संगीत कला – प्रस्तुति

કળા માનવજીવનનું અને વ્યવહારનું મહત્ત્વનું અંગ છે. કળાનો સીધો સંબંધ માનવીના ભાવાત્મક સ્તર સાથે છે. દરેક કળા મહત્ત્વપૂર્ણ તત્ત્વ પર આધારિત હોય છે. જ્યારે કોઇ એક કળાને શાસ્ત્રીય રૂપ આપવામાં આવે ત્યારે તેને માટે નિયમો નક્કી કરવામાં આવે છે જે કળાનો મુખ્ય આધાર બને છે.

શાસ્ત્રોમાં ચોસઠ કળાનો ઉલ્લેખ છે. તેમાં લલિત કળાઓ માનવની કોમળ ભાવનાઓનું પ્રતીક છે. કાવ્યકળા, સંગીતકળા, ચિત્રકળા, મૂર્તિકળા અને શિલ્પકળા આ પાંચ લલિત કળાઓ છે.

સંગીત કળાની રસાનુભૂતિ અલૌકિક અને વિલક્ષણ હોય છે. તેનો અનુભવ થઇ શકે છે પરંતુ તેને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. કળા અને સૌંદર્ય એકબીજા સાથે જોડાયેલા છે. કેમ કે કળામાં રસ અને આનંદ હોય છે. મધુરતા અને કોમળતા સૌંદર્યના મૂળ તત્ત્વો છે. કળા દ્વારા તે અભિવ્યક્ત થાય છે. સાહિત્ય શાસ્ત્રમાં રસ પ્રસિદ્ધ છે. સંગીતમાં રાગ પ્રધાન છે. અને રાગ રસસ્વરૂપ છે.[१] રસ વિના કોઇ પણ પદાર્થની પ્રવૃત્તિ થતી નથી.[२] સંગીતનો રસ દરેકને આકર્ષે છે.[३] સંગીત બુદ્ધિનો નહી હૃદયનો વિષય છે.

વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ દ્વારા રસની નિષ્પત્તિ થાય છે. સ્થાયિભાવોના સ્પર્શ દ્વારા ચેતનાની સૂક્ષ્મ કે સ્થૂલ અભિવ્યક્તિ જ કળા બને છે. સંગીત દ્વારા રસની અને સૌંદર્યની અનુભૂતિ પ્રભાવી રીતે થાય છે માટે સંગીત શ્રેષ્ઠ કળા છે. રવીંદ્રનાથ ટાગોર કહે છે— કળા સૌંદર્યનું પ્રતીક છે. આત્માની પુકાર છે. કળા આત્માની અભિવ્યક્તિ છે. રવીંદ્રનાથ ટાગોર કહે છે— સંગીત, કળાનું પાવન સ્વરૂપ છે. તેથી સંગીત સૌંદર્યની સાક્ષાત્ અભિવ્યક્તિ છે.સારા કવિઓ સંગીતના માધ્યમે વિશ્વને અભિવ્યક્ત કરવા ચાહે છે.[४] પાબ્લો કૅસલ કહે છે— હૃદયને સુંદર અને કાવ્યાત્મક પદાર્થની અનુભૂતિ કરાવવા સંગીત એક પાવન માધ્યમ છે.[५]

गीतं नृत्यं च वाद्यं च त्रयं सङ्गीतमुच्यते।

સંગીત શબ્દની શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે ગીત, નૃત્ય અને વાદ્ય આ ત્રણ એકત્ર થાય ત્યારે સંગીત નીપજે છે. અહીં ગીત સ્વરૂપ અંગ સંગીત તરીકે અભિપ્રેત છે. ગીતનો મહિમા ગાતા સંગીતરત્નાકરમાં શાર્ઙ્ગદેવ કહે છે—

વિષયના રસથી અજ્ઞાત ઘોડિયામાં સૂતેલો રડતો બાળક પણ ગીત સાંભળીને ખુશ થાય છે.

વનમાં ફરતું હરણનું બચ્ચું પણ ગીત સાંભળવામાં મગ્ન બનીને પોતાના પ્રાણ આપી દે છે.

