ક્ષમાપનાની સપ્તપદી – વૈરાગ્યરતિવિજય

સંસારમાં આપણે સહુ કોઇને કોઇ વ્યક્તિ દ્વારા ઘવાયા છીએ. કોઇનું વર્તન આપણને ડંખે છે તો કોઇના શબ્દો આપણને પીડે છે. પરિવારના વડિલ વગર કારણે ઠપકો આપે છે. ભાગીદાર પૈસાની ગોલમાલ કરે છે. પતિ કે પત્ની આપણી નબળાઇનો ગેરફાયદો ઉઠાવે છે. પડોશી ઝગડો કરે છે. આવું બને છે ત્યારે આપણી લાગણી ઘવાય છે. આપણે કોઇને કહી પણ શકતા નથી. મનમાં આ ઘા સંઘરીને રાખીએ છીએ. આપણે એમ સમજીએ છીએ કે મારો વારો આવશે ત્યારે હું એકએકની ખબર લઇશ. આ વારો આવે છે કે નહિ તેની તો ખબર નથી પણ વારાની રાહ જોવામાં આપણે આપણું બહુ મોટું નુકસાન કરીએ છીએ. બદલો લેવાની ભાવના નકારાત્મક છે. નકારાત્મક ભાવનાને સાચવી રાખવા માટે મનને નકારાત્મક બનાવવું પડે છે. બીજાનું ખરાબ કરવા માટે તમે ખરાબ વિચારને સાચવી રાખો છો પણ એ વિચાર સક્રિય કે સફળ થાય તે પહેલા તમારાં મનને ઘણું ખરાબ કરી ચૂક્યો હોય છે. નકારાત્મક ભાવના જેટલો વધુ સમય મનમાં રહે તેટલું વધુ નુકસાન થાય છે.

બે વિદ્યાર્થી વચ્ચે ઝગડો  થયો. શિક્ષકે બન્નેને એકબીજાની માફી માંગવા કહ્યું પરંતુ વિદ્યાર્થી માન્યા નહિ. બીજા દિવસે શિક્ષક વર્ગમાં પથ્થર લઇને આવ્યા. એક વિદ્યાર્થીને કહ્યું- આ પથ્થર ઉપાડ. વિદ્યાર્થીએ પથ્થર ઉપાડ્યો. શિક્ષકે કહ્યું-વજન કેટલું છે? વિદ્યાર્થીએ કહ્યું- કંઇ ખાસ નથી. શિક્ષકે કહ્યું- હવે થોડીવાર આમ જ પથ્થર લઇને ઊભો રહે. વિદ્યાર્થી ઊભો રહ્યો. થોડીવાર પછી શિક્ષકે પૂછ્યું-હવે કેટલું વજન લાગે છે? વિદ્યાર્થીએ કહ્યું- પહેલા કરતાં વધારે. શિક્ષકે કહ્યું- અર્ધો કલાક આમ જ પથ્થર લઇને ઊભો રહે. થોડીવારમાં વિદ્યાર્થી અકળાઇ ગયો. તેણે શિક્ષકને કહ્યું- હવે વધુ સમય પથ્થર ઉપાડી નહિ શકાય. શિક્ષકે કહ્યું- કેમ ? પથ્થરનું વજન વધી ગયું? વિદ્યાર્થીએ કહ્યું-ના, પણ મને વધારે લાગે છે. શિક્ષકે કહ્યું- આ જ ગણિત મનને પણ લાગુ પડે છે. નકારાત્મક ભાવના પથ્થર જેવી છે. તે જેટલો વધુ સમય મનમાં રહે તેટલી વધુ વજનદાર લાગે છે.

દરેક માણસ સારું અને સુખી જીવન જીવવા ઇચ્છે છે. બીજાએ આપેલી પીડાનો બોજ ઉપાડીને ફર્યા કરીશું તો ક્યારેય સુખી થઇ શકીશું નહિ. મારે સારું જીવન જીવવું છે એવો નિર્ણય પાકો હોય તો તમારી સાથે થયેલા દુર્વ્યવહારોને જતા કરવાની આદત કેળવવી રહી. આ આદત કેળવશો તો જ તમે તમારા જીવનમાં સારી વાતો માટે જગ્યા કરી શકશો. એક સત્ય હંમેશા યાદ રાખશો પ્રશ્ન એ નથી કે ભૂલ કોની છે, પ્રશ્ન એ છે કે જિંદગી કોની છે. પીડા કરતા જિંદગી મહત્ત્વની છે આ વાત સમજાઇ જશે તો ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવવાની જરુર નહીં રહે. જે માણસ પોતાનું દુઃખ, પોતાની પીડા, પોતાનું અપમાન યાદ રાખે છે તે બહુ મોટી કિંમત ચૂકવે છે. મનમાં ઉઠતી દુઃખ, પીડા, અપમાન કે બદલાની આગ આપણો કબજો લઇ લે છે. ચોવીસ કલાક એ જ વિચારો ચાલ્યા કરે છે. આ નકારાત્મક લાગણીઓ આપણને કઠપુતળી બની નચાવ્યા કરે છે. તેની અસરમાં આપણે ખોટા, અવાસ્તવિક નિર્ણય લઇએ છીએ. તેનાથી નુકસાન જ થાય છે. કદાચ બદલો લેવામાં સફળતા મળી જાય તો પણ હાથમાં કંઇ જ આવતું નથી.

સામા પક્ષે ક્ષમાપનાના ફાયદા પાર વિનાના છે. ક્ષમાપનાની સાથે જ શાંતિ આવે છે, નવી આશા જન્મે છે, અનુમોદનાના ભાવ જન્મે છે. ક્ષમાપનાથી તમારી દૃષ્ટિએ ગુનેગાર વ્યક્તિ પ્રત્યે સમજણ, સહાનુભૂતિ અને કરુણા જન્મે છે. દવાથી બગડેલું સ્વાસ્થ્ય સુધરે છે તો ક્ષમાપનાથી બગડેલા સંબંધ સુધરે છે. ક્ષમાપનાથી ચિંતા, તણાવ અને વિરોધ ઘટે છે. ક્ષમાપનાથી અવસાદ (ડિપ્રેશન) ઓછો થાય છે. ક્ષમાપનાથી વ્યસનોની પરાધીનતામાંથી બહાર આવવામાં મદદ મળે છે. ક્ષમાપનાથી માનસિક અને આધ્યાત્મિક ભૂમિકા મજબૂત બને છે.

ક્ષમાપના એટલે મનમાં જાગેલા ગુસ્સાને થૂંકી નાંખવો, બદલો લેવાના વિચારને જતો કરવો. તમને જે વાતનું ખોટું લાગ્યું હોય તે વાત અનાયાસે તમારા જીવનનો એક ભાગ બની જાય છે. તમે ધારો તો પણ પૂર્ણપણે તેનાથી મુક્ત નથી થઇ શકતા. ક્ષમાપના તમારા મનમાં જામી ગયેલી તે વાતની પકડને ઢીલી કરી નાંખે છે અને તમારું ધ્યાન જીવનના અન્ય સકારાત્મક ભાગ પર કેંદ્રિત કરવામાં મદદ કરે છે. જગજિતસિંહની ગઝલની નઝ્મ છે.

શહદ મીલતા હૈ જિંદગીકા થોડા થોડા, જાનેવાલે કે લિએ દિલ નહિ તોડા કરતે

હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે.

ક્ષમાપના એટલે અણબનાવમાં અટવાયેલી પોતાની શક્તિને મુક્ત કરવી અને જૂના ઘાને રૂઝવવા.

ક્ષમાપના એટલે જૂના જખમ ભૂલીને આગળ વધવું.

ક્ષમાપના એટલે ગુસ્સાને સ્થાને પ્રેમ અને પ્રસન્નતાની પસંદગી.

તૂટી ગયેલી રેકૉર્ડને કોઇ વારંવાર વગાડવું પસંદ કરતું નથી. આપણે આપણા જૂના ઘાને જેટલી વાર યાદ કરીએ છીએ તેટલી વાર તેના વિચારો મગજમાં કર્કશ અવાજે વાગ્યા જ કરે છે. ક્ષમાપના તૂટી ગયેલી રેકૉર્ડને બંદ કરવાની સ્વિચ છે.

ક્ષમાપનાનો ભાવ મનમાં જાગતાં જ એ પ્રતીતિ (રિયલાઇઝેશન) થાય છે.

ધંધામાં નુકસાની કરનાર માણસ કે ભાગીદારને છૂટા કરીએ છીએ તેમ ક્ષમાપના એટલે આપણને નુકસાન કરતા ક્રોધ અને વૈરને છૂટા કરવા.

ક્ષમાપનાનો અર્થ એ નથી કે તમે સામેની વ્યક્તિની ભૂલ પ્રત્યે આંખમીંચામણા કરો છો. સામેની વ્યક્તિની ખોટી વાતને ટેકો આપો છો કે બચાવ કરો છો. મનમાંથી, વચનમાંથી અને વ્યવહારમાંથી અંગત ક્રોધની લાગણીની બાદબાકી કરીને સામેની વ્યક્તિની ભૂલ સમજવી કે બતાવવી તે વિરોધ છે. ક્ષમાપના ભૂલ પ્રત્યેની સજાગતામાંથી ક્રોધની લાગણીની બાદબાકી કરવાનું કહે છે.

ક્ષમાપના કરવી સહેલી નથી. સૉરી, માફ કરજો, ભૂલ થઇ ગઇ, મિચ્છા મિ દુક્કડં જેવા શબ્દો બોલી જવા સહેલા છે. મનથી ક્ષમાપના કરવી અઘરી છે. પોતાની ભૂલોની માફી માંગવા માટે અને બીજાની ભૂલોને માફ કરવા માટે માનસિક તૈયારી કરવી પડે છે. આપણું મન માફી માંગવા કે માફ કરવા જલ્દી તૈયાર થતું નથી. જીવન, પરિવર્તનની પ્રક્રિયા છે અને ક્ષમાપના પરિવર્તનની પ્રક્રિયા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા (કમિટમેંટ) છે. આ પ્રતિબદ્ધતા આપણે જ કેળવવી પડશે. ખરેખર જીવન બદલવું હોય તો પરિવર્તનનો પ્રારંભ કરવો પડશે. આ માટે નીચે સૂચનો આપ્યા છે.તેનો વિચાર કરી અમલમાં મૂકી જૂઓ. કામ થઇ જશે.

જીવનમાં ક્ષમાપનાની કિંમત અને મહત્ત્વ નક્કી કરો. તેને માટે સમયમર્યાદા બાંધો. જેમ કે-એક મહિનામાં ક્ષમાપનાનું મારા જીવનમાં સહુથી મહત્ત્વનું સ્થાન હશે. એક મહિનામાં હું ક્ષમાપના કરી જ લઇશ.

જ્યારે તમને કોઇનું વર્તન ખરાબ જણાયું કે કોઇના શબ્દોથી ખોટું લાગ્યું તે વખતની પરિસ્થિતિનો વિચાર કરો. તમે તે વખતે કેવું વર્ત્યા હતા? તમે શું માનીને ખોટું લગાડ્યું અને હકિકત શું હતી? તે વખતની પરિસ્થિતિ અને તમારું વર્તન આ બન્નેની તમારા જીવન પર, તમારી તબિયત પર, તમારી સારપ પર શું અસર થઇ? આ વિષે શાંતિથી વિચારો. તમને તમારી ભૂલ કે નબળાઇનો અહેસાસ થશે. આપણી ભૂલનો અહેસાસ મનને માફી માંગવા તરત તૈયાર કરે છે.

આટલો વિચાર કરીને તમને એમ લાગે કે મારું મન માફી માંગવા તૈયાર છે તો જેની સાથે મનદુઃખ થયું હોય તે વ્યક્તિની ક્ષમાપના કરવા તૈયાર થાઓ.

તમે કોઇની હેરાનગતીનો ભોગ બન્યા છો આ ભૂમિકામાંથી બહાર આવી જાવ. તમને પડેલી તકલીફનું કારણ બનેલ વ્યક્તિ કે સંજોગ તમારા મન પર સવાર થઇ ગયા છે. તેની ગુલામીમાંથી બહાર નીકળો. તમે જેવા જૂના અણબનાવને જતો કરશો તે જ ક્ષણથી તમારો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઇ જશે. પછી તમે એ નહીં જૂઓ કે મને કેટલાં, ક્યા અને કેવા દુઃખ આવ્યાં. મને કોણે અને કેવી રીતે હેરાન કર્યો. તમને પ્રેમ અને સમજણની દૃષ્ટિએ જીવનને મૂલવશો.

 ક્ષમાપનાની સપ્તપદી

(૧) સહુથી પહેલા જેમના કારણે તમે હેરાન થયા છો એવું તમને લાગે છે તેવી દરેક વ્યક્તિના નામ એક કાગળ પર લખો. તેમણે તમારી સાથે શું કર્યું અને તે કેમ યોગ્ય ન હતું તેની નોંધ બનાવો. આ નોંધ તમને તમારી જાત વિષે તમારી લાગણી વિષે ઘણી સ્પષ્ટતા આપશે.

(૨) એ વાતનો પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર કરો કે-આ ઘટના બની અને મને તેનાથી દુઃખ થયું.

(૩) દુઃખમાંથી બહાર આવવાનો દૃઢ નિશ્ચય કરો.

(૪) એ વાત ખાસ યાદ રાખો કે તમને કોઇપણ વાતનું દુઃખ થાય છે તેનું કારણ કોઇ વ્યક્તિ કે સંજોગ નથી પણ વ્યક્તિ કે સંજોગ વિષે તમે જે વિચારો છો તે વિચારો જ તમને દુઃખી કરે છે. તમારા મનમાં ચાલતા વિચારો પર તમારો કાબુ છે. તમે સંજોગોને ન બદલી શકો પણ વિચારોને બદલી શકો છો.

(૫) જ્યારે તમને એવું લાગે કે ભૂતકાળની ઘટના તમને પરેશાન કરી કહી છે ત્યારે તેની અસર શરીરને ન થાય તે માટે તણાવવિસર્જનના ઉપાય અજમાવો. જેમ કે ઉંડા શ્વાસ લો, સંગીત સાંભળો, કુદરતનું સાન્નિધ્ય માણો.

(૬) મનમાં સતત ભૂતકાળની ઘટનાના વિચાર ચાલતા હોય તો તેમાંથી બહાર આવવા તમને શું શું સારું મળ્યું છે તેના વિચાર કરતા રહો. જ્યાં સુધી સારું ન લાગે ત્યાં સુધી સતત આ વિચાર ચાલુ રાખો.

(૭) તમારા મનની શક્તિ નકારાત્મક ભાવનાઓમાં વેડફાઇ રહી છે. તેને બદલે તમારા મનની શક્તિનો તમે જીવનમાં પામવા ધારેલા લક્ષ્ય માટે ઉપયોગ કરો.

એ સમજી લો કે ક્ષમાપના તમારી વ્યર્થ જતી શક્તિને બચાવવાનો ઉત્તમ માર્ગ છે.

(સાભાર-LIFE 365 27/5/2016)