમરો હંમેશાને માટે ખતમ થઇ જશે. ધરતી ઉપર જો બધાં જ લોકો પશ્ચિમી ખાણું ખાવા લાગે તો બધાને જીવવા બે નવી પૃથ્વીની જરૂર પડશે. આપણી પાસે એક જ પૃથ્વી છે અને તે મરી રહી છે. આજે ધરતી ઉપર ગ્રીનહાઉસ ગેસ ૫૦ % વધારે છે. વાહન, ટ્રેન, ટ્રક, કાર, વહાણ વગેરેને કારણે તે વધી રહ્યો છે.

ગરીબ દેશો પોતાનું વાવેલું અનાજ પશ્ચિમને વેચી રહ્યા છે. જ્યારે તેમના જ બાળકો તેમના હાથમાં ભૂખ્યા છે. આપણે આ મનુષ્યોને બચાવવાના છે. તેથી આપણે માંસના ટૂકડા ખાઇ શકીએ નહીં. બીજાના પેટ ભૂખ્યા રાખીને પોતાનું પેટ ભરવું એ ગુનો છે એવું માનનારો શું હું એકલો છું? એક માંસનો ટૂકડો ખાવો એ ભૂખ્યા બાળકના આંસુવાળા ચહેરા પર તમાચો મારવા જેવું છે. તેમની આંખોમાં વેદના જોઇને હું શાંત કેવી રીતે રહી શકું? આ ધરતી તેની ઉપર વસતા દરેક માણસની જરૂર પૂરતું બધું આપે છે પણ માણસના લોભને સંતોષી શકે તેવી ક્ષમતા પૃથ્વીમાં નથી.

વર્તમાન વિશ્વ વિનાશક વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે. નવા નવા ખતરનાક હથિયારો અને રાસાયનિક હથિયારોને બનાવવામાં આવે છે જેનાથી લાખો લોકોને મારી શકાય છે અથવા અર્ધવિક્ષિપ્ત કરાય છે. એક અનુમાન અનુસાર આજે વિશ્વના બધા દેશ મળીને હથિયારો પર એટલો ખર્ચ કરે છે કે એ રાશિ વડે પૂરા વિશ્વની ગરીબી અને ભૂખમરો ટાળી શકાય છે. વિશ્વમાં જો કોઇ પણ દેશ વિનાશકારી શસ્ત્ર બનાવતો હોય તો તેને રોકવા પ્રતિરોધક લશ્કર તૈયાર કરવું પડશે જે શસ્ત્ર બનાવતા દેશને લોહયુગમાં પાછું ધકેલી દે. શસ્ત્રનિર્માણ વિશ્વનો સહુથી મોટો ઉદ્યોગ છે.(બીજા નંબરે અશ્લીલ વેબસાઇટ ત્રીજા નંબરે ડ્રગ્સ છે.) આપણે કેવલ શસ્ત્રો ખરીદવાનું બંધ કરીએ તો આ ઉદ્યોગ બંદ થઇ જશે.

વિશ્વમાં આતંકવાદ ઇરાન, ઇરાક કે ઉત્તર કોરિયા ફેલાવે છે તેવું કહેનારા જ્યોર્જ બુશ ખોટા હતા. માનવ દ્વારા થતી પ્રાણિઓની હત્યા એ વિશ્વનો સહુથી મોટો આતંકવાદ છે. આ આતંકવાદ આપણા ડાઇનીંગ ટેબલથી ચાલે છે. માનવના છરી-કાંટા તેના ધારદાર શસ્ત્રો છે. આપણે આ શસ્ત્રો તજી દઇએ (અર્થાત્ માંસાહાર કરવાનું છોડી દઇએ) તો વિશ્વની પર્યાવરણની, પાણીની અને આરોગ્યની સમસ્યાઓ ઉકેલાઇ જશે. વિશ્વમાંથી ક્રૂરતા કાયમ માટે વિદાય થઇ જશે.

જો અમેરિકાના બધા ૩૨ કરોડ નાગરિક ફક્ત એક દિવસ માટે એકલું શાકાહાર ભોજન કરે તો પર્યાવરણને ફાયદો થશે. ૪,૦૦૦ કરોડ લીટર પાણીની બચત થશે, ૨૮ કરોડ લીટર ગેસની બચત થશે અને ૩૩ ટન એંટીબાયોટિકની બચત થશે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્પાદન ઓછું થશે જેની માત્રા હશે ૧૨લાખ ટન કાર્બન-ડાઈઓક્સાઇડ, ૩૦લાખ ટન માટીનું ભૂસ્ખલન, ૪૫લાખ ટન પશુઓના મલમૂત્ર અને ૭ ટન અમોનિયા ગૈસ વિગેરે. કદાચ એટલા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામાએ બધા અમેરિકાના નાગરિકોને આહ્વાન કર્યુ છે કે એ સપ્તાહમાં એકવાર માંસાહારનો ત્યાગ કરો અને જીવોની રક્ષા કરો

ઈસાઈ ધર્મગુરુ શ્રી પોપ ફ્રાંસિસે ૧૮ જૂન ૨૦૧૫ માં પૂરા વિશ્વના નાગરિકોને અપીલ કરી છે કે એ પ્રાણિઓની રક્ષા માટે આપણી ખાવાની આદતોને બદલો ,કારણ કે એનાથી વાતાવરણને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે.

માંસાહાર પથ્થરયુગના માનવીની દેન છે. આપણે પથ્થરયુગમાંથી બહાર આવી ગયા છીએ પણ તે સમયના માંસાહારના સંસ્કારો બદલ્યા નથી. માણસ માંસાહાર યુગમાંથી ત્યારે બહાર આવ્યો કહેવાશે જ્યારે તે પ્રાણીહત્યા સામે (માટે) બહાના બનાવવાનું છોડી દેશે.

માંસનો ઉદ્યોગ ખેતીના ઉદ્યોગની સામે સાવ હીન છે. માંસ પેદા કરવાથી જે રૂપિયા મળે તે કરતાં અનેક ગણા રૂપિયા ખેડૂત કમાઇ શકે છે. વિશ્વમાં માંસાહાર વધ્યો છે તેથી ખેતી ઘટી છે. જો ઉત્પાદનોનો પ્રકાર (પ્રોડક્ટ લાઇન) બદલવામાં આવે એટલે સરકાર માંસાહારને બદલે ખેતીને વધુ મહત્વ આપે. પ્રાણિજ ઉત્પાદનો કરવા કુદરતી ઉત્પાદનોને વધુ મહત્વ આપે તો ખેડૂત એટલા પૈસા કમાઇ શકે કે તે ગણતા થાકી જાય. આ કલ્પના નથી આર્થિક ગણતરીથી સિદ્ધ થયેલું (ઇકોનોમિક) સત્ય છે. સરકારે ખેતી ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઇએ. તેનાથી નવા ઉદ્યોગ ખીલશે. આરોગ્ય વીમાઓની જરૂર નહીં રહે. હોસ્પીટલની પ્રતીક્ષાયાદી (વેઇટીંગ લીસ્ટ) અદૃશ્ય થઇ જશે. મૃત્યુદર એટલો નીચો જશે કે કોઇને સ્મશાનમાં મોકલવા માટે તેને ગોળીએ દેવો પડશે.

તો આજની રાતે મારી પાસે વિરોધીઓ માટે (જે લોકો માંસાહારનું સમર્થન કરે છે તેમની માટે) બે મુદ્દા છે.

એક, માંસાહાર અનેક પ્રકારના કેંસર અને હૃદયરોગનો જનેતા છે. માંસાહારનું સમર્થન કરનારા શાકાહારથી થતાં એક રોગનું નામ આપશે?

બે, હું અર્થલિંગ ટ્રાયોલોજીને અનુદાન આપું છું. જે લોકો માંસાહારનું સમર્થન કરે છે તેમને આવાહન (ચેલેંજ) કરૂં છું કે તેઓ હિંમત હોય તો અર્થલિંગ ટ્રાયોલોજીની ડીવીડી તેમના સહકારીઓ અને ગ્રાહકોને બતાવે.

પૃથ્વી પરના પ્રાણિઓ બીજા ગ્રહથી આવેલા નથી, આપણા જ ગ્રહના છે. આપણે તેમને આપણા રસોઇઘરમાં મારીએ છીએ. વિશ્વશાંતિનો નકશો આપણા મેન્યુ કાર્ડમાં દોરેલો છે. આપણી વાનગીઓમાંથી માંસાહારી વાનગી નીકળી જાય તો જગતમાં શાંતિ ફેલાશે. શાંતિ એટલે યુદ્ધનો અભાવ નહીં પણ શાંતિ એટલે ન્યાયની હાજરી. કહેવાય છે કે ન્યાયની દેવી આંધળી હોય છે. તે જાતિ,ચામડીનો રંગ, ધર્મ કે દેશ જોતી નથી. જો તે આંધળી નહીં હોય તો તે આતંકનું હથિયાર બની રહે. ઉજ્જડ કતલખાનાઓમાં અકલ્પનીય આતંક હોય છે. કતલખાનાઓની દિવાલો કાચની હોત તો અત્યારે આ ચર્ચા કરવાની જરૂર જ ન હોત

હું માનું છું કે આ અંધિયાર વિશ્વની પેલે પાર એક વિશ્વની સંભાવના છે. મને તે ધરતીના શ્વાસની આહટ સંભળાય છે. આપણે આપણા આહારના મેનુમાંથી (ભોજનપત્રક) પ્રાણિઓને દૂર કરીએ અને તેમને યાતના કક્ષમાંથી મુક્તિ આપીએ. આજની રાતે એ પ્રાણિઓને માટે મત આપજો જેમનો અવાજ સાંભળનાર કોઇ નથી.