તે ગીતનો મહિમા કોણ કહી શકે? ગીત ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું એકમાત્ર સાધન છે.[६]

ગીતમાં રાગ પ્રધાન છે. જે શબ્દ સ્વર અને વર્ણથી વિભૂષિત થઇને લોકોના મનને રંજિત કરે તે રાગ. આ રાગની વ્યાખ્યા છે.[७]

સંગીત મનોવિજ્ઞાન

સંગીત માનસિક રોગોની દવા છે. વિશ્વભરમાં આ વિષે પ્રયોગ થયા છે એનાથી એ સાબિત થયું છે કે મનોરોગી, નાનાં બાળક, ગર્ભવતી માતા, પશુઓ અને વૃક્ષો પર સંગીતનો ધીમો પણ સકારાત્મક પ્રભાવ પડે છે. ચિકિત્સકો સંગીતને એક આવશ્યક ચિકિત્સા પદ્ધતિ રૂપે સ્વીકારતા અચકાય છે પરંતુ મોટા ભાગના નિષ્ણાત ડૉક્ટરોનું એમ માનવું છે કે- સંગીત નસો પરનો તણાવ દૂર કરવામાં સહાયક થાય છે અને મનની નકારાત્મકતા દૂર કરે છે. આથી સંગીતનો હવે વૈકલ્પિક ચિકિત્સા રૂપે ઉપયોગ થઇ રહ્યો છે.

મન પર સંગીતનો ગાઢ પ્રભાવ પડે છે. મન મનુષ્યનાં વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે. મનુષ્યના સુખ-દુઃખનો આધાર મન છે. મનુષ્યની ઉપલબ્ધિઓનો સ્રોત મન છે. મનુષ્યની તમામ આંતરિક ક્રિયાઓનો ઉદ્ગમ મનમાં થાય છે. મનોવિજ્ઞાનીઓ એમ માને છે કે- મનુષ્યના વ્યવહારનો એંશી ટકા હિસ્સો અવચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે. મનુષ્યના સકારાત્મક કે નકારાત્મક  વિચાર અવચેતન મનમાં રહે છે. અવચેતન મનમાં રહેલા વિચાર મનુષ્યના સફળતા કે નિષ્ફળતા વિષેના આત્મવિશ્વાસને દૃઢ અથવા નિર્બળ કરે છે. શરીરની જેમ મન પણ થાક અનુભવે છે.નકારાત્મક વિચારો દ્વારા મનને અત્યધિક શ્રમ પડે છે. મન થાકી જાય છે. શરીરની જેમ થાકેલાં મનને પણ ખોરાકની જરુર પડે છે. સંગીત મનનો ખોરાક છે. સંગીત દ્વારા મનને વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા મળે છે. સંગીતથી મન પુષ્ટ અને સમૃદ્ધ બને છે. મનુષ્યનું માનસિક સંતુલન ત્રણ ગુણો પર આધારિત છે— આનંદ, એકાગ્રતા અને આસ્થા. સંગીત આ ત્રણ ગુણોને પ્રભાવિત કરે છે. ઉપર કહ્યું તેમ સંગીત વર્ણવિન્યાસરૂપ છે. સૂરીલા સ્વર ધરાવતા ધ્વનિતરંગો કાનમાં પડે ત્યારે તેના સ્પંદનથી જ્ઞાનતંતુ પ્રભાવિત થાય છે. આ મધુર સ્પંદનો મગજમાં આનંદદાયક સંવેદના ઉત્પન્ન કરે છે. આનંદદાયક સંવેદનામાં મનને એકાગ્ર કરવાની શક્તિ છે. વિક્ષિપ્ત મન જ ચંચળ હોય છે. એકાગ્ર મન શરીરને વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. તેથી વિચારો સકારાત્મક બને છે. સકારાત્મક વિચારોથી આસ્થા ખીલે છે. સંગીત ધ્યાનનું પ્રવેશદ્વાર છે અને ધ્યાન ધર્મનું પ્રવેશદ્વાર છે. આમ સંગીત મનુષ્યનાં (માનસિક સંતુલનને) મનદુરસ્ત બનાવી રાખવામાં બહુ ઉપયોગી છે.

સંગીત મનુષ્યનાં મગજમાં એવા તરંગ ઉત્પન્ન કરે છે જેનાથી માનસિક શાંતિ મળે છે. સંગીત સાંભળવાથી ચિંતા, ગભરામણ, ચિડિયાપણું, ક્રોધ, આવેશ જેવા લક્ષણ ધરાવતા દરદીને ઘણો આરામ મળે છે. સંગીત અવસાદ (ડિપ્રેશન)થી બચાવે છે. ચિકિત્સકોના કહેવા મુજબ સંગીત તણાવ (સ્ટ્રેસ) દૂર કરી કાર્યક્ષમતા વધારે છે. હવે ડૉક્ટરો પોતાની એકાગ્રતા અને કાર્યક્ષમતા વધારવા ઑપરેશન થિયેટરમાં પોતાને ગમતા સંગીતની ધૂન સાંભળે છે. ડૉક્ટરોનું માનવું છે કે-સંગીતના ઉપયોગથી ઑપરેશનની સફળતાનો દર વધે છે. સંગીતના પ્રયોગથી શારીરિક બિમારી દૂર થતી જોવા મળે છે. આથી જ સંગીતને રોગ નિવારક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ (ઑલ્ટરનેટિવ થેરપી) રૂપે જોવામાં આવે છે. દવાની સાથે સંગીત ચિકિત્સા (મ્યૂઝિક થૅરપી)નો પ્રયોગ કરવાથી અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થયા છે. પ્રયોગ દ્વારા સંગીતના લાભ સિદ્ધ થયા છે. એક, સંગીત સાંભળવાથી તણાવ ઓછો થાય છે. બે, સંગીત સાંભળવાથી એકાગ્રતા વધે છે. ત્રણ, સંગીત સાંભળવાથી યાદશક્તિ વધે છે. ચાર, લોહીનું દબાણ (બ્લડપ્રેશર) કાબૂમાં રહે છે. પાંચ, શરીરનું અને મનનું ઉતાવળીયાણું ઘટે છે. છ, સ્વભાવગત ચિડિયાપણું ઓછું થાય છે.

માનવેતર સૃષ્ટિ પર સંગીતનો પ્રભાવ

સંગીતસમ્રાટ તાનસેન જે બાગમાં બેસીને ગાતા ત્યાં કળીઓ ખીલીને ફૂલ બની જતી. સંગીતની અદ્ભુત શક્તિ વૃક્ષોને પણ પ્રભાવિત કરે છે. સંગીતની સ્વરલહરીઓ વૃક્ષનાં નાડીતંત્રમાં હલચલ પેદા કરે છે તેમ જ ન્યુક્લીયસનું સંચાલન કરે છે. તેનાથી વૃક્ષોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. સંગીતથી વૃક્ષ-વનસ્પતિ ઝડપથી પલ્લવિત થાય છે.

વનસ્પતિ પર સંગીતની શું અસર થાય છે એ તપાસવા જગદીશચંદ્ર બૉઝે પંડિતજી શ્રી ૐકારનાથ ઠાકુરને પોતાની પ્રયોગશાળામાં આમંત્રિત કર્યા. વનસ્પતિને યંત્રો લગાવવામાં આવ્યા. પંડિતજીએ તેની સમક્ષ ભૈરવી ગાઇ.ગાયન પછી વનસ્પતિમાં નવી ચમક આવી હતી. તે યંત્રમાં નોંધાયું એટલું જ નહિ ત્યાં ઉપસ્થિત લોકોએ પણ જોયું. મધુર સ્વર સાંભળીને વનસ્પતિના પ્રૉટોપ્લાઝ્મ કોષમાં રહેલું ક્લોરોપ્લાસ્ટ વિચલિત અને ગતિમાન થાય છે.

દક્ષિણની અન્નામલાઇ યુનિવર્સિટીમાં કેટલાક છોડ ઉપર સંગીતની અસરનો પ્રયોગ કરવામાં આવ્યો. તેનો નિષ્કર્ષ એ આવ્યો કે –સંગીત સાંભળવાથી છોડની વૃદ્ધિ સવાઇ ગતિએ થઇ. અમેરિકાની વિસ્કોન્સીન પરગણામાં આર્થરલાકર નામના ખેડૂતે ફૂલોના છોડ પર વાદ્ય-સંગીતની અસરનો પ્રયોગ કર્યો. તેનાથી ફૂલો જલ્દી ખીલતાં અને વધુ સમય તાજાં રહેતાં. ભારતમાં ડૉ. ટી. એન. સિંહ નામના વૈજ્ઞાનિકે સંગીતના ઉપયોગથી સરસવ, ચણા, ઘઉં, શેરડી, ચોખા, જેવા ધાન્ય, ફળ અને બીજના પાકમાં વૃદ્ધિ થાય છે તેવું તારણ કાઢ્યું. રોજ ત્રીસ મિનીટ સુધી ઉચ્ચ અને તીવ્ર ધ્વનિતરંગ ધરાવતા સંગીતથી પાકમાં વૃદ્ધિ થાય છે.

માત્ર વનસ્પતિ પર જ નહિ પરંતુ પશુઓ પર પણ સંગીતની અસર થાય છે. પશુઓ પણ સંગીતનો રસ માણે છે.[८] ફ્રાંસના પ્રાણિશાસ્ત્રી વાસ્તોવ આન્દ્રેએ ગલચર, સ્થલચર અને ખેચર પ્રાણિઓ પર વિભિન્ન ધ્વનિપ્રવાહ ધરાવતી સ્વરલહરીઓની શું અસર થાય છે તે તપાસવા તેમ જ તેમની પ્રતિક્રિયા શઉં હોય છે તેનું ગહન સંશોધન કર્યું. તેનો નિષ્કર્ષ એ આપ્યો કે – સંગીત દરેક જીવના મગજ અને નાડીસંસ્થાન પર આશ્ચર્યજનક પ્રભાવ પાડે છે. સંગીત જો તેમની પ્રકૃતિ અને મનઃસ્થિતિને અનુરૂપ હોય તો તેમને માનસિક પ્રસન્નતા અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. વિદેશની કેટલીક ગૌશાળાઓમાં ગાયને દોહવાના સમયે સંગીત સંભળાવવામાં આવે છે. તેથી ગાય દૂધ વધુ આપે છે.

સંગીતમાં ચમત્કારી શક્તિ છે. સંગીતનો પ્રભાવ કેવળ મનુષ્યો પર નહિ પરંતુ પશુ પક્ષી અને વૃક્ષ-વેલ પર પણ પડે છે. સંગીત માત્ર મનોરંજનનું સાધન તરીકે નહિ પરંતુ રોગ નિવારક ચિકિત્સા પદ્ધતિ રૂપે પણ જોવાય છે.અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રૅલિયા જેવા વિકસિત દેશોમાં મ્યૂઝિક થૅરપી સેંટર તેના ઉદાહરણ છે.

સંગીતના લાભ

૧) સંગીત વ્યક્તિત્વના સર્વાંગીણ વિકાસમાં સહાયક છે. સંગીત સૃજનાત્મક શક્તિ (ક્રિએટિવિટી)નો વિકાસ કરે છે.

૨) સંગીત અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ છે. સંગીત હૃદયના ભાવને વહેતા કરી શકે છે, સશક્ત રીતે રજૂ કરી શકે છે

૩) સંગીત માનસિક વિકાસમાં સહાયક છે. આ વાત પ્લેટોએ હજારો વર્ષ પહેલા જાણી લીધી હતી. ‘સંગીત આત્માનું સૌંદર્ય છે. સંગીત માનસિક વ્યાધિનું ઔષધ છે. સંગીત આત્માનો ખોરાક છે.’ પ્લેટોએ પોતાના પાઠ્યક્રમમાં સંગીતને મુખ્ય સ્થાન આપ્યું હતું. તેનું માનવું હતું કે- આત્માનો પરિષ્કાર કરવા સંગીતનું શિક્ષણ અનિવાર્ય છે.

૪) સંગીતથી બૌદ્ધિક વિકાસ થાય છે. સંગીત એક જટિલ, શાસ્ત્રીય અને ટેકનિકલ વિષય છે. સંગીત પુસ્તકની વિદ્યા નથી, કર્ણવિદ્યા છે. સંગીત શીખવા માટે આંખ, કાન અને સ્પર્શ આ ત્રણે ઇંદ્રિયોના સહિયારા પ્રયાસની જરુર રહે છે. આ ત્રણે ઇંદ્રિયો વચ્ચેનું સાયુજ્ય સંગીત દ્વારા સધાય છે. સંગીત દ્વારા ચિંતન શક્તિ વધે છે, ચિત્તની એકાગ્રતા વધે છે.

૫) સંગીત શારીરિક વિકાસમાં સહાયક છે. સંગીતથી ફેફસાને વ્યાયામ મળે છે. પ્રાણાયામના જેટલા લાભ છે તે બધા જ સંગીતથી મળે છે.

૬) સંગીત સામાજિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક વિકાસમાં સહાયક છે. સંગીત કેવળ મનોરંજનનું સાધન નથી. સંગીત પરસ્સરને જોડે છે. સંગીતથી મૈત્રીની સરિતા પ્રવાહિત થાય છે. સંગીત સમાજને શીલ, વિનય, સંયમ અને નિયમના પાઠ શીખવે છે. સંગીત તમામ ભૌગોલિક અને રાજનૈતિક સીમાઓને પાર કરીને એકતાની ભાવનાનું નિર્માણ કરે છે. ()

જે બાળકો નાનપણમાં સંગીત શીખે છે તેઓ આગળ જઇને ઘણા વિષયોના જાણકાર બની શકે છે. સંગીત બાળકોમાં મહેનત (Hard work), અભ્યાસ (Practice) અને શિસ્ત(Discipline) લાવે છે. સંગીત ગુરુમુખી વિદ્યા છે. બીજી વિદ્યાઓ કદાચ ગુરુ વિના પુસ્તકની સહાયતાથી શીખી શકાય પણ સંગીત સાંભળીને જ શીખી શકાય છે. સંગીતની દુનિયામાં કહેવાય છે—તાનસેન બનવા માટે કાનસેન બનવું પડે છે. સંગીત બાળકોને સારા શ્રોતા બનાવે છે. સંગીતથી બાળકોનો આત્મવિશ્વાસ વધે છે. (LIFE 365 6/2/2016)

સંગીત અને અધ્યાત્મ

ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ પ્રધાન છે તેથી ભારતીય કળાઓનું ઉદ્દેશ્ય પણ અધ્યાત્મથી સંલગ્ન છે. કળાનું અંતિમ લક્ષ્ય સંસારથી પર થઇ મુક્તિ પામવાનું છે. દરેક કળાનો ઉદ્દેશ પરમ આનંદની પ્રાપ્તિ છે. આનંદની પ્રાપ્તિ કેવળ રચનાકારને નહિ પરંતુ શ્રોતા અને દર્શકને પણ થવી જોઇએ. જે કળા અધ્યાત્મને પોષે તે જ સાચી કળા છે. અધ્યાત્મ વિનાની કળા નિમ્ન કોટિની ગણાઇ છે. જે કળાની વિશ્રાંતિ ભોગમાં થતી હોય તે કળા નથી. જેના દ્વારા આત્મા પરમ આનંદમાં લીન બને તે સાચી કળા છે.[९] કળાની ગહરાઇનો સાધક કલાકાર નિર્દ્વન્દ્વ દશાનો અનુભવ કરે છે. પરમ આનંદમાં લીન બને છે. રવીંદ્રનાથ ટાગોર કહે છે— સંગીત દ્વારા જ મને એ બોધ થયો કે મુક્તિ મારી છે. હું એ મુક્તિનો અનુભવ કરી શકું છું. સંગીતના માધ્યમે હું દેહ અને મનથી બહુ દૂર ચાલ્યો જઉં છું. મારાપણું ભૂલી જઉં છું. સંગીત સહજપણે મને લૌકિક બંધનોથી ઉપર ઉઠાવે છે. હું ત્યાં પહોંચી જઉં છું જ્યાં પરમ તત્ત્વની અનુભૂતિ થાય છે.[१०]

અષ્ટાપદ પર્વત ઉપર ભગવાન સમક્ષ વીણા વગાડતા રાવણ એવી ઉચ્ચ દશામાં પહોંચી ગયા જે કેવળ તીર્થંકરના આત્માને જ પ્રાપ્ત થઇ શકે. સંગીતમાં તીર્થંકરનામકર્મ ઉપાર્જિત કરાવવાની તાકાત છે. શ્રી તીર્થંકર પરમાત્મા માલકંસ રાગમાં જ દેશના આપે છે તે પૂરવાર કરે છે કે સંગીત અને અધ્યાત્મનો ગાઢ સંબંધ છે.

ભારતીય સંસ્કૃતિ આદિકાળથી જ આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કારોથી યુક્ત રહી છે. ભારતીય સભ્યતામાં સંગીતનો જન્મ અને વિકાસ ભક્તિભાવનાથી થયો છે. ભારતીય સભ્યતામાં સંગીતને ભક્તિભાવનાનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે.

સંગીત ક્ષેત્રે શ્રમણોનું પ્રદાન

જૈન શ્રમણો નિર્ગ્રંથ જીવન જીવે છે. રાગ પોષાય તેવા કાર્યથી તેઓ જાગૃતિપૂર્વક દૂર રહે છે. લોકરંજન માટે ગવાતું સંગીત શૃંગાર પ્રધાન હોવાથી તેઓ તેને વર્જ્ય ગણે તે સહજ છે. જૈન શ્રમણોએ વીતરાગતા પોષાય તે માટે સંગીતના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

જૈન શ્રમણો દ્વારા રચિત આઠ જેટલા સંગીતગ્રંથોની નોંધ મળે છે.

૧) સંગીતસમયસાર : આના કર્તા શ્રી પાર્શ્વચંદ્ર નામના દિગંબર મુનિ છે. તેની રચના વિક્રમની તેરમી સદીમાં થઇ છે. આ ગ્રંથ ત્રિવેંદ્રમ સંસ્કૃત ગ્રંથમાલામાં છપાયો છે.

૨) સંગીતોપનિષદ્ : આના કર્તા આ.શ્રી રાજશેખરસૂરિજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી સુધાકળશ છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૩૮૦માં થઇ છે. આ ગ્રંથ સયાજીરાવ ગાયકવાડ ઑરીએંટલ સીરીઝમાં છપાયો છે.

૩) સંગીતોપનિષત્ સારોદ્ધાર : આના કર્તા પણ આ.શ્રી રાજશેખરસૂરિજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી સુધાકળશ છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૪૦૬માં થઇ છે. તે અમુદ્રિત જણાય છે. તેમાં ૬૧૦ શ્લોક છે. પૂ. મુ.શ્રી ચતુર વિ. મ.ના મતે સંગીતમકરંદ અને સંગીતપારિજાત કરતા આ ગ્રંથ મહત્ત્વનો છે.

૪) વીણાવાદન : આના કર્તા ઉપકેશ ગચ્છના આ.શ્રી દેવગુપ્તસૂરિજી છે. તેમને વીણા વગાડવી પ્રિય લાગતી. તે અમુદ્રિત જણાય છે.

૫) સંગીતમંડન : આના કર્તા જૈન ગૃહસ્થ મંડનમંત્રી છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૪૯૦માં થઇ છે.

સંગીતદીપક, સંગીતરત્નાવલી અને સંગીતસહ પિંગલ આ ત્રણ ગ્રંથના નામ મળે છે પણ વિશેષ માહિતી મળતી નથી.

આ ગ્રંથો સંગીતના શાસ્ત્રીય પક્ષને પ્રસ્તુત કરે છે. આ ઉપરાંત જૂની ગુજરાતીમાં સાધારણ લોકો પણ સમજી શકે તેવી ભાષામાં આનુષંગિક રૂપે સંગીતની માહિતી પીરસતી કૃતિઓ પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે માંડવીના હસ્તપ્રત ભંડારમાં ૨૭૦મી હસ્તપ્રતમાં (પત્રાંક ૨૫-બ, પ્રતનામ-દેવભદ્રયશોભદ્રરાસ આદિ) છ પ્રકારના પદાર્થોના નિરૂપણ પ્રસંગે છ રાગ તથા છત્રીસ રાગિણીઓનું સામાન્ય વર્ણન જોવા મળે છે. અહીં મૂળ છ રાગના મહિના, ગાવાનો સમય, ક્યો રાગ ક્યારે ન ગાવો તેનું વર્ણન છે.

કોડાયના હસ્તપ્રત ભંડારમાં એક હસ્તપ્રત છે. ( ક્રમાંક-૧૦૮૨) તેમાં શ્રીસ્થૂલભદ્રજીના શીલનું મહિમાગાન છે. તેના કર્તા અંચલગચ્છના શ્રીજ્ઞાનસાગરજીમ છે.(સમય-અઢારમી સદી) આ કૃતિમાં સાહિત્યમાં વર્ણવેલા શૃંગાર વગેરે આઠ રસના ગીત આઠ શાસ્ત્રીય રાગમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. અહીં કવિએ શૃંગાર રસ માટે કેદાર રાગ, હાસ્ય રસ માટે ગોડી રાગ, કરુણ રસ માટે કાફી રાગ, રૌદ્ર રસ માટે મારુ રાગ, વીર રસ માટે આશાવરી રાગ, ભયાનક રસ માટે કેદાર રાગ, બીભત્સ રસ માટે બંગાલો રાગ, અદ્ભુત રસ માટે બિહાગડો રાગ અને શાંત રસ માટે ધનાશ્રી મિશ્ર મેવાડો રાગ પ્રયોજ્યા છે. આ કૃતિ પ્રાયઃ મુદ્રિત છે. સ્થૂલભદ્ર નવરસોના નામે આવી અન્ય કૃતિ મળે છે. તેના કર્તા ઉપા.શ્રી ઉદયરત્નવિ.મ. અને પં. શ્રીદીપવિજયજી મ. છે.

ઉજ્જૈનમાં આ.શ્રીચંદ્રસાગરસૂ.જ્ઞાનમંદિરમાં હસ્તપ્રતમાં ઓગણીસમી સદીમાં થયેલા લુંકાગચ્છના ગિરધર ઋષિના શિષ્ય સુખદેવજીએ રચેલ પદ્ય કૃતિઓની હસ્તપ્રત મળે છે. (ક્રમાંક-૨૨૧૨) તેમાં પ્રાતઃકાલીન શ્રીપાર્શ્વનાથ પ્રભુસ્તવન, પાર્શ્વદેવ ગાર્હસ્થ્યસ્તવન, પાર્શ્વજિન વસંતક્રીડાસ્તવન, પાર્શ્વજિન દીક્ષાપદ, પાર્શ્વજિન છદ્મસ્થપદ, પાર્શ્વજિન જ્ઞાનાવસ્થાપદ જેવી કૃતિઓ જોવા મળે છે.

ઉજ્જૈનમાં આ.શ્રીચંદ્રસાગરસૂ.જ્ઞાનમંદિરમાં તાનસેન રચિત રાગમાલા કવિત્ત નામની એક પત્રની પ્રત મળે છે. (ક્રમાંક-૩૧૬૦) અંતમાં જલાલુદ્દીનનો ઉલ્લેખ છે. આ કૃતિમાં રાગોના નામ દર્શાવ્યા છે.

રાગમાલા

ઇતિહાસ અનુસાર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા વિક્રમની બારમીથી સોળમી સદી સુધી શાસ્ત્રીય સંગીતની પરંપરાને ઘણા આઘાત પહોંચ્યા. બાદશાહ અકબરના સમયમાં શાસ્ત્રીય સંગીતનો વિકાસ થયો. વિક્રમની પંદર-સોળમી સદીમાં પુષ્ટિમાર્ગનો ઉદય થયો. આ વૈષ્ણવ સંપ્રદાયે સંગીતને માધ્યમ બનાવી ભક્તિમાર્ગનો પ્રસાર કર્યો. મહાપ્રભુ વલ્લભાચાર્યે નવધા ભક્તિમાં કીર્તનનો સમાવેશ કર્યો. પુષ્ટિમાર્ગીય સેવાવિધિમાં આઠ પ્રહરની ઝાંખી (આંગી)ને અનુરૂપ પદોનું ગાયન થતું. અષ્ટછાપના કવિઓ મહાન સંગીતજ્ઞ હતા. તેમાંના હરિદાસ પાસે તાનસેન શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા. આ કવિગણે શ્રીકૃષ્ણની દિનચર્યા રાસ, હોળી જેવા પ્રસંગને અનુરૂપ પદો રચ્યા છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત બન્ને પ્રકારના સંગીતમાં પદો અને ગીતો પ્રચલિત કર્યા. પુષ્ટિમાર્ગની અસરમાં ઘણા જૈનો વૈષ્ણવ થવા લાગ્યા. તે જોઇ ઉપા. શ્રી સકલચંદ્રજીમ., પંડિત શ્રી વીરવિજયજીમ., પંડિત શ્રી રૂપવિજયજીમ., પંડિત શ્રી પદ્મવિજયજીમ. વગેરે મુનિવૃંદે પૂજાઓ બનાવી. પૂજાની દેશી (એટલે ગાવાની ઢબ, તર્જ) લોક સંગીતમાં હતી તેથી જલદી લોકજીભે ચઢી ગઇ. તે સાથે જ શાસ્ત્રીય સંગીત આધારિત રચનાઓ પણ અગણિત થઇ પરંતુ દુર્ભાગ્યે તે પ્રચલિત ન થઇ. શ્રી આનંદઘનજી મ.ના પદો શાસ્ત્રીય રાગમાં છે પણ તે વિરક્તિ પ્રધાન હોવાથી તેમને સંગીતની દૃષ્ટિએ તેમને ન જોવાયા. આથી એક મિથ્યા અવધારણા પ્રચલિત થઇ કે જૈનો પાસે શાસ્ત્રીય સંગીત નથી. રાગમાલા ઉપનિષદ્ જોતા આ અવધારણા મિથ્યા સાબિત થાય છે.

આ સંગ્રહનું રાગમાલા ઉપનિષદ્ એ નામ પણ સાર્થક છે. કેમ કે રાગ ગુરુની પાસે બેસીને જ પ્રાપ્ત કરવા યોગ્ય (उप +नि + सद् ) છે. રાગકોશમાં ૧૪૩૮ રાગોનું વિવરણ મળે છે. તેમાંથી હાલ બસો રાગો જ પ્રચલિત છે. પચાસ કે સાઇઠ ગવાય છે. રાગમાલા ઉપનિષદ્-માં ૮૬ શાસ્ત્રીય રાગો ઉપલબ્ધ થાય છે.

રાગમાલા ઉપનિષદ્-નાં સંપાદન દ્વારા પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્ય પરિવારે પ્રભુભક્તિ અને શ્રુતભક્તિની સાથે સંગીતની વિલુપ્ત થતી પરંપરાને પુનર્જીવન પ્રદાન કર્યું છે. સંપાદકનું કર્મ મરજીવા સમું છે. મરજીવો જાનના જોખમે શ્વાસ રોકીને સમંદરની ગહરાઇમાં જઇ મોતી ગોતી લાવે તેમ સંપાદક શ્રુતસાગરના તળિયે જઇ દુર્લભ શાસ્ત્ર શોધી સાધકોને સુલભ કરી આપે છે. સાધકો માટે કઠિન તપસ્યા સમું આ વ્રત આદરવા માટે તેમને અભિવંદન અને અભિનંદન.

 – પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્

વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્ય

વૈરાગ્યરતિવિજય

[१] रसात्मकः रागः

[२] न हि रसादृते कश्चिदर्थः प्रवर्तते।

[३] सङ्गीतं कं न मोहयेत्?

[४] The art is all media of artistic self expression through the language of words, sounds, lines and colors Music is the purest form of arts and therefore the most direct expression of Beauty. There the true poets seek to express the universe in terms of Music. (Rabindra Nath Tagore, Sadhana London, 1961)

[५] Music is the divine way to tell beautiful, poetic things to the heart.

[६] अज्ञातविषयास्वादो बालः पर्यङ्किकां गतः। रुदन् गीतामृतं पीत्वा हर्षोत्कर्षं प्रपद्यते॥१.२८॥

वनेचरस्तृणाहारश्चित्रं मृगशिशुः पशुः। लुब्धो लुब्धकसङ्गीते यच्छति जीवितम् ॥१.२९॥

तस्य गीतस्य माहात्म्यं के प्रशंसितुमीशते। धर्मार्थकाममोक्षाणामिदमेवैकसाधनम्॥१.३०॥

[७] रञ्जकस्वरसन्दर्भो गीतमित्यभिधीयते। शार्ङ्गदेव

योