પ્રબુદ્ધ પુરૂષોનું પ્રવચન – ઇસિભાસિયાઇં

અભ્યાસના વરસો હતા. અમદાવાદમાં વિચરણ હતું.એક પ્રસંગ નિમિત્તે જૈન મર્ચંટ સોસાયટીના ઉપાશ્રયમાં જવાનું હતું. પાઠની રજા હતી. સાથે વાંચન માટે કંઇ હતું નહીં. પ્રસંગને વાર હતી. ઉપાશ્રયનો એક કબાટ ખોલ્યો તેમાં સામાયિકના ઉપકરણો અસ્તવ્યસ્ત પડ્યા હતા. થોડાં પુસ્તકો હતાં. એક જાડું પુસ્તક જોઇને ઉપાડ્યું. નામ હતું-‘इसिभासियाइं’ (પ્રકા. પ્રાકૃત ભારતી અકાદમી) કુતૂહલવશ ઉઘાડ્યું. પ્રસ્તાવના વાંચી. મન આશ્ચર્ય અને અહોભાવથી ઘેરાઇ ગયું. હંમેશા તર્કથી વિચારવા ટેવાયેલી બુદ્ધિને એ જાણીને જોરદાર આંચકો લાગ્યો કે – આ આગમસૂત્રમાં પરમાત્મા શ્રી મહાવીર દેવ પૂર્વે પાર્શ્વનાથ પરમાત્મા અને નેમિનાથ પરમાત્માના સમયમાં થઇ ગયેલા પ્રત્યેકબુદ્ધ ઋષિઓના વચનો સચવાયેલાં છે. અને દરેક ઋષિના નામ પણ ઉપનિષત્કાલીન ઋષિનાં નામને અને બૌદ્ધગુરુને મળતાં આવે છે. નારદ, વજ્જિથપુત્ર, દવિલ, અંગિરસ, મહાકાશ્યપ, યાજ્ઞવલ્ક્ય, ભયાલિ, વિદુ, આર્યાયણ, અર્હત્, નારાયણ વિ.

જે વ્યક્તિ પોતાના જીવનના મૂળભૂત પ્રશ્નો વિષે વિચારે છે અને આખરે ભીતરની સચ્ચાઇ ઓળખી લે છે તે ‘પ્રબુદ્ધ’ છે. પ્રબુદ્ધ એટલે જાગેલો. જેની નિદ્રા ઉડી ગઇ છે,જેણે જ્ઞાનનો પ્રકાશ મેળવી લીધો છે તે ‘પ્રબુદ્ધ’ છે,તે ‘ઋષિ’ છે. ઇસિભાસિયાઇં પ્રબુદ્ધોનું પ્રવચન શાસ્ત્ર છે.

પહેલી નજરમાં જ ઇસિભાસિયાઇંની બે વાતો બુદ્ધિને અપીલ કરી ગઇ-એક, આપણી પાસે શ્રીનેમનાથ ભગવાનના શાસનના શબ્દો સચવાયેલા છે બે, સત્યને નામોના સીમાડા નથી નડતાં.

પ્રસ્તાવના વાંચીને આતુર મનને રોકી ન શક્યો. પહેલું અધ્યયન વાંચવાની શરૂઆત કરી. પહેલાં અધ્યયનની ઇતિહાસકથા રોચક છે.

પૂર્વાવસ્થામાં નારદજીને કૃષ્ણે પ્રશ્ન કર્યો કે શૌચ શું છેॽ નારદજી જવાબ ન આપી શક્યા. તે મહાવિદેહમાં ગયાં. ત્યાં ભગવાન પાસે સાંભળ્યું કે, સત્ય શૌચ છે. તેમણે આવીને કૃષ્ણને એ વાત કહી. કૃષ્ણે પૂછ્યું ‘સત્ય શું છેॽ’ નારદજી ફરી મૂંઝાઇ ગયા. કૃષ્ણે કહ્યું ‘તમે પહેંલા પ્રશ્નનો જવાબ જ્યાંથી મેળવ્યો, ત્યાં જ પૂછી લેવો હતો’ નારદજી વિચારમાં પડ્યા.અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી ઋષિ બન્યા. તેમણે આ અધ્યયન રચ્યું છે. ચિંતનના પ્રતાપે તેમને જે સત્યની અનુભૂતિ થઇ તે સહજ રીતે અભિવ્યક્ત થઇ. નારદઋષિ કહે છે – બધા જ તીર્થંકરો શ્રવણનો મહિમા ગાય છે. શ્રવણથી શ્રેષ્ઠ શૌચ એટલે પવિત્રતા બીજી કોઇ નથી

सोयव्वातो परं णत्थि सोयं

(સાંભળવા જેવી વાતો સાંભળવા જેવી પવિત્રતા બીજી એક પણ નથી.)

આ સૂત્ર વાંચતા જ સ્તબ્ધ થઇ ગયો. મન વિચારદશાની પેલે પાર ચાલી ગયું. એ શબ્દ, એ ચિંતન, એ ભાવ મનના અતલ ઉંડાણ સુધી ઉતરી ગયા. નારદ ઋષિના શબ્દો સાથે સંકળાયેલી કરૂણાની ધારાનો સાક્ષાત્કાર થયો. સમય થીજી ગયો. જાગ્યો ત્યારે એ અનુભૂતિ થઇ કે જેને હું શોધી રહ્યો હતો તે શબ્દો આ જ છે, તે વિચાર આ જ છે, તે ભાવદશા આ જ છે, તે ગુરૂ પણ આ જ છે, કદાચ્ મારો આત્મોપલબ્ધિનો માર્ગ આ જ છે. અને હું વાંચ્યા પહેલાં જ इसिभासियाइं ના પ્રેમમાં પડી ગયો. આજે પણ હું એ પળોને યાદ કરૂં છું ત્યારે રોમાંચ ઊભાં થઇ જાય છે. આંખોના ખૂણા ભીનાં થઇ જાય છે. આ જ પ્રેમ છે. મારો પ્રેમ.

***                                                        ***                                                        ***

પાલિતાણામાં એક વિદેશી વિદ્વાન મળ્યા. પીટર ફ્યુગલ. તેઓ યુનિવર્સિટી ઑફ     લંડનમાં ધાર્મિક અભ્યાસ વિભાગ (ડિપાર્ટમેંટ ઓપ દ સ્ટડી ઓફ રિલિજિયન) ના ફેકલ્ટી છે. જૈનધર્મનો અભ્યાસ કરવા માટે તેઓ ભારત આવતા રહે છે. એક દુભાષિયા સાથે તેઓ મળવા માટે આવ્યા. આઠ વરસના સાધ્વીજી ભગવંતને જોઇ તેમણે પ્રશ્ન કર્યો, “આટલી નાની ઉંમરે દીક્ષા કેમ લીધીॽ” દુભાષિયાએ પ્રશ્નનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. મેં તેમની સાથે આવેલા મહિલા માટે પૂછ્યું, “આ સન્નારી તમારા કોણ થાયॽ “તેમણે કહ્યું ‘માય વાઇફ’ (મારા પત્ની છે!) મેં કહ્યું ‘હું’ તેમને એક સવાલ કરી શકુંॽ” દુભાષિયાએ પ્રશ્ન તેમને પહોંચાડ્યો. તેમને કહ્યું, “ઑફ કોર્સ” (ચોક્કસ) મેં પૂછ્યું ‘તમે આમની સાથે લગ્ન કેમ કર્યાॽ” દુભાષિયો થોડો ઓઝપાયો. પણ તેનું કામ પૂછવાનું હતું. તેણે પૂછ્યું. લેડીએ જવાબ આપ્યો. ‘બિકોઝ આઇ લવ્હ્ડ હિમॽ’ (કેમ કે – હું તેને પ્રેમ કરુંછું) મેં બીજો સવાલ કર્યો “વ્હાય ડુ યુ લવ હિમ? ” (તમે તેને પ્રેમ શું કામ કરો છેॽ) સન્નારી થોડા મૂંઝાયા. પણ વિદેશી હતા. ખૂલ્લાં મનનાં અને વિદુષી પણ હતા એટલે સારો જવાબ આપ્યો. “આય લવ્હ હિમ વિકોઝ આઇ લવ્હ હિમ. ધેર ઇઝ નો નીડ ઓફ રિઝન ટૂ ફોલ ઇન લવ” (હું તેને ચાહું છું કેમ કે હું તેને પ્રેમ કરૂં છું. પ્રેમમાં પડવા માટે કોઇ કારણ નથી હોતું) મેં કહ્યું “ ધેટ એક્ઝેટ વ્હોટ આય મિન”. પ્રેમમાં પડવા માટે અને દીક્ષા લેવા માટેના કોઇ કારણ નથી હોતા.

***                                                        ***                                                        ***

મને ઇસિભાસિયાઇં કેમ ગમે છેॽ તેનું કોઇ તાર્કિક કારણ મારી પાસે નથી. મને તે ગમે છે કેમ કે મને તે ગમે છે. હા! તેના સહવાસમાં મને ઉંડી તૃપ્તિ મળે છે. તેના ખોળામાં રમતો હોઉં ત્યારે મનને અપાર શાંતિ મળે છે. આ શબ્દો સાથે જનમ-જનમનો નાતો હોય તેવું લાગ્યા કરે છે. એક અગમ્ય આકર્ષણ અનુભવાય છે. આ શબ્દો વાંચતા સ્થળ-કાળનું ભાન રહેતું નથી. વિચારાતીત દશાનો અનુભવ થાય છે.

અસ્તિત્વના મૂળને શોધવા માટે અનેક પ્રયોગો કરી જોયા. ધ્યાન, મૌન,એકાંતના આલંબન લઇને ભીતરમાં ઉતરવાનો પ્રયાસ કર્યો. શાંતિ મળતી, રસ્તો મળતો પણ એકલતાનો ભય હાવી થઇ જતો. ઇસિભાસિયાઇંના સથવારે એ ભય ગાયબ થઇ ગયો.

એટલે ઇસિભાસિયાઇં મારો પ્રિય ગ્રંથ કેમ છે તેનો બુદ્ધિગમ્ય ઉત્તર આપી શકવાની સ્થિતિમાં હું નથી. કેવલ ઇસિભાસિયાઇંના સથવારે મને જે આંતરિક આનંદ મળ્યો છે તે ક્ષણોનું બયાન કરી શકું. મારા જીવનમાં જે મેજર પરિવર્તન આવ્યા છે તેનું વર્ણન કરી શકું. પણ તે પ્રેમ કર્યો પછી આવ્યા છે, પરિવર્તન આવ્યા પછી પ્રેમ નથી થયો.

ઇસિભાસિયાઇં વાંચ્યાં પછી પહેલું પરિવર્તન અનુભવ્યું-સત્ય સમજવા બુદ્ધિનો ઉપયોગ ઓછો થવા લાગ્યો.

નવ્યન્યાયનો અભ્યાસ કરતાં એ ધારણા બંધાઇ ગઇ હતી કે સત્ય ખૂબ જટિલ, અટપટું અને કઠિન હોય છે. વિચારક્ષમતાનો વિકાસ થાય તો સત્યની નજીક પહોંચવું સરળ બની જાય. પણ તેવું બન્યું નહીં. વિચારક્ષમતા વધ્યા પછી પણ પ્રશ્ન તો તે જ રહ્યા. ઉપરથી દરેક હકિકતને જટિલ બતાવવાની ચાહત બની ગઇ. સત્ય સરળ હોઇ જ ન શકે અને સરળ હોય તે સત્ય ન હોય આ ખોટી ધારણા બંધાઇ ગઇ હતી.

ઇસિભાસિયાઇંનું વીસમું અધ્યયન(પ્રવક્તા – અર્હત્ ઋષિ) અને સાડત્રીસમું અધ્યયન (પ્રવક્તા – ગિરિઋષિ) વાંચતા એ પ્રતીતિ (રીયલાઇઝ) થઇ કે જીવનના મૂલભૂત સત્યો હંમેશા સહજ અને સરળ જ હોય છે. બુદ્ધિ જ તેને જટિલ બનાવે છે. વિચારક્ષમતા એકાંગી બને તો સંવેદનાને અસર કરે છે. સત્ય સમજવું આસાન છે. કેવળ તેને માટે તમારે સરળ બનવું પડે છે. એ જ કારણે બાળક સત્યને તરત વાચી શકે છે. કેમ કે તે સરળ છે. બુદ્ધિની તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા વચ્ચે પાતળી ભેદરેખા છે. આ ભેદરેખા ઇસિભાસિયાઇંના શબ્દોએ સ્પષ્ટ કરી આપી. અને આશ્ચર્ય બુદ્ધિની ક્ષમતા કઇ ગણી વધી ગઇ.

વીસમા અધ્યયનમાં અર્હત્ ઋષિ કહે છે

કેટલાક વિચારકો બીજાના વિચાર ઉપાડી લઇ પોતાની વાત સાબિત કરે છે, તે અજ્ઞાન છે(સૂત્ર-૩)

હું શું કરૂ છુંॽ હું જે વિચારું છે તે વિચારે મારા છેॽ મૌલિક છેॽ ના! હું તો કેવળ બીજાના વિચારોને સજાવીને મારા નામે વહેંચું છું. પ્રસિદ્ધિ મને મળે છે. પણ જ્ઞાન મારું છેॽ મારો વિચાર મારી અનુભૂતિ છેॽ ના! એ ઉછીનો છે. બીજાનો છે. તેના આધારે હું મારી જાતને જ્ઞાની માનતો હોઉં તો મૂર્ખ છું. અર્હત ઋષિના શબ્દોએ મારા જ્ઞાની હોવાના દંભને માવજતથી દૂર કર્યો.

ઇસિભાસિયાઇં વાંચ્યાં પછી બીજો અનુભવ થયો – મનની પ્રસન્નતા વધી ગઇ. મનની હતાશા અને નિરાશાને ખંખેરી નાંખે તેવી ઢગલાબંદ પ્રેરણાઓ ઇસિભાસિયાઇંમાં છે.

જ્યારે જ્યારે મન હતાશમાં ગરકાવ થયું ત્યારે ત્યારે ઇસિભાસિયાઇંના શબ્દોએ હાથ પકડીને મનને ફરી બેઠું કર્યું.

બાળપણથી અર્ધજાગૃત મનમાં સંગ્રહાયેલી નકારાત્મક લાગણીઓના પડને ઉકેલીને તેને સકારાત્મકતામાં ફેરવી.

ઇસિભાસિયાઇં જ્યારે બીજી વાર હાથમાં લીધું ત્યારે માનસિક સ્વસ્થતા સહેજ વિચલિત હતી. કોઇ વ્યક્તિ નિંદા- મારી નિંદા- કરે છે, તે જાણીને બહુ દુઃખ પહોંચતું. હું ભૂલ કરું અને કોઇ વ્યક્તિ મને કહે તો થોડું ખરાબ લાગે પણ ખોટું ન લાગે. પણ મારી ભૂલ મને કહ્યા વિના બીજાને કહે ત્યારે ખરાબ કરતા ખોટું વધુ લાગે. તેમાં ય કોઇ વ્યક્તિ મારી ભૂલ ન હોય છતાં ય બદનામી કરે અને આવી વ્યક્તિ સાધક કક્ષાની હોય ત્યારે ખંજર ભોંકાયું હોય તેવું લાગણી જાગતી. મન હતાશામાં સરકી પડતું.વ્યવહાર જગતમાં ‘સફળતા’ મહત્ત્વની હોય છે અધ્યાત્મ જગતમાં ‘સમાધાન’. સફળતા માટે માયા કરવી, બીજાને ઉતારી પાડવા વ્યવહાર જગતમાં સાધારણ ગણાય.કમનસીબે તેનો શિકાર સાધક વ્યક્તિ પણ બનતી હોય છે. પોતાનો વિરોધ થાય ત્યારે હતાશ થઇ જવું નિર્બલ મનની નીશાની છે. આ પણ એક પ્રકારનું ‘અભિમાન’ છે. સેલ્ફ-ઇમેજને જાળવવાનો બોજ છે. તે જલ્દીથી પકડાતો નથી. પકડાય તો છોડવો કેમ સમજાતું નથી.

આવી જ કોઇ નિર્બળ મનોદશામાં હું ગરક હતો મનને કોઇ શબ્દોથી સમાધાન મળતું ન હતું. સેલ્ફ-હેલ્થના કેટલાંય પુસ્તકો વાંચ્યાં પણ મનની ફરિયાદ હટતી ન હતી ત્યારે અંગિરસ ઋષિના શબ્દો વાંચ્યા અને મનમાં ટાઢક વળી ગઇ.

કોઇ માણસ મન ફાવે તેમ બોલી શકે છે. હું મારી જાતને ઉદ્વિગ્ન કેમ કરૂં મારી નિંદા કરનાર મારાથી સંતુષ્ટ નથી તે જાણી લીધું હવે ક્રોધ જરૂરી નથી. (૩.૨૨)

અશાંતિની આગથી બનેલા મનને એકદમ શાંતિ મળી ગઇ. ચંડકૌશિકના માનસ પર પ્રભુ વીરના શબ્દોએ જે જાદુ કર્યો હતો તે જાદુ થયો. સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવી ગઇ.

જ્વાળામુખીની ટોચ પર

બેઠો હોઉં ત્યારે

મારી ભીતર

ચંદનનો લેપ કર્યા કરે

તે મારો ‘પરમાત્મા’

અંગિરસ ઋષિના શબ્દો મારા માટે પ્રભુ વીર બનીને આવ્યા. અંગિરસ ઋષિએ માનવ મનનો ગહરાઇથી અભ્યાસ કર્યો છે. તેમણે પાંચ પ્રકારના માનસ વિષે વાત કરી છે. કેટલાક માણસનું મન ઘાસ જેવું હોય છે, જે પોતાની જાતને સંભાળી શકતું નથી કે બીજાને છાયા આપી શકતું નથી. કેટલાક માણસનાં મન ઝાડના ઠૂંઠા જેવા હોય છે, જેમણે વિકાસ તો સાધી લીધો છે, પણ મધુરતાના પાંદડા ખરી ગયા છે. કેટલાક માણસોના મન વાદળ જેવા છે, જે ખારાં પાણીને મીઠું બનાવી ધરતી પર વરસાવી દે છે. કેટલાક માનવોનાં મન લતા મંડપ જેવા છે, જે સ્વયં તાપ સહન કરે છે અને બીજાને ઠંડક આપે છે.

હતાશાની ખીણમાં ગરક થઇ ગયેલી વ્યક્તિને પીઠ પસવારનાર વ્યક્તિ પર જેવો અહોભાવ જન્મે તેવો ભાવ ‘ઇસિભાસિયાઇં’ના પ્રબોધક ઋષિના વચનો વાચતા જન્મે છે. આ ઋષિઓએ માનવમનને ગહરાઇથી અને તેની અખિલાઇમાં જોયું છે.માનસશાસ્ત્રના આધારે જીવન અંગેનું માર્ગદર્શન આપતા અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકો નજર સામે છે. તેમના તારણ અને ઋષિઓના સ્વાનુભવમાં અજબનું સામ્ય છે. ઋષિઓ એક ડગલું આગળ છે. માનસશાસ્ત્રી મનને પોઝિટિવ બનાવવાનું કહે છે. ઋષિઓ મનને પોઝિટિવ કે નેગેટિવ બંને છેડાથી ઉપર ઉઠી ન્યુટ્રલ બનવાનું કહે છે.

બીજા અનેક ઋષિની પ્રેરણાઓએ મનને ગજબની પ્રેરણા આપી. આ પ્રેરણાઓએ મનને સંવાદમાં રહેતાં શીખવ્યું. નકારાત્મક વિચાર, સ્વાર્થી લાગણી તમારો મન સાથેનો સંવાદ ખોરવી નાંખે છે. વિસંવાદી મન પ્રસન્ન રહી શકતું નથી. દુઃખનું કારણ બહારનું વાતાવરણ નથી પણ અંતરનો વિસંવાદ છે. વિપરીત વાતાવરણમાં મારા ભીતરી સંવાદને જીવંત રાખવામાં ઇસિભાસિયાઇંના શબ્દોએ બહુ મદદ કરી છે.

ઇસિભાસિયાઇં વાંચ્યા પછી જીવનમાં ત્રીજું પરિવર્તન અનુભવ્યું. અસ્તિત્વના મૂળ સુધી જવા માટેનાં પ્રકાશ કિરણો સાંપડ્યાં. આત્માની અભિમુખતા સઘન બની. અસ્તિત્વની ઓળખ બુદ્ધિથી નહીં થઇ શકે એ વાતની પ્રતીતિ ઇસિભાસિયાઇંના શબ્દોથી થઇ. આત્મા સુધી પહોંચવાનો માર્ગ ‘ધ્યાન’ છે. તેની પ્રતીતિ દગભાણ ઋષિએ કરાવી.

શરીરમાં જે મહત્ત્વ મસ્તકનું છે, વૃક્ષમાં પ્રાણ મૂળને આધીન છે. તેથી વૃક્ષ કરતા મૂળ મહત્ત્વનું છે તેમ સમસ્ત સાધુ ધર્મોમાં શ્રેષ્ઠ સ્થાન ધ્યાનનું છે. (૨૨.૧૪.)

મારી અંતર્યાત્રાનો માર્ગ આ શબ્દોએ નિશ્ચિત કરી આપ્યો. સાધારણ સાધકોમાં ધ્યાન વિષે સમજ ઓછી ગેરસમજ વધારે છે. સહજ રીતે મનને વિચાર અને ભાવનાઓના પ્રભાવથી મુક્ત રાખવાનો પ્રયાસ તે ધ્યાન છે. એકાગ્રતા તેનો પ્રાણ છે.

આગમો, આધ્યાત્મિક ઉપલબ્ધિના માર્ગનો ચોક્કસ ક્રમ છે પણ તે ક્રમ બૌદ્ધિક નથી. આત્માની પાત્રતા, તેના સંસ્કારો, સ્વીકૃતિનો ભાવ, તેમા કર્મો, તેના અધ્યવસાયોની સ્થિતિના આધારે આત્મા સ્વયં તેનો માર્ગ નક્કી કરે છે. દરેકના આત્મા સ્વતંત્ર છે, દરેક આત્માનો મોક્ષ અલગ અલગ છે, તેથી દરેકનો મોક્ષમાર્ગ પણ અલગ છે. મરૂદેવી માતા જેવા આત્મા સહુથી છેલ્લા ઊભા હોય તો ય પહેલા મોક્ષમાં પહોંચી જાય છે. અને બાહુબલિજીનો આત્મા દરવાજા પાસે એકવરસ સુધી એમ જ ઊભો રહે છે. આત્માની ઉન્નતિનો ક્રમ અત્યંત નિજી છે. દરેકનો પોતાનો ક્રમ છે. દરેકનો પોતાનો માર્ગ છે. દરેકની પોતાની નાવ છે. પોતાનાં હલેસાં છે. આ ક્રમ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિ સામાન્ય નિયમોમા આધારે ચાલે છે. જડ જગતમાં સામાન્ય નિયમો હોય છે. બુદ્ધિ એ જ જોવા ટેવાયેલી છે, એટલું જ નહીં. એ જ રીતે જીવવા ટેવાયેલી છે. જીવજગતમાં સ્વતંત્રતાને નિયમ છે. પોતાનો માર્ગ છે. આ નિયમ અનુભૂતિથી જ જાણી શકાય. મારો ક્રમ મારો છે. મારા હાથમાં છે, આગમોમાં સાધનાના સૂત્રો ક્રમમાં નથી. તે સહજ છે. બરાબર પણ છે.

‘ઇસિભાસિયાઇં’માં દરેક ઋષિની અધ્યાત્મસાધનાના સૂત્રો છે. આ અનુભૂતિનાં સૂત્રોનો કોઇ ક્રમ નથી. તમે જ્યાં ઊભા છો ત્યાં ક્યું સૂત્ર ઉપયોગી છે? તે નક્કી કરો અને આગળ વધો. તમને તમારો માર્ગ મળશે. એક વાત નિશ્ચિત છે-આગમ સૂત્રો તમને પ્રકાશ આપે છે. તમે માર્ગ પર હશો તો હવે પછીનો મુકામ કયો છે તે તરફ દિશાનિર્દેશ ચોક્કસ કરે છે. તમારે તેના અજવાળામાં આગળ ધપવાનું.

અનુભૂતિનો માર્ગ અગમ્ય છે. ‘વાચામગોચરઃ’ છે જ્યાં સુધી બુદ્ધિ સક્રિય છે સમજાતો નથી. તેને સમજવા બુદ્ધિના પ્રદેશની પેલે પાર જવું જરૂરી છે. અહીં સુધી પહોંચવા પણ બુદ્ધિનો સહારો તો લેવો જ પડે છે. અને બુદ્ધિ ક્રમથી જ વિચારે છે. ઇસિભાસિયાઇંના અનુભૂતિ સૂત્રો મારા બૌદ્ધિક ક્રમ મુજબ આ રીતે ગોઠવાયા છે. બીજાને માટે બીજો ક્રમ હોઇ શકે.

દુઃખનું કારણ મોહ છે. (અધ્યયન-૨.૭ પ્રવક્તા – વજ્જિથપુત્ર)

દુઃખ બે દરવાજેથી આવે છે આસક્તિ અને આકાંક્ષા (અધ્યયન-૧૫ પ્રવક્તા – મધુરાજ)

દીન ન બનો. ક્રોધના વિપાકનો વિચાર કરો. (અધ્યયન-૧૨ પ્રવક્તા -યાજ્ઞવલ્ક્ય)

અજ્ઞાનથી ભય જન્મે છે (અધ્યયન-૨૧ પ્રવક્તા -તરુણ)

આર્ય માર્ગ મુજબ જીવવું, આર્ય કર્મ કરવું, આર્યને જ મિત્ર બતાવવો (અધ્યયન-૧૯. પ્રવક્તા -આર્યાયણ)

સારું-ખરાબ, ઉંચ-નીચ મનની નિપજ છે. ચક્રવર્તી પણ અનાજ ખાય છે, હાથીના દાંત નહીં. (અધ્યયન-૨૮.૨૩ પ્રવક્તા -આર્દ્રક)

વિશ્વ સત્ય છે, તમે કરો તેવું જ પામો છો (અધ્યયન-૩૦ પ્રવક્તા -વાયુ)

ઇચ્છા સંકલેશનું કારણ છે (અધ્યયન-૪૭ પ્રવક્તા – દ્વૈપાયન)

હું મારી મુક્તિ માટે બીજાને પરાજિત નહીં કરૂં. તે પરાજિત વ્યક્તિ મારું જ અહિત કરશે. (અધ્યયન-૧૩.૬ પ્રવક્તા -ભયાલિ)

ભૌતિક ઇચ્છા જીવનના લક્ષ્યને બદલી નાખે છે. (અધ્યયન-૪૧. પ્રવક્તા -ઇંદ્રનાગ)

જેને પાપ ગમે છે તેને આત્મા ગમતો નથી.

નાનો પણ પાપનો વિચાર તમને પાછળ રાખી દેશે (અધ્યયન-૪૨ પ્રવક્તા – સોમ)

પાપને ‘ના’ કહેતા શીખવું (અધ્યયન-૩૯ પ્રવક્તા – સંજય)

વાસનાને જિતવા મનને જિતો, તેને વિષયોથી વિમુખ કરો પછી વિવેક કેળવો (અધ્યયન-૨૯.૧૬ પ્રવક્તા -વર્ધમાન)

કષાય પાપને મજબૂત કરે છે. વૈરાગ્ય કર્મને દૂર કરે છે. (અધ્યયન-૧૮ પ્રવક્તા -વર્ષપ)

જાગૃતિ અને પરિણામનો વિચાર સંસારમાં રહીને વિરક્તિ ટકાવી રાખવાના સૂત્ર. (અધ્યયન-૨૫. પ્રવક્તા –અંબડ)

દૃઢ સંકલ્પ, ઇંદ્રિયદમન અને સત્ત્વ દ્વારા કામને જીતી શકાય (અધ્યયન-૬.૬ પ્રવક્તા -વલ્કલચીર)

અધ્યાત્મ કુશળ ચિકિત્સક પામી સાધક વાસનાથી મુક્ત બની જાય છે. (અધ્યયન-૧૧ પ્રવક્તા – મંખલિપુત્ર)

ઇંદ્રિયોને તપ અને ધ્યાનની ઢાલથી એ છૂપાવી રાખવી. (અધ્યયન-૧૬ પ્રવક્તા -સૌર્યાયણ)

ક્રોધ અને માન રહિત આત્માની બુદ્ધિ સૂક્ષ્મ બને છે (અધ્યયન-૫. પ્રવક્તા – પુષ્પશાલ)

જેનાથી આત્મભાવનો બોધ થાય તે સાચી વિદ્યા (અધ્યયન-૧૭. પ્રવક્તા -વિદુ)

જીવને કર્મ બંધાય છે તેના ત્રણ કારણ હિંસા, મમતા અને ક્રોધ (અધ્યયન-૩ પ્રવક્તા -દવિલ)

પહેલા તમારા કર્મોનું પૃથક્કરણ કરો પછી કર્મોનું પરિશોધન કરો. (અધ્યયન-૨૨. પ્રવક્તા -દગભાણ)

સમ્યકત્વ અને ત્યાગ કર્મશત્રુ પર મર્મ પ્રહાર સમ છે. (અધ્યયન-૯. પ્રવક્તા – મહાકાશ્યપ)

સાધના માટે સ્પષ્ટ દિશા અને દૃઢ નિશ્ચય જોઇએ (અધ્યયન-૪૪ પ્રવક્તા -વરૂણ)

સ્વેચ્છા અને સદાશય ક્રિયાને અમૃત બતાવે છે (અધ્યયન-૧૪. પ્રવક્તા -બાહુક)

ધીર પુરુષનું શરણ લેવું (અધ્યયન-૩૮.૨૦ પ્રવક્તા -સારિપુત્ર)

ગૃહસ્થ સાથે ઘણો સમય વીતાવવો નહીં આત્માનું ધ્યાન કરવું કે શ્રમણોનો સત્સંગ કરવો. (અધ્યયન-૨૬.૩ પ્રવક્તા -માતંગ)

જે જીવવા માટે કે વાહવાહ માટે લોકને ગમે તેવી પ્રવૃત્તિ કરે છે તે શબને પ્રદક્ષિણા કરે છે. – (અધ્યયન-૨૭.૬ પ્રવક્તા -વારત્તક)

જે લોકો પાછળ ગાંડો બને છે તે સમાધિને ગુમાવે છે (અધ્યયન-૭.૩ પ્રવક્તા -કૂર્માપુત્ર)

પોતાની જાતને યા તો સ્વયં જાણી શકાય યા તો સર્વજ્ઞ જાણી શકે (અધ્યયન-૪ પ્રવક્તા -અંગિરસ)

***                                                        ***                                                        ***

સાધકનું ત્રણ વ્યક્તિત્વ પિંડથી ઘડાય છે.

(૧) વિચારપિંડ બુદ્ધિથી ઘડાય છે.

(૨) ભાવનાપિંડ લાગણીથી ઘડાય છે.

(૩) અધ્યાત્મપિંડ અનુભૂતિથી ઘડાય છે.

ત્રણે પિંડને ઘડવાના વચનો આ આગમમાં છે

અધ્યયન-૧, ૧૯, ૨૦, ૨૭, ૩૧, ૩૭ વિચારપિંડને ઘડે છે

અધ્યયન- ૪, ૧૨, ૧૫, ૩૦, ૩૩, ૩૪, ૩૫, ૪૨, ૪૬ ભાવનાપિંડને ઘડે છે

અધ્યયન- ૨, ૩, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૨, ૩૫, ૩૮, ૩૯, ૪૧, ૪૪, ૪૫ અધ્યાત્મપિંડને ઘડે છે

પ્રત્યેક બુદ્ધ ઋષિઓના પ્રવચન રૂપ આ આગમ ઉપર એક પણ ટીકા વિદ્યમાન નથી. આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ તેની પર નિર્યુક્તિ રચી છે પણ તે અપ્રાપ્ય છે. આ પૂર્વ મહર્ષિઓના વચનો આત્માના ઉચ્ચ અધ્યવસાયને સ્પર્શીને આવે છે. તેમાં નૈશ્ચયિક ચારિત્રના સ્પંદનો ઝીલાયા છે. તેથી વ્યવહારમાર્ગમાં તેનું પ્રચલન અલ્પ રહ્યું હશે. આ વચનોને તર્કની પરિધિમાં કે શબ્દની સીમિત અર્થચ્છાયામાં બાંધવું અઘરું કામ છે. પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી મ.સા., પૂ.આ.શ્રી મલયગિરિજી મ., પૂ.આ.શ્રી.અભયદેવસૂરિજી મ. કે ઉપા.શ્રી યશોવિજયજી મ. જેવા સમર્થ વૃત્તિકારોનો સ્પર્શ આ આગમને મળ્યો હોત, તો આ મહર્ષિઓએ કંડારેલી અનુભૂતિની કેડી પર પગ માંડવા બહુ સરળ રહેત.

ઇસિભાસિયાઇં કેવલ મારો પ્રિય ગ્રંથ નથી મારો પિંડગ્રંથ છે. મારા સાધક પિંડને ઘડવામાં પ્રત્યેકબુદ્ધ ઋષિઓના પ્રબુદ્ધ વચનોનો મહત્તમ ફાળો છે તેના સહારે મારી આત્મયાત્રા ચાલતી રહેશે. નિરાબાધ.

પશ્ચાદ્વચન

 

પ્રિય ગ્રંથ વિષે લખવું અઘરું કામ છે. પહેલા તો પ્રિય ગ્રંથ વિષે વિચારવું જ અઘરું છે. કેવળ ગ્રંથ વિષે વિચારવું કે લખવું કદાચ સરળ છે પરંતુ મારાંપણાંની અને પ્રિયતાની છાયામાં ગ્રંથ વિષે વિચારવું અઘરું છે. ગ્રંથ વિષે લખવા માટે ગ્રંથનું નિરીક્ષણ કરવું જરૂરી છે.મારા પ્રિય ગ્રંથ વિષે લખવા માટે ગ્રંથનું નિરીક્ષણ કરતાં પહેલાં આત્માનું નિરીક્ષણ કરવું અનિવાર્ય છે.હું કેવો છું? કેવો હતો? આ ગ્રંથના પરિચયમાં કેવી રીતે આવ્યો? પહેલી વાર આ ગ્રંથ વાંચ્યો ત્યારે કેવા સ્પંદનો જાગ્યા? વારંવાર આ ગ્રંથમાંથી પસાર થતાં શું અનુભૂતિઓ થઈ? આ ગ્રંથ કેવી રીતે મારા ભાવવિશ્વનો એક ભાગ બની ગયો? આ ગ્રંથને કારણે મને શું આધ્યાત્મિક લાભ થયો? આ તમામ સવાલોના જવાબ મેળવવા આત્મનિરીક્ષણ કરવું જ પડે. ગ્રંથના અને પ્રિયતાના પરિપ્રેક્ષ્યમાં મારાપણાંનો વિચાર કરવો પડે. આ અઘરું છે. કેમ કે-કોઇ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ એકાંગી નથી હોતું, બહુઆયામી હોય છે.

માનવ વ્યક્તિત્વના ત્રણ આયામ છે. વૈચારિક વ્યક્તિત્વ,ભાવનાત્મક વ્યક્તિત્વ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ.

મોટા ભાગના લોકો વૈચારિક અને ભાવનાત્મક સ્તરે જીવન જીવી જતા હોય છે.ઉચ્ચકક્ષાના સાધકો આધ્યાત્મિક સ્તરે જીવનનો અનુભવ કરે છે.સાધુ ભગવંતો આધ્યાત્મિક વ્યક્તિત્વના વિકાસ માટે નિરંતર પ્રયાસ કરતા રહે છે.ત્રણે ય સ્તર પર પ્રિયતાની વ્યાખ્યા અલગ અલગ હોય. વૈચારિક સ્તર ગણિતપ્રધાન હોય. ભાવનાત્મક સ્તર સંવેદનાપ્રધાન હોય તો આધ્યાત્મિક સ્તર સમભાવપ્રધાન હોય. આથી, ત્રણે ય ભૂમિકાના પ્રિયતાના માપદંડ જ વેગળાં હોય.બુદ્ધિને તાર્કિક ગ્રંથ વધુ ગમે.લાગણીને ભાવનાપ્રધાન ગ્રંથ વધુ ગમે તો આત્માને સાક્ષિભાવના ગ્રંથ વધુ ગમે.આપણે ત્રણે ય પ્રકારના વ્યક્તિત્વ સાથે જીવીએ છીએ તેથી કોઇ એક વ્યક્તિત્વને નજર સામે રાખી પસંદગી કરવી આહ્વાન બની રહે છે.ઘણું ઉંડું મનોમંથન અને ઘણા લાંબા સમય સુધી નિરંતર આત્મમંથન કર્યા પછી જ કદાચ જવાબ મળે ‘મારો પ્રિય ગ્રંથ’ આ છે.

ભગવતીના યોગમાં પ્રવેશ દિને પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ.એ ઉદ્દેશાનંદીનો વાસક્ષેપ કર્યો તે ક્ષણે પ્રેરણા ઉદ્ભવી, જાણે ખમાસમણાણં હત્થેણં શ્રી સુધર્માસ્વામિજીએ આજ્ઞા કરી કે – એક સર્વગ્રાહી વિષય ધરાવતાં સ્વાધ્યાય પુસ્તકનું સંપાદન કરવું. ‘મારો પ્રિય ગ્રંથ’ વિષયની પસંદગી કરી. વિભિન્ન પૂજ્યોને લેખ લખ્યા. લગભગ ૪૦ પત્રમાંથી ત્રણ જ લેખ આવ્યા. સહુથી પહેલો લેખ આવ્યો પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.નો.તેમણે બીજું કોઇ જોયા વિના કેવળ વિષયને જોઇ અનુરૂપ લેખ મોકલી આવ્યો. બે મહિના વીત્યા ત્યારે મારી પાસે ત્રણ લેખ હતા. ઉપમિતિના નિષ્પુણ્યકની જેમ હું હતાશ થયો પણ સદ્બુદ્ધિએ મને સાચવી લીધો. ફરી વાર સહુને યાદપત્ર લખ્યાં. લેખોની સંખ્યા નવ થઇ. યોગ પૂરા થઇ ગયા. પુસ્તકની આશા ધૂંધળી બની ગઇ. ચોમાસામાં ત્રીજી વાર પત્ર લખ્યા. ત્યારે જવાબ આવવા શરૂ થયા.

આપણે ત્યાં લગભગ એક ધારણા રૂઢ થઇ ગઇ છે કે-આપણને કંઇક પ્રિય હોય તો બીજું અપ્રિય જ હોય. એવું જરૂરી નથી. એક ગ્રંથ પ્રિય હોય એટલે બીજા ગ્રંથો અપ્રિય કે ઓછા મહત્ત્વના બની જતા નથી. કોઇને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પર વધુ શ્રદ્ધા હોય તો તેનો અર્થ એ નથી કે મહાવીર સ્વામી પર ઓછો પ્રેમ છે કે ઓછી શ્રદ્ધા છે. મીમાંસાસૂત્રના શાબર ભાષ્યમાં ઉક્તિ આવે છે-

‘न हि निन्दा निन्द्यं निन्दितुं प्रयुज्यते, किं तर्हि? निन्दितादिरत् प्रशंसितुम्’

શાસ્ત્રોમાં કોઇની નિંદા તેને ખરાબ ચીતરવા માટે નથી કરાતી પણ તેના કરતાં બીજું સારું છે તે દર્શાવવા કરાય છે. આ ન્યાયને જૂદા એંગલથી આ રીતે પ્રયોજી શકાય-

‘सर्वा हि प्रशंसा प्रशस्यं प्रशंसितुं प्रयुज्यते, न प्रशस्यादितरत् निन्दितुम्’

કોઇની પ્રશંસા કરીએ ત્યારે તે વસ્તુ સારી છે એટલું બતાવવાનો જ આશય હોય છે. પ્રશંસાપાત્ર વ્યક્તિથી બીજી વ્યક્તિ ખરાબ છે એ આશય નથી હોતો.

‘મારો પ્રિય ગ્રંથ’ આ શીર્ષક વાંચીને આવી જ ગેરસમજ ઊભી થઇ કે કોઇ ગ્રંથને પ્રિય કહીએ તો બીજા અપ્રિય થઇ જાય. સાધુને તો બધા જ ગ્રંથ પ્રિય હોય. આ ધારણાથી કેટલાક પૂજ્યોએ લેખ ન મોકલ્યા. જે મહાત્માઓના લેખ આવ્યા તેમને પણ આ સવાલ તો થયો જ. મારા સદ્નસીબે તેમણે મારા આશયને સમજવાનો પ્રયાસ કર્યો અને અનુમોદન પણ આપ્યું.

સંપાદન સમયે મનમાં એક આશય સ્પષ્ટ હતો કે આપણાં પ્રાચીન શાસ્ત્રો વિષે શ્રાવકવર્ગમાં વિશેષ સમજ અને વિશેષ રુચિ જન્મે. શ્રાવકને મહારાજ સાહેબ ગમે છે મહારાજ સાહેબને શાસ્ત્ર ગમે છે. જે સાહેબને ગમે તે મને પણ ગમે. તેવી રુચિ જન્મે તો સ્વાધ્યાય જેવું ઉપેક્ષિત ક્ષેત્ર ફરી જાગૃત થાય. આમ, લેખની વ્યાપ્તિ પ્રાચીન શાસ્ત્રોની સાથે હતી પણ તેવી સ્પષ્ટતા પહેલા થઇ નહીં. તેને કારણે બે લેખો સવિનય પરત કરવા પડ્યા. મારા અદૃષ્ટકલ્યાણમિત્ર પ.પૂ.આ.દે.શ્રી વિજયશીલચંદ્ર સૂ.મ.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી ત્રૈલોક્યમંડનવિજયજીનો અભ્યાસપૂર્ણ લેખ આ સંપાદનમાં સમાવી ન શક્યો છતાં તેમણે ખૂબ ઉદારતાથી મારી ભાવનાનો આદર કર્યો. તેમનો ક્ષમાપ્રાર્થી હોવા સાથે ઋણી પણ છું. પદ્મશ્રી કુમારપાળભાઇ દેસાઇએ વીરચંદ રાઘવજી ગાંધીના પુસ્તક પર લખેલો લેખ પણ પરત કર્યો તેમણે બીજો લેખ મોકલી આપી સંપાદનને ગૌરવપૂર્ણ બનાવ્યું.

લેખો ઓછા આવ્યા તેથી પુસ્તક પ્રગટ થશે કે નહીંॽ તેવી આશંકાથી નવા લેખો આવતા અટકી ગયા. ચાર વારના પ્રયાસ પછી લેખો આવ્યા. બહુ સરસ આવ્યા. જે જે મહાપુરૂષોના કે મહાત્માઓના લેખો આવ્યા તેમાંથી ઘણાં અપરિચિત છે. છતાં પણ તેઓએ સુંદર લેખ પાઠવી અનુગ્રહ કર્યો છે.

કેટલાક પૂજ્યોની ભાવના હોવાં છતાં અન્યાન્ય કારણથી લેખ પાઠવી શક્યા નથી. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હર્ષસાગરસૂરીશ્વરજી મ.ને વિપાકસૂત્ર પ્રિય છે. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી ધુરંધર વિજયજી મ.ને શ્રીપાળરાજાનો રાસ પ્રિય છે.

આમ લગભગ પચીસ લેખ સાથે પુસ્તક સંપાદન માટે સજ્જ થયું. અહીં લેખોનો ક્રમ ગ્રંથની રચનાના અનુક્રમે ગોઠવ્યો છે. ગ્રંથના મહત્ત્વપૂર્ણ ગણવાના આશયથી જ આમ કર્યું છે. તેથી લેખક પૂજ્યોનો સંયમપર્યાય સાચવી શકાયો નથી.

ગ્રંથની પ્રિયતા વિષે સહુથી વધુ પસંદગી ઉપમિતિભવપ્રપંચાકથા પર ઉતરી છે. પાંચ એટલે લગભગ વીસ ટકા જેટલા લેખકોનો ઉપમિતિ પ્રિય ગ્રંથ રહ્યો છે.

ઉત્સવ કરતાં પહેલાં આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે. ‘મારો પ્રિય ગ્રંથ’ ગ્રંથ વાંચવા માટેની આમંત્રણ પત્રિકા છે. આ આમંત્રણ પત્રિકા વાંચીને શાસ્ત્રકારોએ યોજેલા જ્ઞાનોત્સવમાં ભાગ લેવાની ઇચ્છા જાગશે તો આનંદ થશે.

ઉપમિતિભવપ્રપંચ કથાના પહેલા પ્રસ્તાવના અંતે શ્રી સિદ્ધર્ષિગણિજી એ લખ્યું કે–

‘આ ગ્રંથ દ્વારા જિનાગમનો સાર મેં વિદ્વાનો સમક્ષ મૂક્યો છે. વિદ્વજ્જનોને પ્રાર્થના છે કે – ગ્રંથ બનાવનાર કોણ છેॽ કેવો છેॽ તે ન જોતાં તેની વાતને જોઇ ગ્રંથમાં પ્રવેશ કરે.’

તેમની આ વિનંતિ રજૂ કરી વિરમું છે.

 

૨૦૭૧, માગસર વદ ૧, રવિવાર                                                                                           -વૈરાગ્યરતિવિજય

શ્રુતભવન

 

આ સંપાદનમાં ‘મારો પ્રિય ગ્રંથ’માં તમને સહુથી વધુ ક્યો લેખ ગયોॽ હાથમાં પેન લો, અને આ કોરા પાનાં પર લખોॽ કદાચ્ તમને તમારો પ્રિય ગ્રંથ મળી આવે.

કર્મનો નિયમ (ઉપદેશ) – વૈરાગ્યરતિવિજય ગણિ

કર્મ એટલે ક્રિયા. કર્મગ્રંથમાં કર્મની વ્યાખ્યા કરતા પૂ.આ.શ્રી દેવેંદ્રસૂ.મ. કહે છે—

कीरई जीएण हेउहिं जेणं तो भण्णए कम्मं॥

જીવની કોઇ ક્રિયા હેતુ વિનાની હોતી નથી. જીવ પોતે કરેલી ક્રિયાનો હેતુ ન જાણતો હોય તે બની શકે પણ  હેતુ વિના કોઇ ક્રિયા કરે નહિ. એટલે કર્મનો અર્થ છે-ક્રિયા. કર્મનો સિદ્ધાંત કાર્યકારણભાવના નિયમ પર આધારિત છે. આ વિશ્વવ્યવસ્થાનો અબાધિત કાયદો છે. તેને કોઇ તોડી શકે નહિ. તમે કોઇ પણ ક્રિયા કરો તો તેનું ફળ તમને મળે છે. કર્મ એક અદૃશ્ય શક્તિ છે જે તમને જીવનના મૂળભૂત પાઠ શીખવે છે. તમારું વર્તમાન જીવન તમારા ભૂતકાળનું જ પ્રતિબિંબ છે. તમારું આજનું ભાગ્ય તમે ભૂતકાળમાં જ લખ્યું છે. એનો અર્થ એ નથી કે તમારા ભાગ્યમાં કોઇ ફેરફાર ન થઇ શકે. કેમ કે તમારું ભાગ્ય તમારી ઇચ્છા અનુસાર લખાય છે. તમારું ભવિષ્ય હજી લખાયું નથી. આજની તારીખમાં તમે તમારું ભવિષ્ય લખવા માટે મુક્ત છો. તમારો ભૂતકાળ ગમે તેવો હોય જીવન તમને સારા બનવાની તક આપે છે.

તમારી આજની ક્રિયા તમારું ભવિષ્ય નક્કી કરવાની છે. તમારી આજ તમારી ગઇકાલનું પરિણામ છે. આજે તમે જે કંઇ પણ અનુભવો છો તે તમે ભૂતકાળમાં કરેલા કર્મનું ફળ છે. આ કર્મો કેવળ અને કેવળ તમારા માટે જ બન્યા છે. કર્મ તમને એ જણાવે છે કે – ભૂતકાળના અનુભવમાંથી કંઇક શીખો અને તમારું ભવિષ્ય સુધારો. તમે તમારા ભૂતકાળને બદલી શકો નહિ પરંતુ તેમાંથી કંઇક શીખીને તમારું ભવિષ્ય જરુર બદલી શકો. કર્મસત્તા વિશ્વવ્યવસ્થાના નિયમ અનુસાર ચાલે છે. આ નિયમ સમજી લઇએ તો ભવિષ્ય સુધારવામાં ઘણી મદદ મળશે. કર્મસત્તાના બાર નિયમ છે.

(૧) જેવું વાવો તેવું લણો : તમારા વિચાર અને વ્યવહાર બીજ જેવા છે. તે ફળ પેદા કરે છે. જેવું બીજ હોય તેવું ફળ હોય. તમારા વિચાર અને વ્યવહાર જેવા હશે તે ફળ પણ તેવું જ આપશે. સારા વિચારનું ફળ સારું. અને સારા વ્યવહારનું ફળ સારું. ખરાબ વિચારનું ફળ ખરાબ અને ખરાબ વ્યવહારનું ફળ ખરાબ. પ્રસન્નતા જોઇતી હોય તો પ્રસન્નતાના વિચાર કરો. શાંતિ જોઇતી હોય તો શાંતિના વિચાર કરો.

(૨) સર્જનનો નિયમ : આપણી ઇચ્છાઓ મૂર્ત સ્વરૂપે આપણા જીવનનો ભાગ બને છે. આપણે આપણી આસપાસ જે જીવન જોઇએ છીએ તે અનાયાસ નથી તેની પાછળ હેતુનું ગણિત કામ કરે છે. આપણે દુનિયાથી જૂદા નથી, આપણે વિશાળ વ્યવસ્થાનો એક ભાગ છીએ. આપણે જે કરીએ તેની અસર આખાં વિશ્વને થાય છે. વિશ્વમાં કંઇ પણ બને તેની અસર આપણને થાય છે. આપણી આસપાસનું વર્તુળ આપણા જીવનનો ભાગ બની જાય છે. આપણી આસપાસનું વર્તુળ આપણી ઇચ્છાને અનુરૂપ હોય તે જોવાની જવાબદારી આપણી છે.

(૩) દીનતાનો નિયમ : વાસ્તવિકતાનો અસ્વીકાર દીનતાનું મૂળ છે. આપણે કોઇપણ વ્યક્તિને, વસ્તુને કે સંયોગોને આપણી ધારણા મુજબ બદલવા માંગીએ છીએ. આ ત્રણેમાંથી એકેય પર આપણો કાબુ નથી. આપણે બદલવા માંગીએ છીએ તેમ છતાં કંઇ જ બદલાતું નથી. તેનાથી હતાશા આવે છે. આપણે વ્યક્તિને, વસ્તુને કે સંયોગોને તે જેવા છે તેવા સ્વીકારી શકતા નથી. વ્યક્તિને, વસ્તુને કે સંયોગોને બદલવાની કોશીશ કરવા કરતા તેમને તે જેવા છે તેવા સ્વીકારવાની કોશીશ કરવી જોઇએ. અસ્વીકારથી નકારાત્મક ભાવ જન્મે છે. નકારાત્મક ભાવથી દુઃખ સિવાય કોઇ પરિણામ મળતું નથી.

(૪) વિકાસનો નિયમ: વિકાસ સંયોગને આધીન નથી, ઇચ્છાશક્તિને આધીન છે. દરેક વખતે તમારા કર્મ તમારા વિરોધી નથી હોતા. જેને વિકાસ કરવો છે તે કર્મો કે સંયોગોની ફરિયાદ કરતો નથી. વિકાસ પરિસ્થતિને આધીન નથી પરંતુ મનઃસ્થિતિને આધીન છે. કર્મને કારણે સર્જાયેલા બહારના સંયોગો પર આપણો કાબૂ નથી પણ આપણી જાત પર તો આપણો જ કાબૂ છે. એ જ સહુથી મોટી વાત છે. કર્મ તમને સારી કે ખરાબ પરિસ્થતિમાં મૂકી શકે પણ પરિસ્થતિને સારી ગણવી કે ખરાબ તે આપણા જ હાથમાં છે. આપણે જેને સારું માનીએ છીએ તેને સમર્પિત રહીએ તો  ખરાબ પરિસ્થતિ પણ આપણા માટે સારી બની શકે છે.

(૫) જવાબદારીનો નિયમ:  જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે બીજાની કે કર્મની ફરિયાદ કરવાની આપણી આદત બની ગઇ છે. નિષ્ફળતાનો બોજો કે જવાબદારી બીજા પર ઢોળી દઇને આપણે નિષ્ક્રિય બની જઇએ છીએ. આ ખોટી આદત છે. આપણાં જીવનમાં જે કંઇ બને છે તેની જવાબદારી આપણી છે. આપણાં જીવનમાં જ્યારે બાહ્ય તકલીફો આવે છે ત્યારે આપણે અંદરથી વિક્ષિપ્ત થઇ જઇએ છીએ. આપણે જો આપણાં બાહ્ય જીવનને બદલવા માંગતા હોઇએ તો પહેલાં આપણે આપણાં જીવન પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. નકારાત્મક વિચારોની ઘરેડમાંથી બહાર આવવું પડશે. આસપાસનું વાતાવરણ પણ હકારાત્મક બનાવવું પડશે. આ કામ આપણએ જ કરવું પડશે. એ આપણી જવાબદારી છે.

(૬) એકાત્મતાનો નિયમ: આપણો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એકમેકથી જોડાયેલા છે. વિશ્વની નાનાથી લઇને મોટામાં મોટો પદાર્થ એકમેકથી જોડાયેલા છે. આપણે જો આપણાં જીવનને બદલવા માંગતા હોઇએ તો એકાદ આદત બદલી દેવાથી નહી ચાલે, બધું જ બદલવું પડશે. કોઇ પણ કામ પૂરું કરવું હોય તો તેના બધાં જ અંગો પૂરાં કરવા પડે. એકાદ અંગ અધૂરું રહે તો કામ પૂરુ થાય નહીં. ચા બનાવવી હોય તો ચા, સાકર, પાણી, દૂધ, અગ્નિ બધું જ મેળવવું પડે છે. એક પણ ચીજ ઓછી હોય તો ચા બને નહીં.

(૭) લક્ષ્યનો નિયમ: અધ્યાત્મના ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવી હોય તો લક્ષ્ય નિશ્ચિત હોવું જોઇએ. નકારાત્મક વિચારો અને કર્મોને સાથે રાખીને અધ્યાત્મના ક્ષેત્રે સફળ બની શકાય નહીં. આપણે આપણું સંપૂર્ણ ધ્યાન આપણા લક્ષ્ય પર કેંદ્રિત કરવું જોઇએ. માણસ એક વખતે એક જ કામ કરી શકે. એકથી વધુ કામ કરવાથી ધ્યાન વહેંચાઇ જાય અને એક પણ કામ સારી રીતે થઇ શકે નહીં.

(૮) સેવા અને દાનનો નિયમ: નિસ્વાર્થ બન્યા વિના આત્મવિકાસ શક્ય નથી. આપણો નિસ્વાર્થ સ્વભાવ પરોપકાર દ્વારા અભિવ્યક્ત થાય છે. આપણે જે માનીએ છીએ તે આપણી ક્રિયામાં ઉતરે છે. અને ક્રિયા જ કર્મ બને છે. નિસ્વાર્થભાવ દ્શાવે છે કે- આપણે આપણા કરતા બીજાને વધુ મહત્ત્વ આપીએ છીએ.

(૯) પરિવર્તનનો નિયમ:  એક કહેવત છે- ઇતિહાસનું પુનરાવર્તન થાય છે, જો તેને બદલવામાં ન આવે તો. આપણે આદતો બદલીશું નહીં તો આપણા જીવનમાં એની એ જ દુર્ઘટનાઓ ફરી ફરી થયા જ કરશે. ભૂતકાળને બદલવો હોય તો મજબૂત ઇરાદો જોઇશે. જો આપણે આપણા સ્વભાવને, આપણી આદતોને કે આપણી જાતને બદલીશું નહીં તો ભૂતકાળનાં ખરાબ કર્મો આપણને પરેશાન કરશે જ. જો આપણે આપણી શક્તિને સારો માર્ગ દેખાડીશું નહીં તો કર્મની શક્તિ આપણને ખરાબ માર્ગે લઇ જશે.

(૧૦) વર્તમાનમાં જીવવાનો નિયમ: હિંદીમાં એક કવિતા છે. भूतकाल एक सपना है, भविष्य एक कल्पना है सिर्फ वर्तमान ही अपना है। જે લોકો ભૂતકાળના વિપરીત સંયોગોને યાદ કરીને સંતાપ કરે છે તેઓ વર્તમાનકાળના અવસરને ગુમાવી બેસે છે. ભૂતકાળના વિચાર અને ભૂતકાળની આદત આપણને વિકાસ કરતા રોકે છે. ભૂતકાળના વિચાર આપણા ભવિષ્યના માર્ગમાં આપણે જ નાંખેલા પથ્થર છે. જે આપણને જ નડે છે. જતાં ને આવતાં બની પથ્થર હું મુજને જ નડ્યો છું.

(૧૧) સહનશીલતા અને વળતરનો નિયમ: સહન કરવાની તૈયારી વિના કોઇ પણ કામની સાચી કિંમત અંકાતી નથી.

કામ કરવાની ઇચ્છા ઘણી હોય પરંતુ તે માટે શ્રમ કરવાની તૈયારી ન હોય તો કામ કરવાની ઇચ્છા સાચી નથી, છળ છે તેમ સમજવું. કામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ હોય તો જ આપણે કામના વળતર માટે હકદાર કહેવાઇએ, તે સિવાય નહિ.

(૧૨) અર્થપૂર્ણતા અને પ્રેરણાનો નિયમ: કોઇ પણ કામનું શ્રેષ્ઠ વળતર તે છે જે સહુના હિતમાં હોય. કોઇ પણ કામનું અંતિમ પરિણામની અસર જો કંઇ જ ન હોય અથવા બહુ થોડી હોય તો તે કામની કિંમત અંકાતી નથી. અંતિમ પરિણામને અર્થપૂર્ણ બનાવનારા બે પરિબળ છે. એક, શક્તિ અને બે, આશય. પ્રેમ અને ધીરજ આ બે તત્ત્વો કાર્યના અંતિમ પરિણામને સર્વ માટે અર્થપૂર્ણ અને ચિરસ્થાયી બનાવવા સહાયક છે.

મૃગજળની માયા છોડી-ને જળ સુધી જવું છે

અમને જે છેતરે છે એ છળ સુધી જવું છે

તૈયાર થા તું અ દિલ અધરી છે આ કસોટી

સાગર સમેટી લઇને ઝાકળ સુધી જવું છે.

(લાઇફ ૩૬૫)

ક્ષમાપનાની સપ્તપદી: – વૈરાગ્યરતિવિજય

સંસારમાં આપણે સહુ કોઇને કોઇ વ્યક્તિ દ્વારા ઘવાયા છીએ. કોઇનું વર્તન આપણને ડંખે છે તો કોઇના શબ્દો આપણને પીડે છે. પરિવારના વડિલ વગર કારણે ઠપકો આપે છે. ભાગીદાર પૈસાની ગોલમાલ કરે છે. પતિ કે પત્ની આપણી નબળાઇનો ગેરફાયદો ઉઠાવે છે. પડોશી ઝગડો કરે છે. આવું બને છે ત્યારે આપણી લાગણી ઘવાય છે. આપણે કોઇને કહી પણ શકતા નથી. મનમાં આ ઘા સંઘરીને રાખીએ છીએ. આપણે એમ સમજીએ છીએ કે મારો વારો આવશે ત્યારે હું એકએકની ખબર લઇશ. આ વારો આવે છે કે નહિ તેની તો ખબર નથી પણ વારાની રાહ જોવામાં આપણે આપણું બહુ મોટું નુકસાન કરીએ છીએ. બદલો લેવાની ભાવના નકારાત્મક છે. નકારાત્મક ભાવનાને સાચવી રાખવા માટે મનને નકારાત્મક બનાવવું પડે છે. બીજાનું ખરાબ કરવા માટે તમે ખરાબ વિચારને સાચવી રાખો છો પણ એ વિચાર સક્રિય કે સફળ થાય તે પહેલા તમારાં મનને ઘણું ખરાબ કરી ચૂક્યો હોય છે. નકારાત્મક ભાવના જેટલો વધુ સમય મનમાં રહે તેટલું વધુ નુકસાન થાય છે.

બે વિદ્યાર્થી વચ્ચે ઝગડો  થયો. શિક્ષકે બન્નેને એકબીજાની માફી માંગવા કહ્યું પરંતુ વિદ્યાર્થી માન્યા નહિ. બીજા દિવસે શિક્ષક વર્ગમાં પથ્થર લઇને આવ્યા. એક વિદ્યાર્થીને કહ્યું- આ પથ્થર ઉપાડ. વિદ્યાર્થીએ પથ્થર ઉપાડ્યો. શિક્ષકે કહ્યું-વજન કેટલું છે? વિદ્યાર્થીએ કહ્યું- કંઇ ખાસ નથી. શિક્ષકે કહ્યું- હવે થોડીવાર આમ જ પથ્થર લઇને ઊભો રહે. વિદ્યાર્થી ઊભો રહ્યો. થોડીવાર પછી શિક્ષકે પૂછ્યું-હવે કેટલું વજન લાગે છે? વિદ્યાર્થીએ કહ્યું- પહેલા કરતાં વધારે. શિક્ષકે કહ્યું- અર્ધો કલાક આમ જ પથ્થર લઇને ઊભો રહે. થોડીવારમાં વિદ્યાર્થી અકળાઇ ગયો. તેણે શિક્ષકને કહ્યું- હવે વધુ સમય પથ્થર ઉપાડી નહિ શકાય. શિક્ષકે કહ્યું- કેમ ? પથ્થરનું વજન વધી ગયું? વિદ્યાર્થીએ કહ્યું-ના, પણ મને વધારે લાગે છે. શિક્ષકે કહ્યું- આ જ ગણિત મનને પણ લાગુ પડે છે. નકારાત્મક ભાવના પથ્થર જેવી છે. તે જેટલો વધુ સમય મનમાં રહે તેટલી વધુ વજનદાર લાગે છે.

દરેક માણસ સારું અને સુખી જીવન જીવવા ઇચ્છે છે. બીજાએ આપેલી પીડાનો બોજ ઉપાડીને ફર્યા કરીશું તો ક્યારેય સુખી થઇ શકીશું નહિ. મારે સારું જીવન જીવવું છે એવો નિર્ણય પાકો હોય તો તમારી સાથે થયેલા દુર્વ્યવહારોને જતા કરવાની આદત કેળવવી રહી. આ આદત કેળવશો તો જ તમે તમારા જીવનમાં સારી વાતો માટે જગ્યા કરી શકશો. એક સત્ય હંમેશા યાદ રાખશો પ્રશ્ન એ નથી કે ભૂલ કોની છે, પ્રશ્ન એ છે કે જિંદગી કોની છે. પીડા કરતા જિંદગી મહત્ત્વની છે આ વાત સમજાઇ જશે તો ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવવાની જરુર નહીં રહે. જે માણસ પોતાનું દુઃખ, પોતાની પીડા, પોતાનું અપમાન યાદ રાખે છે તે બહુ મોટી કિંમત ચૂકવે છે. મનમાં ઉઠતી દુઃખ, પીડા, અપમાન કે બદલાની આગ આપણો કબજો લઇ લે છે. ચોવીસ કલાક એ જ વિચારો ચાલ્યા કરે છે. આ નકારાત્મક લાગણીઓ આપણને કઠપુતળી બની નચાવ્યા કરે છે. તેની અસરમાં આપણે ખોટા, અવાસ્તવિક નિર્ણય લઇએ છીએ. તેનાથી નુકસાન જ થાય છે. કદાચ બદલો લેવામાં સફળતા મળી જાય તો પણ હાથમાં કંઇ જ આવતું નથી.

સામા પક્ષે ક્ષમાપનાના ફાયદા પાર વિનાના છે. ક્ષમાપનાની સાથે જ શાંતિ આવે છે, નવી આશા જન્મે છે, અનુમોદનાના ભાવ જન્મે છે. ક્ષમાપનાથી તમારી દૃષ્ટિએ ગુનેગાર વ્યક્તિ પ્રત્યે સમજણ, સહાનુભૂતિ અને કરુણા જન્મે છે. દવાથી બગડેલું સ્વાસ્થ્ય સુધરે છે તો ક્ષમાપનાથી બગડેલા સંબંધ સુધરે છે. ક્ષમાપનાથી ચિંતા, તણાવ અને વિરોધ ઘટે છે. ક્ષમાપનાથી અવસાદ (ડિપ્રેશન) ઓછો થાય છે. ક્ષમાપનાથી વ્યસનોની પરાધીનતામાંથી બહાર આવવામાં મદદ મળે છે. ક્ષમાપનાથી માનસિક અને આધ્યાત્મિક ભૂમિકા મજબૂત બને છે.

ક્ષમાપના એટલે મનમાં જાગેલા ગુસ્સાને થૂંકી નાંખવો, બદલો લેવાના વિચારને જતો કરવો. તમને જે વાતનું ખોટું લાગ્યું હોય તે વાત અનાયાસે તમારા જીવનનો એક ભાગ બની જાય છે. તમે ધારો તો પણ પૂર્ણપણે તેનાથી મુક્ત નથી થઇ શકતા. ક્ષમાપના તમારા મનમાં જામી ગયેલી તે વાતની પકડને ઢીલી કરી નાંખે છે અને તમારું ધ્યાન જીવનના અન્ય સકારાત્મક ભાગ પર કેંદ્રિત કરવામાં મદદ કરે છે. જગજિતસિંહની ગઝલની નઝ્મ છે.

શહદ મીલતા હૈ જિંદગીકા થોડા થોડા, જાનેવાલે કે લિએ દિલ નહિ તોડા કરતે

હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે.

ક્ષમાપના એટલે અણબનાવમાં અટવાયેલી પોતાની શક્તિને મુક્ત કરવી અને જૂના ઘાને રૂઝવવા.

ક્ષમાપના એટલે જૂના જખમ ભૂલીને આગળ વધવું.

ક્ષમાપના એટલે ગુસ્સાને સ્થાને પ્રેમ અને પ્રસન્નતાની પસંદગી.

તૂટી ગયેલી રેકૉર્ડને કોઇ વારંવાર વગાડવું પસંદ કરતું નથી. આપણે આપણા જૂના ઘાને જેટલી વાર યાદ કરીએ છીએ તેટલી વાર તેના વિચારો મગજમાં કર્કશ અવાજે વાગ્યા જ કરે છે. ક્ષમાપના તૂટી ગયેલી રેકૉર્ડને બંદ કરવાની સ્વિચ છે.

ક્ષમાપનાનો ભાવ મનમાં જાગતાં જ એ પ્રતીતિ (રિયલાઇઝેશન) થાય છે.

ધંધામાં નુકસાની કરનાર માણસ કે ભાગીદારને છૂટા કરીએ છીએ તેમ ક્ષમાપના એટલે આપણને નુકસાન કરતા ક્રોધ અને વૈરને છૂટા કરવા.

ક્ષમાપનાનો અર્થ એ નથી કે તમે સામેની વ્યક્તિની ભૂલ પ્રત્યે આંખમીંચામણા કરો છો. સામેની વ્યક્તિની ખોટી વાતને ટેકો આપો છો કે બચાવ કરો છો. મનમાંથી, વચનમાંથી અને વ્યવહારમાંથી અંગત ક્રોધની લાગણીની બાદબાકી કરીને સામેની વ્યક્તિની ભૂલ સમજવી કે બતાવવી તે વિરોધ છે. ક્ષમાપના ભૂલ પ્રત્યેની સજાગતામાંથી ક્રોધની લાગણીની બાદબાકી કરવાનું કહે છે.

ક્ષમાપના કરવી સહેલી નથી. સૉરી, માફ કરજો, ભૂલ થઇ ગઇ, મિચ્છા મિ દુક્કડં જેવા શબ્દો બોલી જવા સહેલા છે. મનથી ક્ષમાપના કરવી અઘરી છે. પોતાની ભૂલોની માફી માંગવા માટે અને બીજાની ભૂલોને માફ કરવા માટે માનસિક તૈયારી કરવી પડે છે. આપણું મન માફી માંગવા કે માફ કરવા જલ્દી તૈયાર થતું નથી. જીવન, પરિવર્તનની પ્રક્રિયા છે અને ક્ષમાપના પરિવર્તનની પ્રક્રિયા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા (કમિટમેંટ) છે. આ પ્રતિબદ્ધતા આપણે જ કેળવવી પડશે. ખરેખર જીવન બદલવું હોય તો પરિવર્તનનો પ્રારંભ કરવો પડશે. આ માટે નીચે સૂચનો આપ્યા છે.તેનો વિચાર કરી અમલમાં મૂકી જૂઓ. કામ થઇ જશે.

જીવનમાં ક્ષમાપનાની કિંમત અને મહત્ત્વ નક્કી કરો. તેને માટે સમયમર્યાદા બાંધો. જેમ કે-એક મહિનામાં ક્ષમાપનાનું મારા જીવનમાં સહુથી મહત્ત્વનું સ્થાન હશે. એક મહિનામાં હું ક્ષમાપના કરી જ લઇશ.

જ્યારે તમને કોઇનું વર્તન ખરાબ જણાયું કે કોઇના શબ્દોથી ખોટું લાગ્યું તે વખતની પરિસ્થિતિનો વિચાર કરો. તમે તે વખતે કેવું વર્ત્યા હતા? તમે શું માનીને ખોટું લગાડ્યું અને હકિકત શું હતી? તે વખતની પરિસ્થિતિ અને તમારું વર્તન આ બન્નેની તમારા જીવન પર, તમારી તબિયત પર, તમારી સારપ પર શું અસર થઇ? આ વિષે શાંતિથી વિચારો. તમને તમારી ભૂલ કે નબળાઇનો અહેસાસ થશે. આપણી ભૂલનો અહેસાસ મનને માફી માંગવા તરત તૈયાર કરે છે.

આટલો વિચાર કરીને તમને એમ લાગે કે મારું મન માફી માંગવા તૈયાર છે તો જેની સાથે મનદુઃખ થયું હોય તે વ્યક્તિની ક્ષમાપના કરવા તૈયાર થાઓ.

તમે કોઇની હેરાનગતીનો ભોગ બન્યા છો આ ભૂમિકામાંથી બહાર આવી જાવ. તમને પડેલી તકલીફનું કારણ બનેલ વ્યક્તિ કે સંજોગ તમારા મન પર સવાર થઇ ગયા છે. તેની ગુલામીમાંથી બહાર નીકળો. તમે જેવા જૂના અણબનાવને જતો કરશો તે જ ક્ષણથી તમારો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઇ જશે. પછી તમે એ નહીં જૂઓ કે મને કેટલાં, ક્યા અને કેવા દુઃખ આવ્યાં. મને કોણે અને કેવી રીતે હેરાન કર્યો. તમને પ્રેમ અને સમજણની દૃષ્ટિએ જીવનને મૂલવશો.

 

 

ક્ષમાપનાની સપ્તપદી

(૧) સહુથી પહેલા જેમના કારણે તમે હેરાન થયા છો એવું તમને લાગે છે તેવી દરેક વ્યક્તિના નામ એક કાગળ પર લખો. તેમણે તમારી સાથે શું કર્યું અને તે કેમ યોગ્ય ન હતું તેની નોંધ બનાવો. આ નોંધ તમને તમારી જાત વિષે તમારી લાગણી વિષે ઘણી સ્પષ્ટતા આપશે.

(૨) એ વાતનો પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર કરો કે-આ ઘટના બની અને મને તેનાથી દુઃખ થયું.

(૩) દુઃખમાંથી બહાર આવવાનો દૃઢ નિશ્ચય કરો.

(૪) એ વાત ખાસ યાદ રાખો કે તમને કોઇપણ વાતનું દુઃખ થાય છે તેનું કારણ કોઇ વ્યક્તિ કે સંજોગ નથી પણ વ્યક્તિ કે સંજોગ વિષે તમે જે વિચારો છો તે વિચારો જ તમને દુઃખી કરે છે. તમારા મનમાં ચાલતા વિચારો પર તમારો કાબુ છે. તમે સંજોગોને ન બદલી શકો પણ વિચારોને બદલી શકો છો.

(૫) જ્યારે તમને એવું લાગે કે ભૂતકાળની ઘટના તમને પરેશાન કરી કહી છે ત્યારે તેની અસર શરીરને ન થાય તે માટે તણાવવિસર્જનના ઉપાય અજમાવો. જેમ કે ઉંડા શ્વાસ લો, સંગીત સાંભળો, કુદરતનું સાન્નિધ્ય માણો.

(૬) મનમાં સતત ભૂતકાળની ઘટનાના વિચાર ચાલતા હોય તો તેમાંથી બહાર આવવા તમને શું શું સારું મળ્યું છે તેના વિચાર કરતા રહો. જ્યાં સુધી સારું ન લાગે ત્યાં સુધી સતત આ વિચાર ચાલુ રાખો.

(૭) તમારા મનની શક્તિ નકારાત્મક ભાવનાઓમાં વેડફાઇ રહી છે. તેને બદલે તમારા મનની શક્તિનો તમે જીવનમાં પામવા ધારેલા લક્ષ્ય માટે ઉપયોગ કરો.

એ સમજી લો કે ક્ષમાપના તમારી વ્યર્થ જતી શક્તિને બચાવવાનો ઉત્તમ માર્ગ છે.

(સાભાર-LIFE 365 27/5/2016)