અનુવાદ-વૈરાગ્યરતિવિજય

પ્રબુદ્ધ પુરૂષોનું પ્રવચન – ઇસિભાસિયાઇં

અભ્યાસના વરસો હતા. અમદાવાદમાં વિચરણ હતું.એક પ્રસંગ નિમિત્તે જૈન મર્ચંટ સોસાયટીના ઉપાશ્રયમાં જવાનું હતું. પાઠની રજા હતી. સાથે વાંચન માટે કંઇ હતું નહીં. પ્રસંગને વાર હતી. ઉપાશ્રયનો એક કબાટ ખોલ્યો તેમાં સામાયિકના ઉપકરણો અસ્તવ્યસ્ત પડ્યા હતા. થોડાં પુસ્તકો હતાં. એક જાડું પુસ્તક જોઇને ઉપાડ્યું. નામ હતું-‘इसिभासियाइं’ (પ્રકા. પ્રાકૃત ભારતી અકાદમી) કુતૂહલવશ ઉઘાડ્યું. પ્રસ્તાવના વાંચી. મન આશ્ચર્ય અને અહોભાવથી ઘેરાઇ ગયું. હંમેશા તર્કથી વિચારવા ટેવાયેલી બુદ્ધિને એ જાણીને જોરદાર આંચકો લાગ્યો કે – આ આગમસૂત્રમાં પરમાત્મા શ્રી મહાવીર દેવ પૂર્વે પાર્શ્વનાથ પરમાત્મા અને નેમિનાથ પરમાત્માના સમયમાં થઇ ગયેલા પ્રત્યેકબુદ્ધ ઋષિઓના વચનો સચવાયેલાં છે. અને દરેક ઋષિના નામ પણ ઉપનિષત્કાલીન ઋષિનાં નામને અને બૌદ્ધગુરુને મળતાં આવે છે. નારદ, વજ્જિથપુત્ર, દવિલ, અંગિરસ, મહાકાશ્યપ, યાજ્ઞવલ્ક્ય, ભયાલિ, વિદુ, આર્યાયણ, અર્હત્, નારાયણ વિ.

જે વ્યક્તિ પોતાના જીવનના મૂળભૂત પ્રશ્નો વિષે વિચારે છે અને આખરે ભીતરની સચ્ચાઇ ઓળખી લે છે તે ‘પ્રબુદ્ધ’ છે. પ્રબુદ્ધ એટલે જાગેલો. જેની નિદ્રા ઉડી ગઇ છે,જેણે જ્ઞાનનો પ્રકાશ મેળવી લીધો છે તે ‘પ્રબુદ્ધ’ છે,તે ‘ઋષિ’ છે. ઇસિભાસિયાઇં પ્રબુદ્ધોનું પ્રવચન શાસ્ત્ર છે.

પહેલી નજરમાં જ ઇસિભાસિયાઇંની બે વાતો બુદ્ધિને અપીલ કરી ગઇ-એક, આપણી પાસે શ્રીનેમનાથ ભગવાનના શાસનના શબ્દો સચવાયેલા છે બે, સત્યને નામોના સીમાડા નથી નડતાં.

પ્રસ્તાવના વાંચીને આતુર મનને રોકી ન શક્યો. પહેલું અધ્યયન વાંચવાની શરૂઆત કરી. પહેલાં અધ્યયનની ઇતિહાસકથા રોચક છે.

પૂર્વાવસ્થામાં નારદજીને કૃષ્ણે પ્રશ્ન કર્યો કે શૌચ શું છેॽ નારદજી જવાબ ન આપી શક્યા. તે મહાવિદેહમાં ગયાં. ત્યાં ભગવાન પાસે સાંભળ્યું કે, સત્ય શૌચ છે. તેમણે આવીને કૃષ્ણને એ વાત કહી. કૃષ્ણે પૂછ્યું ‘સત્ય શું છેॽ’ નારદજી ફરી મૂંઝાઇ ગયા. કૃષ્ણે કહ્યું ‘તમે પહેંલા પ્રશ્નનો જવાબ જ્યાંથી મેળવ્યો, ત્યાં જ પૂછી લેવો હતો’ નારદજી વિચારમાં પડ્યા.અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી ઋષિ બન્યા. તેમણે આ અધ્યયન રચ્યું છે. ચિંતનના પ્રતાપે તેમને જે સત્યની અનુભૂતિ થઇ તે સહજ રીતે અભિવ્યક્ત થઇ. નારદઋષિ કહે છે – બધા જ તીર્થંકરો શ્રવણનો મહિમા ગાય છે. શ્રવણથી શ્રેષ્ઠ શૌચ એટલે પવિત્રતા બીજી કોઇ નથી

सोयव्वातो परं णत्थि सोयं

(સાંભળવા જેવી વાતો સાંભળવા જેવી પવિત્રતા બીજી એક પણ નથી.)

આ સૂત્ર વાંચતા જ સ્તબ્ધ થઇ ગયો. મન વિચારદશાની પેલે પાર ચાલી ગયું. એ શબ્દ, એ ચિંતન, એ ભાવ મનના અતલ ઉંડાણ સુધી ઉતરી ગયા. નારદ ઋષિના શબ્દો સાથે સંકળાયેલી કરૂણાની ધારાનો સાક્ષાત્કાર થયો. સમય થીજી ગયો. જાગ્યો ત્યારે એ અનુભૂતિ થઇ કે જેને હું શોધી રહ્યો હતો તે શબ્દો આ જ છે, તે વિચાર આ જ છે, તે ભાવદશા આ જ છે, તે ગુરૂ પણ આ જ છે, કદાચ્ મારો આત્મોપલબ્ધિનો માર્ગ આ જ છે. અને હું વાંચ્યા પહેલાં જ इसिभासियाइं ના પ્રેમમાં પડી ગયો. આજે પણ હું એ પળોને યાદ કરૂં છું ત્યારે રોમાંચ ઊભાં થઇ જાય છે. આંખોના ખૂણા ભીનાં થઇ જાય છે. આ જ પ્રેમ છે. મારો પ્રેમ.

***                                                        ***                                                        ***

પાલિતાણામાં એક વિદેશી વિદ્વાન મળ્યા. પીટર ફ્યુગલ. તેઓ યુનિવર્સિટી ઑફ     લંડનમાં ધાર્મિક અભ્યાસ વિભાગ (ડિપાર્ટમેંટ ઓપ દ સ્ટડી ઓફ રિલિજિયન) ના ફેકલ્ટી છે. જૈનધર્મનો અભ્યાસ કરવા માટે તેઓ ભારત આવતા રહે છે. એક દુભાષિયા સાથે તેઓ મળવા માટે આવ્યા. આઠ વરસના સાધ્વીજી ભગવંતને જોઇ તેમણે પ્રશ્ન કર્યો, “આટલી નાની ઉંમરે દીક્ષા કેમ લીધીॽ” દુભાષિયાએ પ્રશ્નનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. મેં તેમની સાથે આવેલા મહિલા માટે પૂછ્યું, “આ સન્નારી તમારા કોણ થાયॽ “તેમણે કહ્યું ‘માય વાઇફ’ (મારા પત્ની છે!) મેં કહ્યું ‘હું’ તેમને એક સવાલ કરી શકુંॽ” દુભાષિયાએ પ્રશ્ન તેમને પહોંચાડ્યો. તેમને કહ્યું, “ઑફ કોર્સ” (ચોક્કસ) મેં પૂછ્યું ‘તમે આમની સાથે લગ્ન કેમ કર્યાॽ” દુભાષિયો થોડો ઓઝપાયો. પણ તેનું કામ પૂછવાનું હતું. તેણે પૂછ્યું. લેડીએ જવાબ આપ્યો. ‘બિકોઝ આઇ લવ્હ્ડ હિમॽ’ (કેમ કે – હું તેને પ્રેમ કરુંછું) મેં બીજો સવાલ કર્યો “વ્હાય ડુ યુ લવ હિમ? ” (તમે તેને પ્રેમ શું કામ કરો છેॽ) સન્નારી થોડા મૂંઝાયા. પણ વિદેશી હતા. ખૂલ્લાં મનનાં અને વિદુષી પણ હતા એટલે સારો જવાબ આપ્યો. “આય લવ્હ હિમ વિકોઝ આઇ લવ્હ હિમ. ધેર ઇઝ નો નીડ ઓફ રિઝન ટૂ ફોલ ઇન લવ” (હું તેને ચાહું છું કેમ કે હું તેને પ્રેમ કરૂં છું. પ્રેમમાં પડવા માટે કોઇ કારણ નથી હોતું) મેં કહ્યું “ ધેટ એક્ઝેટ વ્હોટ આય મિન”. પ્રેમમાં પડવા માટે અને દીક્ષા લેવા માટેના કોઇ કારણ નથી હોતા.

***                                                        ***                                                        ***

મને ઇસિભાસિયાઇં કેમ ગમે છેॽ તેનું કોઇ તાર્કિક કારણ મારી પાસે નથી. મને તે ગમે છે કેમ કે મને તે ગમે છે. હા! તેના સહવાસમાં મને ઉંડી તૃપ્તિ મળે છે. તેના ખોળામાં રમતો હોઉં ત્યારે મનને અપાર શાંતિ મળે છે. આ શબ્દો સાથે જનમ-જનમનો નાતો હોય તેવું લાગ્યા કરે છે. એક અગમ્ય આકર્ષણ અનુભવાય છે. આ શબ્દો વાંચતા સ્થળ-કાળનું ભાન રહેતું નથી. વિચારાતીત દશાનો અનુભવ થાય છે.

અસ્તિત્વના મૂળને શોધવા માટે અનેક પ્રયોગો કરી જોયા. ધ્યાન, મૌન,એકાંતના આલંબન લઇને ભીતરમાં ઉતરવાનો પ્રયાસ કર્યો. શાંતિ મળતી, રસ્તો મળતો પણ એકલતાનો ભય હાવી થઇ જતો. ઇસિભાસિયાઇંના સથવારે એ ભય ગાયબ થઇ ગયો.

એટલે ઇસિભાસિયાઇં મારો પ્રિય ગ્રંથ કેમ છે તેનો બુદ્ધિગમ્ય ઉત્તર આપી શકવાની સ્થિતિમાં હું નથી. કેવલ ઇસિભાસિયાઇંના સથવારે મને જે આંતરિક આનંદ મળ્યો છે તે ક્ષણોનું બયાન કરી શકું. મારા જીવનમાં જે મેજર પરિવર્તન આવ્યા છે તેનું વર્ણન કરી શકું. પણ તે પ્રેમ કર્યો પછી આવ્યા છે, પરિવર્તન આવ્યા પછી પ્રેમ નથી થયો.

ઇસિભાસિયાઇં વાંચ્યાં પછી પહેલું પરિવર્તન અનુભવ્યું-સત્ય સમજવા બુદ્ધિનો ઉપયોગ ઓછો થવા લાગ્યો.

નવ્યન્યાયનો અભ્યાસ કરતાં એ ધારણા બંધાઇ ગઇ હતી કે સત્ય ખૂબ જટિલ, અટપટું અને કઠિન હોય છે. વિચારક્ષમતાનો વિકાસ થાય તો સત્યની નજીક પહોંચવું સરળ બની જાય. પણ તેવું બન્યું નહીં. વિચારક્ષમતા વધ્યા પછી પણ પ્રશ્ન તો તે જ રહ્યા. ઉપરથી દરેક હકિકતને જટિલ બતાવવાની ચાહત બની ગઇ. સત્ય સરળ હોઇ જ ન શકે અને સરળ હોય તે સત્ય ન હોય આ ખોટી ધારણા બંધાઇ ગઇ હતી.

ઇસિભાસિયાઇંનું વીસમું અધ્યયન(પ્રવક્તા – અર્હત્ ઋષિ) અને સાડત્રીસમું અધ્યયન (પ્રવક્તા – ગિરિઋષિ) વાંચતા એ પ્રતીતિ (રીયલાઇઝ) થઇ કે જીવનના મૂલભૂત સત્યો હંમેશા સહજ અને સરળ જ હોય છે. બુદ્ધિ જ તેને જટિલ બનાવે છે. વિચારક્ષમતા એકાંગી બને તો સંવેદનાને અસર કરે છે. સત્ય સમજવું આસાન છે. કેવળ તેને માટે તમારે સરળ બનવું પડે છે. એ જ કારણે બાળક સત્યને તરત વાચી શકે છે. કેમ કે તે સરળ છે. બુદ્ધિની તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા વચ્ચે પાતળી ભેદરેખા છે. આ ભેદરેખા ઇસિભાસિયાઇંના શબ્દોએ સ્પષ્ટ કરી આપી. અને આશ્ચર્ય બુદ્ધિની ક્ષમતા કઇ ગણી વધી ગઇ.

વીસમા અધ્યયનમાં અર્હત્ ઋષિ કહે છે

કેટલાક વિચારકો બીજાના વિચાર ઉપાડી લઇ પોતાની વાત સાબિત કરે છે, તે અજ્ઞાન છે(સૂત્ર-૩)

હું શું કરૂ છુંॽ હું જે વિચારું છે તે વિચારે મારા છેॽ મૌલિક છેॽ ના! હું તો કેવળ બીજાના વિચારોને સજાવીને મારા નામે વહેંચું છું. પ્રસિદ્ધિ મને મળે છે. પણ જ્ઞાન મારું છેॽ મારો વિચાર મારી અનુભૂતિ છેॽ ના! એ ઉછીનો છે. બીજાનો છે. તેના આધારે હું મારી જાતને જ્ઞાની માનતો હોઉં તો મૂર્ખ છું. અર્હત ઋષિના શબ્દોએ મારા જ્ઞાની હોવાના દંભને માવજતથી દૂર કર્યો.

ઇસિભાસિયાઇં વાંચ્યાં પછી બીજો અનુભવ થયો – મનની પ્રસન્નતા વધી ગઇ. મનની હતાશા અને નિરાશાને ખંખેરી નાંખે તેવી ઢગલાબંદ પ્રેરણાઓ ઇસિભાસિયાઇંમાં છે.

જ્યારે જ્યારે મન હતાશમાં ગરકાવ થયું ત્યારે ત્યારે ઇસિભાસિયાઇંના શબ્દોએ હાથ પકડીને મનને ફરી બેઠું કર્યું.

બાળપણથી અર્ધજાગૃત મનમાં સંગ્રહાયેલી નકારાત્મક લાગણીઓના પડને ઉકેલીને તેને સકારાત્મકતામાં ફેરવી.

ઇસિભાસિયાઇં જ્યારે બીજી વાર હાથમાં લીધું ત્યારે માનસિક સ્વસ્થતા સહેજ વિચલિત હતી. કોઇ વ્યક્તિ નિંદા- મારી નિંદા- કરે છે, તે જાણીને બહુ દુઃખ પહોંચતું. હું ભૂલ કરું અને કોઇ વ્યક્તિ મને કહે તો થોડું ખરાબ લાગે પણ ખોટું ન લાગે. પણ મારી ભૂલ મને કહ્યા વિના બીજાને કહે ત્યારે ખરાબ કરતા ખોટું વધુ લાગે. તેમાં ય કોઇ વ્યક્તિ મારી ભૂલ ન હોય છતાં ય બદનામી કરે અને આવી વ્યક્તિ સાધક કક્ષાની હોય ત્યારે ખંજર ભોંકાયું હોય તેવું લાગણી જાગતી. મન હતાશામાં સરકી પડતું.વ્યવહાર જગતમાં ‘સફળતા’ મહત્ત્વની હોય છે અધ્યાત્મ જગતમાં ‘સમાધાન’. સફળતા માટે માયા કરવી, બીજાને ઉતારી પાડવા વ્યવહાર જગતમાં સાધારણ ગણાય.કમનસીબે તેનો શિકાર સાધક વ્યક્તિ પણ બનતી હોય છે. પોતાનો વિરોધ થાય ત્યારે હતાશ થઇ જવું નિર્બલ મનની નીશાની છે. આ પણ એક પ્રકારનું ‘અભિમાન’ છે. સેલ્ફ-ઇમેજને જાળવવાનો બોજ છે. તે જલ્દીથી પકડાતો નથી. પકડાય તો છોડવો કેમ સમજાતું નથી.

આવી જ કોઇ નિર્બળ મનોદશામાં હું ગરક હતો મનને કોઇ શબ્દોથી સમાધાન મળતું ન હતું. સેલ્ફ-હેલ્થના કેટલાંય પુસ્તકો વાંચ્યાં પણ મનની ફરિયાદ હટતી ન હતી ત્યારે અંગિરસ ઋષિના શબ્દો વાંચ્યા અને મનમાં ટાઢક વળી ગઇ.

કોઇ માણસ મન ફાવે તેમ બોલી શકે છે. હું મારી જાતને ઉદ્વિગ્ન કેમ કરૂં મારી નિંદા કરનાર મારાથી સંતુષ્ટ નથી તે જાણી લીધું હવે ક્રોધ જરૂરી નથી. (૩.૨૨)

અશાંતિની આગથી બનેલા મનને એકદમ શાંતિ મળી ગઇ. ચંડકૌશિકના માનસ પર પ્રભુ વીરના શબ્દોએ જે જાદુ કર્યો હતો તે જાદુ થયો. સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવી ગઇ.

જ્વાળામુખીની ટોચ પર

બેઠો હોઉં ત્યારે

મારી ભીતર

ચંદનનો લેપ કર્યા કરે

તે મારો ‘પરમાત્મા’

અંગિરસ ઋષિના શબ્દો મારા માટે પ્રભુ વીર બનીને આવ્યા. અંગિરસ ઋષિએ માનવ મનનો ગહરાઇથી અભ્યાસ કર્યો છે. તેમણે પાંચ પ્રકારના માનસ વિષે વાત કરી છે. કેટલાક માણસનું મન ઘાસ જેવું હોય છે, જે પોતાની જાતને સંભાળી શકતું નથી કે બીજાને છાયા આપી શકતું નથી. કેટલાક માણસનાં મન ઝાડના ઠૂંઠા જેવા હોય છે, જેમણે વિકાસ તો સાધી લીધો છે, પણ મધુરતાના પાંદડા ખરી ગયા છે. કેટલાક માણસોના મન વાદળ જેવા છે, જે ખારાં પાણીને મીઠું બનાવી ધરતી પર વરસાવી દે છે. કેટલાક માનવોનાં મન લતા મંડપ જેવા છે, જે સ્વયં તાપ સહન કરે છે અને બીજાને ઠંડક આપે છે.

હતાશાની ખીણમાં ગરક થઇ ગયેલી વ્યક્તિને પીઠ પસવારનાર વ્યક્તિ પર જેવો અહોભાવ જન્મે તેવો ભાવ ‘ઇસિભાસિયાઇં’ના પ્રબોધક ઋષિના વચનો વાચતા જન્મે છે. આ ઋષિઓએ માનવમનને ગહરાઇથી અને તેની અખિલાઇમાં જોયું છે.માનસશાસ્ત્રના આધારે જીવન અંગેનું માર્ગદર્શન આપતા અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકો નજર સામે છે. તેમના તારણ અને ઋષિઓના સ્વાનુભવમાં અજબનું સામ્ય છે. ઋષિઓ એક ડગલું આગળ છે. માનસશાસ્ત્રી મનને પોઝિટિવ બનાવવાનું કહે છે. ઋષિઓ મનને પોઝિટિવ કે નેગેટિવ બંને છેડાથી ઉપર ઉઠી ન્યુટ્રલ બનવાનું કહે છે.

બીજા અનેક ઋષિની પ્રેરણાઓએ મનને ગજબની પ્રેરણા આપી. આ પ્રેરણાઓએ મનને સંવાદમાં રહેતાં શીખવ્યું. નકારાત્મક વિચાર, સ્વાર્થી લાગણી તમારો મન સાથેનો સંવાદ ખોરવી નાંખે છે. વિસંવાદી મન પ્રસન્ન રહી શકતું નથી. દુઃખનું કારણ બહારનું વાતાવરણ નથી પણ અંતરનો વિસંવાદ છે. વિપરીત વાતાવરણમાં મારા ભીતરી સંવાદને જીવંત રાખવામાં ઇસિભાસિયાઇંના શબ્દોએ બહુ મદદ કરી છે.

ઇસિભાસિયાઇં વાંચ્યા પછી જીવનમાં ત્રીજું પરિવર્તન અનુભવ્યું. અસ્તિત્વના મૂળ સુધી જવા માટેનાં પ્રકાશ કિરણો સાંપડ્યાં. આત્માની અભિમુખતા સઘન બની. અસ્તિત્વની ઓળખ બુદ્ધિથી નહીં થઇ શકે એ વાતની પ્રતીતિ ઇસિભાસિયાઇંના શબ્દોથી થઇ. આત્મા સુધી પહોંચવાનો માર્ગ ‘ધ્યાન’ છે. તેની પ્રતીતિ દગભાણ ઋષિએ કરાવી.

શરીરમાં જે મહત્ત્વ મસ્તકનું છે, વૃક્ષમાં પ્રાણ મૂળને આધીન છે. તેથી વૃક્ષ કરતા મૂળ મહત્ત્વનું છે તેમ સમસ્ત સાધુ ધર્મોમાં શ્રેષ્ઠ સ્થાન ધ્યાનનું છે. (૨૨.૧૪.)

મારી અંતર્યાત્રાનો માર્ગ આ શબ્દોએ નિશ્ચિત કરી આપ્યો. સાધારણ સાધકોમાં ધ્યાન વિષે સમજ ઓછી ગેરસમજ વધારે છે. સહજ રીતે મનને વિચાર અને ભાવનાઓના પ્રભાવથી મુક્ત રાખવાનો પ્રયાસ તે ધ્યાન છે. એકાગ્રતા તેનો પ્રાણ છે.

આગમો, આધ્યાત્મિક ઉપલબ્ધિના માર્ગનો ચોક્કસ ક્રમ છે પણ તે ક્રમ બૌદ્ધિક નથી. આત્માની પાત્રતા, તેના સંસ્કારો, સ્વીકૃતિનો ભાવ, તેમા કર્મો, તેના અધ્યવસાયોની સ્થિતિના આધારે આત્મા સ્વયં તેનો માર્ગ નક્કી કરે છે. દરેકના આત્મા સ્વતંત્ર છે, દરેક આત્માનો મોક્ષ અલગ અલગ છે, તેથી દરેકનો મોક્ષમાર્ગ પણ અલગ છે. મરૂદેવી માતા જેવા આત્મા સહુથી છેલ્લા ઊભા હોય તો ય પહેલા મોક્ષમાં પહોંચી જાય છે. અને બાહુબલિજીનો આત્મા દરવાજા પાસે એકવરસ સુધી એમ જ ઊભો રહે છે. આત્માની ઉન્નતિનો ક્રમ અત્યંત નિજી છે. દરેકનો પોતાનો ક્રમ છે. દરેકનો પોતાનો માર્ગ છે. દરેકની પોતાની નાવ છે. પોતાનાં હલેસાં છે. આ ક્રમ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિ સામાન્ય નિયમોમા આધારે ચાલે છે. જડ જગતમાં સામાન્ય નિયમો હોય છે. બુદ્ધિ એ જ જોવા ટેવાયેલી છે, એટલું જ નહીં. એ જ રીતે જીવવા ટેવાયેલી છે. જીવજગતમાં સ્વતંત્રતાને નિયમ છે. પોતાનો માર્ગ છે. આ નિયમ અનુભૂતિથી જ જાણી શકાય. મારો ક્રમ મારો છે. મારા હાથમાં છે, આગમોમાં સાધનાના સૂત્રો ક્રમમાં નથી. તે સહજ છે. બરાબર પણ છે.

‘ઇસિભાસિયાઇં’માં દરેક ઋષિની અધ્યાત્મસાધનાના સૂત્રો છે. આ અનુભૂતિનાં સૂત્રોનો કોઇ ક્રમ નથી. તમે જ્યાં ઊભા છો ત્યાં ક્યું સૂત્ર ઉપયોગી છે? તે નક્કી કરો અને આગળ વધો. તમને તમારો માર્ગ મળશે. એક વાત નિશ્ચિત છે-આગમ સૂત્રો તમને પ્રકાશ આપે છે. તમે માર્ગ પર હશો તો હવે પછીનો મુકામ કયો છે તે તરફ દિશાનિર્દેશ ચોક્કસ કરે છે. તમારે તેના અજવાળામાં આગળ ધપવાનું.

અનુભૂતિનો માર્ગ અગમ્ય છે. ‘વાચામગોચરઃ’ છે જ્યાં સુધી બુદ્ધિ સક્રિય છે સમજાતો નથી. તેને સમજવા બુદ્ધિના પ્રદેશની પેલે પાર જવું જરૂરી છે. અહીં સુધી પહોંચવા પણ બુદ્ધિનો સહારો તો લેવો જ પડે છે. અને બુદ્ધિ ક્રમથી જ વિચારે છે. ઇસિભાસિયાઇંના અનુભૂતિ સૂત્રો મારા બૌદ્ધિક ક્રમ મુજબ આ રીતે ગોઠવાયા છે. બીજાને માટે બીજો ક્રમ હોઇ શકે.

દુઃખનું કારણ મોહ છે. (અધ્યયન-૨.૭ પ્રવક્તા – વજ્જિથપુત્ર)

દુઃખ બે દરવાજેથી આવે છે આસક્તિ અને આકાંક્ષા (અધ્યયન-૧૫ પ્રવક્તા – મધુરાજ)

દીન ન બનો. ક્રોધના વિપાકનો વિચાર કરો. (અધ્યયન-૧૨ પ્રવક્તા -યાજ્ઞવલ્ક્ય)

અજ્ઞાનથી ભય જન્મે છે (અધ્યયન-૨૧ પ્રવક્તા -તરુણ)

આર્ય માર્ગ મુજબ જીવવું, આર્ય કર્મ કરવું, આર્યને જ મિત્ર બતાવવો (અધ્યયન-૧૯. પ્રવક્તા -આર્યાયણ)

સારું-ખરાબ, ઉંચ-નીચ મનની નિપજ છે. ચક્રવર્તી પણ અનાજ ખાય છે, હાથીના દાંત નહીં. (અધ્યયન-૨૮.૨૩ પ્રવક્તા -આર્દ્રક)

વિશ્વ સત્ય છે, તમે કરો તેવું જ પામો છો (અધ્યયન-૩૦ પ્રવક્તા -વાયુ)

ઇચ્છા સંકલેશનું કારણ છે (અધ્યયન-૪૭ પ્રવક્તા – દ્વૈપાયન)

હું મારી મુક્તિ માટે બીજાને પરાજિત નહીં કરૂં. તે પરાજિત વ્યક્તિ મારું જ અહિત કરશે. (અધ્યયન-૧૩.૬ પ્રવક્તા -ભયાલિ)

ભૌતિક ઇચ્છા જીવનના લક્ષ્યને બદલી નાખે છે. (અધ્યયન-૪૧. પ્રવક્તા -ઇંદ્રનાગ)

જેને પાપ ગમે છે તેને આત્મા ગમતો નથી.

નાનો પણ પાપનો વિચાર તમને પાછળ રાખી દેશે (અધ્યયન-૪૨ પ્રવક્તા – સોમ)

પાપને ‘ના’ કહેતા શીખવું (અધ્યયન-૩૯ પ્રવક્તા – સંજય)

વાસનાને જિતવા મનને જિતો, તેને વિષયોથી વિમુખ કરો પછી વિવેક કેળવો (અધ્યયન-૨૯.૧૬ પ્રવક્તા -વર્ધમાન)

કષાય પાપને મજબૂત કરે છે. વૈરાગ્ય કર્મને દૂર કરે છે. (અધ્યયન-૧૮ પ્રવક્તા -વર્ષપ)

જાગૃતિ અને પરિણામનો વિચાર સંસારમાં રહીને વિરક્તિ ટકાવી રાખવાના સૂત્ર. (અધ્યયન-૨૫. પ્રવક્તા –અંબડ)

દૃઢ સંકલ્પ, ઇંદ્રિયદમન અને સત્ત્વ દ્વારા કામને જીતી શકાય (અધ્યયન-૬.૬ પ્રવક્તા -વલ્કલચીર)

અધ્યાત્મ કુશળ ચિકિત્સક પામી સાધક વાસનાથી મુક્ત બની જાય છે. (અધ્યયન-૧૧ પ્રવક્તા – મંખલિપુત્ર)

ઇંદ્રિયોને તપ અને ધ્યાનની ઢાલથી એ છૂપાવી રાખવી. (અધ્યયન-૧૬ પ્રવક્તા -સૌર્યાયણ)

ક્રોધ અને માન રહિત આત્માની બુદ્ધિ સૂક્ષ્મ બને છે (અધ્યયન-૫. પ્રવક્તા – પુષ્પશાલ)

જેનાથી આત્મભાવનો બોધ થાય તે સાચી વિદ્યા (અધ્યયન-૧૭. પ્રવક્તા -વિદુ)

જીવને કર્મ બંધાય છે તેના ત્રણ કારણ હિંસા, મમતા અને ક્રોધ (અધ્યયન-૩ પ્રવક્તા -દવિલ)

પહેલા તમારા કર્મોનું પૃથક્કરણ કરો પછી કર્મોનું પરિશોધન કરો. (અધ્યયન-૨૨. પ્રવક્તા -દગભાણ)

સમ્યકત્વ અને ત્યાગ કર્મશત્રુ પર મર્મ પ્રહાર સમ છે. (અધ્યયન-૯. પ્રવક્તા – મહાકાશ્યપ)

સાધના માટે સ્પષ્ટ દિશા અને દૃઢ નિશ્ચય જોઇએ (અધ્યયન-૪૪ પ્રવક્તા -વરૂણ)

સ્વેચ્છા અને સદાશય ક્રિયાને અમૃત બતાવે છે (અધ્યયન-૧૪. પ્રવક્તા -બાહુક)

ધીર પુરુષનું શરણ લેવું (અધ્યયન-૩૮.૨૦ પ્રવક્તા -સારિપુત્ર)

ગૃહસ્થ સાથે ઘણો સમય વીતાવવો નહીં આત્માનું ધ્યાન કરવું કે શ્રમણોનો સત્સંગ કરવો. (અધ્યયન-૨૬.૩ પ્રવક્તા -માતંગ)

જે જીવવા માટે કે વાહવાહ માટે લોકને ગમે તેવી પ્રવૃત્તિ કરે છે તે શબને પ્રદક્ષિણા કરે છે. – (અધ્યયન-૨૭.૬ પ્રવક્તા -વારત્તક)

જે લોકો પાછળ ગાંડો બને છે તે સમાધિને ગુમાવે છે (અધ્યયન-૭.૩ પ્રવક્તા -કૂર્માપુત્ર)

પોતાની જાતને યા તો સ્વયં જાણી શકાય યા તો સર્વજ્ઞ જાણી શકે (અધ્યયન-૪ પ્રવક્તા -અંગિરસ)

***                                                        ***                                                        ***

સાધકનું ત્રણ વ્યક્તિત્વ પિંડથી ઘડાય છે.

(૧) વિચારપિંડ બુદ્ધિથી ઘડાય છે.

(૨) ભાવનાપિંડ લાગણીથી ઘડાય છે.

(૩) અધ્યાત્મપિંડ અનુભૂતિથી ઘડાય છે.

ત્રણે પિંડને ઘડવાના વચનો આ આગમમાં છે

અધ્યયન-૧, ૧૯, ૨૦, ૨૭, ૩૧, ૩૭ વિચારપિંડને ઘડે છે

અધ્યયન- ૪, ૧૨, ૧૫, ૩૦, ૩૩, ૩૪, ૩૫, ૪૨, ૪૬ ભાવનાપિંડને ઘડે છે

અધ્યયન- ૨, ૩, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૨, ૩૫, ૩૮, ૩૯, ૪૧, ૪૪, ૪૫ અધ્યાત્મપિંડને ઘડે છે

પ્રત્યેક બુદ્ધ ઋષિઓના પ્રવચન રૂપ આ આગમ ઉપર એક પણ ટીકા વિદ્યમાન નથી. આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ તેની પર નિર્યુક્તિ રચી છે પણ તે અપ્રાપ્ય છે. આ પૂર્વ મહર્ષિઓના વચનો આત્માના ઉચ્ચ અધ્યવસાયને સ્પર્શીને આવે છે. તેમાં નૈશ્ચયિક ચારિત્રના સ્પંદનો ઝીલાયા છે. તેથી વ્યવહારમાર્ગમાં તેનું પ્રચલન અલ્પ રહ્યું હશે. આ વચનોને તર્કની પરિધિમાં કે શબ્દની સીમિત અર્થચ્છાયામાં બાંધવું અઘરું કામ છે. પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી મ.સા., પૂ.આ.શ્રી મલયગિરિજી મ., પૂ.આ.શ્રી.અભયદેવસૂરિજી મ. કે ઉપા.શ્રી યશોવિજયજી મ. જેવા સમર્થ વૃત્તિકારોનો સ્પર્શ આ આગમને મળ્યો હોત, તો આ મહર્ષિઓએ કંડારેલી અનુભૂતિની કેડી પર પગ માંડવા બહુ સરળ રહેત.

ઇસિભાસિયાઇં કેવલ મારો પ્રિય ગ્રંથ નથી મારો પિંડગ્રંથ છે. મારા સાધક પિંડને ઘડવામાં પ્રત્યેકબુદ્ધ ઋષિઓના પ્રબુદ્ધ વચનોનો મહત્તમ ફાળો છે તેના સહારે મારી આત્મયાત્રા ચાલતી રહેશે. નિરાબાધ.

પશ્ચાદ્વચન

 

પ્રિય ગ્રંથ વિષે લખવું અઘરું કામ છે. પહેલા તો પ્રિય ગ્રંથ વિષે વિચારવું જ અઘરું છે. કેવળ ગ્રંથ વિષે વિચારવું કે લખવું કદાચ સરળ છે પરંતુ મારાંપણાંની અને પ્રિયતાની છાયામાં ગ્રંથ વિષે વિચારવું અઘરું છે. ગ્રંથ વિષે લખવા માટે ગ્રંથનું નિરીક્ષણ કરવું જરૂરી છે.મારા પ્રિય ગ્રંથ વિષે લખવા માટે ગ્રંથનું નિરીક્ષણ કરતાં પહેલાં આત્માનું નિરીક્ષણ કરવું અનિવાર્ય છે.હું કેવો છું? કેવો હતો? આ ગ્રંથના પરિચયમાં કેવી રીતે આવ્યો? પહેલી વાર આ ગ્રંથ વાંચ્યો ત્યારે કેવા સ્પંદનો જાગ્યા? વારંવાર આ ગ્રંથમાંથી પસાર થતાં શું અનુભૂતિઓ થઈ? આ ગ્રંથ કેવી રીતે મારા ભાવવિશ્વનો એક ભાગ બની ગયો? આ ગ્રંથને કારણે મને શું આધ્યાત્મિક લાભ થયો? આ તમામ સવાલોના જવાબ મેળવવા આત્મનિરીક્ષણ કરવું જ પડે. ગ્રંથના અને પ્રિયતાના પરિપ્રેક્ષ્યમાં મારાપણાંનો વિચાર કરવો પડે. આ અઘરું છે. કેમ કે-કોઇ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ એકાંગી નથી હોતું, બહુઆયામી હોય છે.

માનવ વ્યક્તિત્વના ત્રણ આયામ છે. વૈચારિક વ્યક્તિત્વ,ભાવનાત્મક વ્યક્તિત્વ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ.

મોટા ભાગના લોકો વૈચારિક અને ભાવનાત્મક સ્તરે જીવન જીવી જતા હોય છે.ઉચ્ચકક્ષાના સાધકો આધ્યાત્મિક સ્તરે જીવનનો અનુભવ કરે છે.સાધુ ભગવંતો આધ્યાત્મિક વ્યક્તિત્વના વિકાસ માટે નિરંતર પ્રયાસ કરતા રહે છે.ત્રણે ય સ્તર પર પ્રિયતાની વ્યાખ્યા અલગ અલગ હોય. વૈચારિક સ્તર ગણિતપ્રધાન હોય. ભાવનાત્મક સ્તર સંવેદનાપ્રધાન હોય તો આધ્યાત્મિક સ્તર સમભાવપ્રધાન હોય. આથી, ત્રણે ય ભૂમિકાના પ્રિયતાના માપદંડ જ વેગળાં હોય.બુદ્ધિને તાર્કિક ગ્રંથ વધુ ગમે.લાગણીને ભાવનાપ્રધાન ગ્રંથ વધુ ગમે તો આત્માને સાક્ષિભાવના ગ્રંથ વધુ ગમે.આપણે ત્રણે ય પ્રકારના વ્યક્તિત્વ સાથે જીવીએ છીએ તેથી કોઇ એક વ્યક્તિત્વને નજર સામે રાખી પસંદગી કરવી આહ્વાન બની રહે છે.ઘણું ઉંડું મનોમંથન અને ઘણા લાંબા સમય સુધી નિરંતર આત્મમંથન કર્યા પછી જ કદાચ જવાબ મળે ‘મારો પ્રિય ગ્રંથ’ આ છે.

ભગવતીના યોગમાં પ્રવેશ દિને પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ.એ ઉદ્દેશાનંદીનો વાસક્ષેપ કર્યો તે ક્ષણે પ્રેરણા ઉદ્ભવી, જાણે ખમાસમણાણં હત્થેણં શ્રી સુધર્માસ્વામિજીએ આજ્ઞા કરી કે – એક સર્વગ્રાહી વિષય ધરાવતાં સ્વાધ્યાય પુસ્તકનું સંપાદન કરવું. ‘મારો પ્રિય ગ્રંથ’ વિષયની પસંદગી કરી. વિભિન્ન પૂજ્યોને લેખ લખ્યા. લગભગ ૪૦ પત્રમાંથી ત્રણ જ લેખ આવ્યા. સહુથી પહેલો લેખ આવ્યો પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.નો.તેમણે બીજું કોઇ જોયા વિના કેવળ વિષયને જોઇ અનુરૂપ લેખ મોકલી આવ્યો. બે મહિના વીત્યા ત્યારે મારી પાસે ત્રણ લેખ હતા. ઉપમિતિના નિષ્પુણ્યકની જેમ હું હતાશ થયો પણ સદ્બુદ્ધિએ મને સાચવી લીધો. ફરી વાર સહુને યાદપત્ર લખ્યાં. લેખોની સંખ્યા નવ થઇ. યોગ પૂરા થઇ ગયા. પુસ્તકની આશા ધૂંધળી બની ગઇ. ચોમાસામાં ત્રીજી વાર પત્ર લખ્યા. ત્યારે જવાબ આવવા શરૂ થયા.

આપણે ત્યાં લગભગ એક ધારણા રૂઢ થઇ ગઇ છે કે-આપણને કંઇક પ્રિય હોય તો બીજું અપ્રિય જ હોય. એવું જરૂરી નથી. એક ગ્રંથ પ્રિય હોય એટલે બીજા ગ્રંથો અપ્રિય કે ઓછા મહત્ત્વના બની જતા નથી. કોઇને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પર વધુ શ્રદ્ધા હોય તો તેનો અર્થ એ નથી કે મહાવીર સ્વામી પર ઓછો પ્રેમ છે કે ઓછી શ્રદ્ધા છે. મીમાંસાસૂત્રના શાબર ભાષ્યમાં ઉક્તિ આવે છે-

‘न हि निन्दा निन्द्यं निन्दितुं प्रयुज्यते, किं तर्हि? निन्दितादिरत् प्रशंसितुम्’

શાસ્ત્રોમાં કોઇની નિંદા તેને ખરાબ ચીતરવા માટે નથી કરાતી પણ તેના કરતાં બીજું સારું છે તે દર્શાવવા કરાય છે. આ ન્યાયને જૂદા એંગલથી આ રીતે પ્રયોજી શકાય-

‘सर्वा हि प्रशंसा प्रशस्यं प्रशंसितुं प्रयुज्यते, न प्रशस्यादितरत् निन्दितुम्’

કોઇની પ્રશંસા કરીએ ત્યારે તે વસ્તુ સારી છે એટલું બતાવવાનો જ આશય હોય છે. પ્રશંસાપાત્ર વ્યક્તિથી બીજી વ્યક્તિ ખરાબ છે એ આશય નથી હોતો.

‘મારો પ્રિય ગ્રંથ’ આ શીર્ષક વાંચીને આવી જ ગેરસમજ ઊભી થઇ કે કોઇ ગ્રંથને પ્રિય કહીએ તો બીજા અપ્રિય થઇ જાય. સાધુને તો બધા જ ગ્રંથ પ્રિય હોય. આ ધારણાથી કેટલાક પૂજ્યોએ લેખ ન મોકલ્યા. જે મહાત્માઓના લેખ આવ્યા તેમને પણ આ સવાલ તો થયો જ. મારા સદ્નસીબે તેમણે મારા આશયને સમજવાનો પ્રયાસ કર્યો અને અનુમોદન પણ આપ્યું.

સંપાદન સમયે મનમાં એક આશય સ્પષ્ટ હતો કે આપણાં પ્રાચીન શાસ્ત્રો વિષે શ્રાવકવર્ગમાં વિશેષ સમજ અને વિશેષ રુચિ જન્મે. શ્રાવકને મહારાજ સાહેબ ગમે છે મહારાજ સાહેબને શાસ્ત્ર ગમે છે. જે સાહેબને ગમે તે મને પણ ગમે. તેવી રુચિ જન્મે તો સ્વાધ્યાય જેવું ઉપેક્ષિત ક્ષેત્ર ફરી જાગૃત થાય. આમ, લેખની વ્યાપ્તિ પ્રાચીન શાસ્ત્રોની સાથે હતી પણ તેવી સ્પષ્ટતા પહેલા થઇ નહીં. તેને કારણે બે લેખો સવિનય પરત કરવા પડ્યા. મારા અદૃષ્ટકલ્યાણમિત્ર પ.પૂ.આ.દે.શ્રી વિજયશીલચંદ્ર સૂ.મ.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી ત્રૈલોક્યમંડનવિજયજીનો અભ્યાસપૂર્ણ લેખ આ સંપાદનમાં સમાવી ન શક્યો છતાં તેમણે ખૂબ ઉદારતાથી મારી ભાવનાનો આદર કર્યો. તેમનો ક્ષમાપ્રાર્થી હોવા સાથે ઋણી પણ છું. પદ્મશ્રી કુમારપાળભાઇ દેસાઇએ વીરચંદ રાઘવજી ગાંધીના પુસ્તક પર લખેલો લેખ પણ પરત કર્યો તેમણે બીજો લેખ મોકલી આપી સંપાદનને ગૌરવપૂર્ણ બનાવ્યું.

લેખો ઓછા આવ્યા તેથી પુસ્તક પ્રગટ થશે કે નહીંॽ તેવી આશંકાથી નવા લેખો આવતા અટકી ગયા. ચાર વારના પ્રયાસ પછી લેખો આવ્યા. બહુ સરસ આવ્યા. જે જે મહાપુરૂષોના કે મહાત્માઓના લેખો આવ્યા તેમાંથી ઘણાં અપરિચિત છે. છતાં પણ તેઓએ સુંદર લેખ પાઠવી અનુગ્રહ કર્યો છે.

કેટલાક પૂજ્યોની ભાવના હોવાં છતાં અન્યાન્ય કારણથી લેખ પાઠવી શક્યા નથી. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હર્ષસાગરસૂરીશ્વરજી મ.ને વિપાકસૂત્ર પ્રિય છે. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી ધુરંધર વિજયજી મ.ને શ્રીપાળરાજાનો રાસ પ્રિય છે.

આમ લગભગ પચીસ લેખ સાથે પુસ્તક સંપાદન માટે સજ્જ થયું. અહીં લેખોનો ક્રમ ગ્રંથની રચનાના અનુક્રમે ગોઠવ્યો છે. ગ્રંથના મહત્ત્વપૂર્ણ ગણવાના આશયથી જ આમ કર્યું છે. તેથી લેખક પૂજ્યોનો સંયમપર્યાય સાચવી શકાયો નથી.

ગ્રંથની પ્રિયતા વિષે સહુથી વધુ પસંદગી ઉપમિતિભવપ્રપંચાકથા પર ઉતરી છે. પાંચ એટલે લગભગ વીસ ટકા જેટલા લેખકોનો ઉપમિતિ પ્રિય ગ્રંથ રહ્યો છે.

ઉત્સવ કરતાં પહેલાં આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે. ‘મારો પ્રિય ગ્રંથ’ ગ્રંથ વાંચવા માટેની આમંત્રણ પત્રિકા છે. આ આમંત્રણ પત્રિકા વાંચીને શાસ્ત્રકારોએ યોજેલા જ્ઞાનોત્સવમાં ભાગ લેવાની ઇચ્છા જાગશે તો આનંદ થશે.

ઉપમિતિભવપ્રપંચ કથાના પહેલા પ્રસ્તાવના અંતે શ્રી સિદ્ધર્ષિગણિજી એ લખ્યું કે–

‘આ ગ્રંથ દ્વારા જિનાગમનો સાર મેં વિદ્વાનો સમક્ષ મૂક્યો છે. વિદ્વજ્જનોને પ્રાર્થના છે કે – ગ્રંથ બનાવનાર કોણ છેॽ કેવો છેॽ તે ન જોતાં તેની વાતને જોઇ ગ્રંથમાં પ્રવેશ કરે.’

તેમની આ વિનંતિ રજૂ કરી વિરમું છે.

 

૨૦૭૧, માગસર વદ ૧, રવિવાર                                                                                           -વૈરાગ્યરતિવિજય

શ્રુતભવન

 

આ સંપાદનમાં ‘મારો પ્રિય ગ્રંથ’માં તમને સહુથી વધુ ક્યો લેખ ગયોॽ હાથમાં પેન લો, અને આ કોરા પાનાં પર લખોॽ કદાચ્ તમને તમારો પ્રિય ગ્રંથ મળી આવે.

કર્મનો નિયમ (ઉપદેશ) – વૈરાગ્યરતિવિજય ગણિ

કર્મ એટલે ક્રિયા. કર્મગ્રંથમાં કર્મની વ્યાખ્યા કરતા પૂ.આ.શ્રી દેવેંદ્રસૂ.મ. કહે છે—

कीरई जीएण हेउहिं जेणं तो भण्णए कम्मं॥

જીવની કોઇ ક્રિયા હેતુ વિનાની હોતી નથી. જીવ પોતે કરેલી ક્રિયાનો હેતુ ન જાણતો હોય તે બની શકે પણ  હેતુ વિના કોઇ ક્રિયા કરે નહિ. એટલે કર્મનો અર્થ છે-ક્રિયા. કર્મનો સિદ્ધાંત કાર્યકારણભાવના નિયમ પર આધારિત છે. આ વિશ્વવ્યવસ્થાનો અબાધિત કાયદો છે. તેને કોઇ તોડી શકે નહિ. તમે કોઇ પણ ક્રિયા કરો તો તેનું ફળ તમને મળે છે. કર્મ એક અદૃશ્ય શક્તિ છે જે તમને જીવનના મૂળભૂત પાઠ શીખવે છે. તમારું વર્તમાન જીવન તમારા ભૂતકાળનું જ પ્રતિબિંબ છે. તમારું આજનું ભાગ્ય તમે ભૂતકાળમાં જ લખ્યું છે. એનો અર્થ એ નથી કે તમારા ભાગ્યમાં કોઇ ફેરફાર ન થઇ શકે. કેમ કે તમારું ભાગ્ય તમારી ઇચ્છા અનુસાર લખાય છે. તમારું ભવિષ્ય હજી લખાયું નથી. આજની તારીખમાં તમે તમારું ભવિષ્ય લખવા માટે મુક્ત છો. તમારો ભૂતકાળ ગમે તેવો હોય જીવન તમને સારા બનવાની તક આપે છે.

તમારી આજની ક્રિયા તમારું ભવિષ્ય નક્કી કરવાની છે. તમારી આજ તમારી ગઇકાલનું પરિણામ છે. આજે તમે જે કંઇ પણ અનુભવો છો તે તમે ભૂતકાળમાં કરેલા કર્મનું ફળ છે. આ કર્મો કેવળ અને કેવળ તમારા માટે જ બન્યા છે. કર્મ તમને એ જણાવે છે કે – ભૂતકાળના અનુભવમાંથી કંઇક શીખો અને તમારું ભવિષ્ય સુધારો. તમે તમારા ભૂતકાળને બદલી શકો નહિ પરંતુ તેમાંથી કંઇક શીખીને તમારું ભવિષ્ય જરુર બદલી શકો. કર્મસત્તા વિશ્વવ્યવસ્થાના નિયમ અનુસાર ચાલે છે. આ નિયમ સમજી લઇએ તો ભવિષ્ય સુધારવામાં ઘણી મદદ મળશે. કર્મસત્તાના બાર નિયમ છે.

(૧) જેવું વાવો તેવું લણો : તમારા વિચાર અને વ્યવહાર બીજ જેવા છે. તે ફળ પેદા કરે છે. જેવું બીજ હોય તેવું ફળ હોય. તમારા વિચાર અને વ્યવહાર જેવા હશે તે ફળ પણ તેવું જ આપશે. સારા વિચારનું ફળ સારું. અને સારા વ્યવહારનું ફળ સારું. ખરાબ વિચારનું ફળ ખરાબ અને ખરાબ વ્યવહારનું ફળ ખરાબ. પ્રસન્નતા જોઇતી હોય તો પ્રસન્નતાના વિચાર કરો. શાંતિ જોઇતી હોય તો શાંતિના વિચાર કરો.

(૨) સર્જનનો નિયમ : આપણી ઇચ્છાઓ મૂર્ત સ્વરૂપે આપણા જીવનનો ભાગ બને છે. આપણે આપણી આસપાસ જે જીવન જોઇએ છીએ તે અનાયાસ નથી તેની પાછળ હેતુનું ગણિત કામ કરે છે. આપણે દુનિયાથી જૂદા નથી, આપણે વિશાળ વ્યવસ્થાનો એક ભાગ છીએ. આપણે જે કરીએ તેની અસર આખાં વિશ્વને થાય છે. વિશ્વમાં કંઇ પણ બને તેની અસર આપણને થાય છે. આપણી આસપાસનું વર્તુળ આપણા જીવનનો ભાગ બની જાય છે. આપણી આસપાસનું વર્તુળ આપણી ઇચ્છાને અનુરૂપ હોય તે જોવાની જવાબદારી આપણી છે.

(૩) દીનતાનો નિયમ : વાસ્તવિકતાનો અસ્વીકાર દીનતાનું મૂળ છે. આપણે કોઇપણ વ્યક્તિને, વસ્તુને કે સંયોગોને આપણી ધારણા મુજબ બદલવા માંગીએ છીએ. આ ત્રણેમાંથી એકેય પર આપણો કાબુ નથી. આપણે બદલવા માંગીએ છીએ તેમ છતાં કંઇ જ બદલાતું નથી. તેનાથી હતાશા આવે છે. આપણે વ્યક્તિને, વસ્તુને કે સંયોગોને તે જેવા છે તેવા સ્વીકારી શકતા નથી. વ્યક્તિને, વસ્તુને કે સંયોગોને બદલવાની કોશીશ કરવા કરતા તેમને તે જેવા છે તેવા સ્વીકારવાની કોશીશ કરવી જોઇએ. અસ્વીકારથી નકારાત્મક ભાવ જન્મે છે. નકારાત્મક ભાવથી દુઃખ સિવાય કોઇ પરિણામ મળતું નથી.

(૪) વિકાસનો નિયમ: વિકાસ સંયોગને આધીન નથી, ઇચ્છાશક્તિને આધીન છે. દરેક વખતે તમારા કર્મ તમારા વિરોધી નથી હોતા. જેને વિકાસ કરવો છે તે કર્મો કે સંયોગોની ફરિયાદ કરતો નથી. વિકાસ પરિસ્થતિને આધીન નથી પરંતુ મનઃસ્થિતિને આધીન છે. કર્મને કારણે સર્જાયેલા બહારના સંયોગો પર આપણો કાબૂ નથી પણ આપણી જાત પર તો આપણો જ કાબૂ છે. એ જ સહુથી મોટી વાત છે. કર્મ તમને સારી કે ખરાબ પરિસ્થતિમાં મૂકી શકે પણ પરિસ્થતિને સારી ગણવી કે ખરાબ તે આપણા જ હાથમાં છે. આપણે જેને સારું માનીએ છીએ તેને સમર્પિત રહીએ તો  ખરાબ પરિસ્થતિ પણ આપણા માટે સારી બની શકે છે.

(૫) જવાબદારીનો નિયમ:  જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે બીજાની કે કર્મની ફરિયાદ કરવાની આપણી આદત બની ગઇ છે. નિષ્ફળતાનો બોજો કે જવાબદારી બીજા પર ઢોળી દઇને આપણે નિષ્ક્રિય બની જઇએ છીએ. આ ખોટી આદત છે. આપણાં જીવનમાં જે કંઇ બને છે તેની જવાબદારી આપણી છે. આપણાં જીવનમાં જ્યારે બાહ્ય તકલીફો આવે છે ત્યારે આપણે અંદરથી વિક્ષિપ્ત થઇ જઇએ છીએ. આપણે જો આપણાં બાહ્ય જીવનને બદલવા માંગતા હોઇએ તો પહેલાં આપણે આપણાં જીવન પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. નકારાત્મક વિચારોની ઘરેડમાંથી બહાર આવવું પડશે. આસપાસનું વાતાવરણ પણ હકારાત્મક બનાવવું પડશે. આ કામ આપણએ જ કરવું પડશે. એ આપણી જવાબદારી છે.

(૬) એકાત્મતાનો નિયમ: આપણો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એકમેકથી જોડાયેલા છે. વિશ્વની નાનાથી લઇને મોટામાં મોટો પદાર્થ એકમેકથી જોડાયેલા છે. આપણે જો આપણાં જીવનને બદલવા માંગતા હોઇએ તો એકાદ આદત બદલી દેવાથી નહી ચાલે, બધું જ બદલવું પડશે. કોઇ પણ કામ પૂરું કરવું હોય તો તેના બધાં જ અંગો પૂરાં કરવા પડે. એકાદ અંગ અધૂરું રહે તો કામ પૂરુ થાય નહીં. ચા બનાવવી હોય તો ચા, સાકર, પાણી, દૂધ, અગ્નિ બધું જ મેળવવું પડે છે. એક પણ ચીજ ઓછી હોય તો ચા બને નહીં.

(૭) લક્ષ્યનો નિયમ: અધ્યાત્મના ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવી હોય તો લક્ષ્ય નિશ્ચિત હોવું જોઇએ. નકારાત્મક વિચારો અને કર્મોને સાથે રાખીને અધ્યાત્મના ક્ષેત્રે સફળ બની શકાય નહીં. આપણે આપણું સંપૂર્ણ ધ્યાન આપણા લક્ષ્ય પર કેંદ્રિત કરવું જોઇએ. માણસ એક વખતે એક જ કામ કરી શકે. એકથી વધુ કામ કરવાથી ધ્યાન વહેંચાઇ જાય અને એક પણ કામ સારી રીતે થઇ શકે નહીં.

(૮) સેવા અને દાનનો નિયમ: નિસ્વાર્થ બન્યા વિના આત્મવિકાસ શક્ય નથી. આપણો નિસ્વાર્થ સ્વભાવ પરોપકાર દ્વારા અભિવ્યક્ત થાય છે. આપણે જે માનીએ છીએ તે આપણી ક્રિયામાં ઉતરે છે. અને ક્રિયા જ કર્મ બને છે. નિસ્વાર્થભાવ દ્શાવે છે કે- આપણે આપણા કરતા બીજાને વધુ મહત્ત્વ આપીએ છીએ.

(૯) પરિવર્તનનો નિયમ:  એક કહેવત છે- ઇતિહાસનું પુનરાવર્તન થાય છે, જો તેને બદલવામાં ન આવે તો. આપણે આદતો બદલીશું નહીં તો આપણા જીવનમાં એની એ જ દુર્ઘટનાઓ ફરી ફરી થયા જ કરશે. ભૂતકાળને બદલવો હોય તો મજબૂત ઇરાદો જોઇશે. જો આપણે આપણા સ્વભાવને, આપણી આદતોને કે આપણી જાતને બદલીશું નહીં તો ભૂતકાળનાં ખરાબ કર્મો આપણને પરેશાન કરશે જ. જો આપણે આપણી શક્તિને સારો માર્ગ દેખાડીશું નહીં તો કર્મની શક્તિ આપણને ખરાબ માર્ગે લઇ જશે.

(૧૦) વર્તમાનમાં જીવવાનો નિયમ: હિંદીમાં એક કવિતા છે. भूतकाल एक सपना है, भविष्य एक कल्पना है सिर्फ वर्तमान ही अपना है। જે લોકો ભૂતકાળના વિપરીત સંયોગોને યાદ કરીને સંતાપ કરે છે તેઓ વર્તમાનકાળના અવસરને ગુમાવી બેસે છે. ભૂતકાળના વિચાર અને ભૂતકાળની આદત આપણને વિકાસ કરતા રોકે છે. ભૂતકાળના વિચાર આપણા ભવિષ્યના માર્ગમાં આપણે જ નાંખેલા પથ્થર છે. જે આપણને જ નડે છે. જતાં ને આવતાં બની પથ્થર હું મુજને જ નડ્યો છું.

(૧૧) સહનશીલતા અને વળતરનો નિયમ: સહન કરવાની તૈયારી વિના કોઇ પણ કામની સાચી કિંમત અંકાતી નથી.

કામ કરવાની ઇચ્છા ઘણી હોય પરંતુ તે માટે શ્રમ કરવાની તૈયારી ન હોય તો કામ કરવાની ઇચ્છા સાચી નથી, છળ છે તેમ સમજવું. કામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ હોય તો જ આપણે કામના વળતર માટે હકદાર કહેવાઇએ, તે સિવાય નહિ.

(૧૨) અર્થપૂર્ણતા અને પ્રેરણાનો નિયમ: કોઇ પણ કામનું શ્રેષ્ઠ વળતર તે છે જે સહુના હિતમાં હોય. કોઇ પણ કામનું અંતિમ પરિણામની અસર જો કંઇ જ ન હોય અથવા બહુ થોડી હોય તો તે કામની કિંમત અંકાતી નથી. અંતિમ પરિણામને અર્થપૂર્ણ બનાવનારા બે પરિબળ છે. એક, શક્તિ અને બે, આશય. પ્રેમ અને ધીરજ આ બે તત્ત્વો કાર્યના અંતિમ પરિણામને સર્વ માટે અર્થપૂર્ણ અને ચિરસ્થાયી બનાવવા સહાયક છે.

મૃગજળની માયા છોડી-ને જળ સુધી જવું છે

અમને જે છેતરે છે એ છળ સુધી જવું છે

તૈયાર થા તું અ દિલ અધરી છે આ કસોટી

સાગર સમેટી લઇને ઝાકળ સુધી જવું છે.

(લાઇફ ૩૬૫)

ક્ષમાપનાની સપ્તપદી: – વૈરાગ્યરતિવિજય

સંસારમાં આપણે સહુ કોઇને કોઇ વ્યક્તિ દ્વારા ઘવાયા છીએ. કોઇનું વર્તન આપણને ડંખે છે તો કોઇના શબ્દો આપણને પીડે છે. પરિવારના વડિલ વગર કારણે ઠપકો આપે છે. ભાગીદાર પૈસાની ગોલમાલ કરે છે. પતિ કે પત્ની આપણી નબળાઇનો ગેરફાયદો ઉઠાવે છે. પડોશી ઝગડો કરે છે. આવું બને છે ત્યારે આપણી લાગણી ઘવાય છે. આપણે કોઇને કહી પણ શકતા નથી. મનમાં આ ઘા સંઘરીને રાખીએ છીએ. આપણે એમ સમજીએ છીએ કે મારો વારો આવશે ત્યારે હું એકએકની ખબર લઇશ. આ વારો આવે છે કે નહિ તેની તો ખબર નથી પણ વારાની રાહ જોવામાં આપણે આપણું બહુ મોટું નુકસાન કરીએ છીએ. બદલો લેવાની ભાવના નકારાત્મક છે. નકારાત્મક ભાવનાને સાચવી રાખવા માટે મનને નકારાત્મક બનાવવું પડે છે. બીજાનું ખરાબ કરવા માટે તમે ખરાબ વિચારને સાચવી રાખો છો પણ એ વિચાર સક્રિય કે સફળ થાય તે પહેલા તમારાં મનને ઘણું ખરાબ કરી ચૂક્યો હોય છે. નકારાત્મક ભાવના જેટલો વધુ સમય મનમાં રહે તેટલું વધુ નુકસાન થાય છે.

બે વિદ્યાર્થી વચ્ચે ઝગડો  થયો. શિક્ષકે બન્નેને એકબીજાની માફી માંગવા કહ્યું પરંતુ વિદ્યાર્થી માન્યા નહિ. બીજા દિવસે શિક્ષક વર્ગમાં પથ્થર લઇને આવ્યા. એક વિદ્યાર્થીને કહ્યું- આ પથ્થર ઉપાડ. વિદ્યાર્થીએ પથ્થર ઉપાડ્યો. શિક્ષકે કહ્યું-વજન કેટલું છે? વિદ્યાર્થીએ કહ્યું- કંઇ ખાસ નથી. શિક્ષકે કહ્યું- હવે થોડીવાર આમ જ પથ્થર લઇને ઊભો રહે. વિદ્યાર્થી ઊભો રહ્યો. થોડીવાર પછી શિક્ષકે પૂછ્યું-હવે કેટલું વજન લાગે છે? વિદ્યાર્થીએ કહ્યું- પહેલા કરતાં વધારે. શિક્ષકે કહ્યું- અર્ધો કલાક આમ જ પથ્થર લઇને ઊભો રહે. થોડીવારમાં વિદ્યાર્થી અકળાઇ ગયો. તેણે શિક્ષકને કહ્યું- હવે વધુ સમય પથ્થર ઉપાડી નહિ શકાય. શિક્ષકે કહ્યું- કેમ ? પથ્થરનું વજન વધી ગયું? વિદ્યાર્થીએ કહ્યું-ના, પણ મને વધારે લાગે છે. શિક્ષકે કહ્યું- આ જ ગણિત મનને પણ લાગુ પડે છે. નકારાત્મક ભાવના પથ્થર જેવી છે. તે જેટલો વધુ સમય મનમાં રહે તેટલી વધુ વજનદાર લાગે છે.

દરેક માણસ સારું અને સુખી જીવન જીવવા ઇચ્છે છે. બીજાએ આપેલી પીડાનો બોજ ઉપાડીને ફર્યા કરીશું તો ક્યારેય સુખી થઇ શકીશું નહિ. મારે સારું જીવન જીવવું છે એવો નિર્ણય પાકો હોય તો તમારી સાથે થયેલા દુર્વ્યવહારોને જતા કરવાની આદત કેળવવી રહી. આ આદત કેળવશો તો જ તમે તમારા જીવનમાં સારી વાતો માટે જગ્યા કરી શકશો. એક સત્ય હંમેશા યાદ રાખશો પ્રશ્ન એ નથી કે ભૂલ કોની છે, પ્રશ્ન એ છે કે જિંદગી કોની છે. પીડા કરતા જિંદગી મહત્ત્વની છે આ વાત સમજાઇ જશે તો ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવવાની જરુર નહીં રહે. જે માણસ પોતાનું દુઃખ, પોતાની પીડા, પોતાનું અપમાન યાદ રાખે છે તે બહુ મોટી કિંમત ચૂકવે છે. મનમાં ઉઠતી દુઃખ, પીડા, અપમાન કે બદલાની આગ આપણો કબજો લઇ લે છે. ચોવીસ કલાક એ જ વિચારો ચાલ્યા કરે છે. આ નકારાત્મક લાગણીઓ આપણને કઠપુતળી બની નચાવ્યા કરે છે. તેની અસરમાં આપણે ખોટા, અવાસ્તવિક નિર્ણય લઇએ છીએ. તેનાથી નુકસાન જ થાય છે. કદાચ બદલો લેવામાં સફળતા મળી જાય તો પણ હાથમાં કંઇ જ આવતું નથી.

સામા પક્ષે ક્ષમાપનાના ફાયદા પાર વિનાના છે. ક્ષમાપનાની સાથે જ શાંતિ આવે છે, નવી આશા જન્મે છે, અનુમોદનાના ભાવ જન્મે છે. ક્ષમાપનાથી તમારી દૃષ્ટિએ ગુનેગાર વ્યક્તિ પ્રત્યે સમજણ, સહાનુભૂતિ અને કરુણા જન્મે છે. દવાથી બગડેલું સ્વાસ્થ્ય સુધરે છે તો ક્ષમાપનાથી બગડેલા સંબંધ સુધરે છે. ક્ષમાપનાથી ચિંતા, તણાવ અને વિરોધ ઘટે છે. ક્ષમાપનાથી અવસાદ (ડિપ્રેશન) ઓછો થાય છે. ક્ષમાપનાથી વ્યસનોની પરાધીનતામાંથી બહાર આવવામાં મદદ મળે છે. ક્ષમાપનાથી માનસિક અને આધ્યાત્મિક ભૂમિકા મજબૂત બને છે.

ક્ષમાપના એટલે મનમાં જાગેલા ગુસ્સાને થૂંકી નાંખવો, બદલો લેવાના વિચારને જતો કરવો. તમને જે વાતનું ખોટું લાગ્યું હોય તે વાત અનાયાસે તમારા જીવનનો એક ભાગ બની જાય છે. તમે ધારો તો પણ પૂર્ણપણે તેનાથી મુક્ત નથી થઇ શકતા. ક્ષમાપના તમારા મનમાં જામી ગયેલી તે વાતની પકડને ઢીલી કરી નાંખે છે અને તમારું ધ્યાન જીવનના અન્ય સકારાત્મક ભાગ પર કેંદ્રિત કરવામાં મદદ કરે છે. જગજિતસિંહની ગઝલની નઝ્મ છે.

શહદ મીલતા હૈ જિંદગીકા થોડા થોડા, જાનેવાલે કે લિએ દિલ નહિ તોડા કરતે

હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે.

ક્ષમાપના એટલે અણબનાવમાં અટવાયેલી પોતાની શક્તિને મુક્ત કરવી અને જૂના ઘાને રૂઝવવા.

ક્ષમાપના એટલે જૂના જખમ ભૂલીને આગળ વધવું.

ક્ષમાપના એટલે ગુસ્સાને સ્થાને પ્રેમ અને પ્રસન્નતાની પસંદગી.

તૂટી ગયેલી રેકૉર્ડને કોઇ વારંવાર વગાડવું પસંદ કરતું નથી. આપણે આપણા જૂના ઘાને જેટલી વાર યાદ કરીએ છીએ તેટલી વાર તેના વિચારો મગજમાં કર્કશ અવાજે વાગ્યા જ કરે છે. ક્ષમાપના તૂટી ગયેલી રેકૉર્ડને બંદ કરવાની સ્વિચ છે.

ક્ષમાપનાનો ભાવ મનમાં જાગતાં જ એ પ્રતીતિ (રિયલાઇઝેશન) થાય છે.

ધંધામાં નુકસાની કરનાર માણસ કે ભાગીદારને છૂટા કરીએ છીએ તેમ ક્ષમાપના એટલે આપણને નુકસાન કરતા ક્રોધ અને વૈરને છૂટા કરવા.

ક્ષમાપનાનો અર્થ એ નથી કે તમે સામેની વ્યક્તિની ભૂલ પ્રત્યે આંખમીંચામણા કરો છો. સામેની વ્યક્તિની ખોટી વાતને ટેકો આપો છો કે બચાવ કરો છો. મનમાંથી, વચનમાંથી અને વ્યવહારમાંથી અંગત ક્રોધની લાગણીની બાદબાકી કરીને સામેની વ્યક્તિની ભૂલ સમજવી કે બતાવવી તે વિરોધ છે. ક્ષમાપના ભૂલ પ્રત્યેની સજાગતામાંથી ક્રોધની લાગણીની બાદબાકી કરવાનું કહે છે.

ક્ષમાપના કરવી સહેલી નથી. સૉરી, માફ કરજો, ભૂલ થઇ ગઇ, મિચ્છા મિ દુક્કડં જેવા શબ્દો બોલી જવા સહેલા છે. મનથી ક્ષમાપના કરવી અઘરી છે. પોતાની ભૂલોની માફી માંગવા માટે અને બીજાની ભૂલોને માફ કરવા માટે માનસિક તૈયારી કરવી પડે છે. આપણું મન માફી માંગવા કે માફ કરવા જલ્દી તૈયાર થતું નથી. જીવન, પરિવર્તનની પ્રક્રિયા છે અને ક્ષમાપના પરિવર્તનની પ્રક્રિયા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા (કમિટમેંટ) છે. આ પ્રતિબદ્ધતા આપણે જ કેળવવી પડશે. ખરેખર જીવન બદલવું હોય તો પરિવર્તનનો પ્રારંભ કરવો પડશે. આ માટે નીચે સૂચનો આપ્યા છે.તેનો વિચાર કરી અમલમાં મૂકી જૂઓ. કામ થઇ જશે.

જીવનમાં ક્ષમાપનાની કિંમત અને મહત્ત્વ નક્કી કરો. તેને માટે સમયમર્યાદા બાંધો. જેમ કે-એક મહિનામાં ક્ષમાપનાનું મારા જીવનમાં સહુથી મહત્ત્વનું સ્થાન હશે. એક મહિનામાં હું ક્ષમાપના કરી જ લઇશ.

જ્યારે તમને કોઇનું વર્તન ખરાબ જણાયું કે કોઇના શબ્દોથી ખોટું લાગ્યું તે વખતની પરિસ્થિતિનો વિચાર કરો. તમે તે વખતે કેવું વર્ત્યા હતા? તમે શું માનીને ખોટું લગાડ્યું અને હકિકત શું હતી? તે વખતની પરિસ્થિતિ અને તમારું વર્તન આ બન્નેની તમારા જીવન પર, તમારી તબિયત પર, તમારી સારપ પર શું અસર થઇ? આ વિષે શાંતિથી વિચારો. તમને તમારી ભૂલ કે નબળાઇનો અહેસાસ થશે. આપણી ભૂલનો અહેસાસ મનને માફી માંગવા તરત તૈયાર કરે છે.

આટલો વિચાર કરીને તમને એમ લાગે કે મારું મન માફી માંગવા તૈયાર છે તો જેની સાથે મનદુઃખ થયું હોય તે વ્યક્તિની ક્ષમાપના કરવા તૈયાર થાઓ.

તમે કોઇની હેરાનગતીનો ભોગ બન્યા છો આ ભૂમિકામાંથી બહાર આવી જાવ. તમને પડેલી તકલીફનું કારણ બનેલ વ્યક્તિ કે સંજોગ તમારા મન પર સવાર થઇ ગયા છે. તેની ગુલામીમાંથી બહાર નીકળો. તમે જેવા જૂના અણબનાવને જતો કરશો તે જ ક્ષણથી તમારો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઇ જશે. પછી તમે એ નહીં જૂઓ કે મને કેટલાં, ક્યા અને કેવા દુઃખ આવ્યાં. મને કોણે અને કેવી રીતે હેરાન કર્યો. તમને પ્રેમ અને સમજણની દૃષ્ટિએ જીવનને મૂલવશો.

 

 

ક્ષમાપનાની સપ્તપદી

(૧) સહુથી પહેલા જેમના કારણે તમે હેરાન થયા છો એવું તમને લાગે છે તેવી દરેક વ્યક્તિના નામ એક કાગળ પર લખો. તેમણે તમારી સાથે શું કર્યું અને તે કેમ યોગ્ય ન હતું તેની નોંધ બનાવો. આ નોંધ તમને તમારી જાત વિષે તમારી લાગણી વિષે ઘણી સ્પષ્ટતા આપશે.

(૨) એ વાતનો પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર કરો કે-આ ઘટના બની અને મને તેનાથી દુઃખ થયું.

(૩) દુઃખમાંથી બહાર આવવાનો દૃઢ નિશ્ચય કરો.

(૪) એ વાત ખાસ યાદ રાખો કે તમને કોઇપણ વાતનું દુઃખ થાય છે તેનું કારણ કોઇ વ્યક્તિ કે સંજોગ નથી પણ વ્યક્તિ કે સંજોગ વિષે તમે જે વિચારો છો તે વિચારો જ તમને દુઃખી કરે છે. તમારા મનમાં ચાલતા વિચારો પર તમારો કાબુ છે. તમે સંજોગોને ન બદલી શકો પણ વિચારોને બદલી શકો છો.

(૫) જ્યારે તમને એવું લાગે કે ભૂતકાળની ઘટના તમને પરેશાન કરી કહી છે ત્યારે તેની અસર શરીરને ન થાય તે માટે તણાવવિસર્જનના ઉપાય અજમાવો. જેમ કે ઉંડા શ્વાસ લો, સંગીત સાંભળો, કુદરતનું સાન્નિધ્ય માણો.

(૬) મનમાં સતત ભૂતકાળની ઘટનાના વિચાર ચાલતા હોય તો તેમાંથી બહાર આવવા તમને શું શું સારું મળ્યું છે તેના વિચાર કરતા રહો. જ્યાં સુધી સારું ન લાગે ત્યાં સુધી સતત આ વિચાર ચાલુ રાખો.

(૭) તમારા મનની શક્તિ નકારાત્મક ભાવનાઓમાં વેડફાઇ રહી છે. તેને બદલે તમારા મનની શક્તિનો તમે જીવનમાં પામવા ધારેલા લક્ષ્ય માટે ઉપયોગ કરો.

એ સમજી લો કે ક્ષમાપના તમારી વ્યર્થ જતી શક્તિને બચાવવાનો ઉત્તમ માર્ગ છે.

(સાભાર-LIFE 365 27/5/2016)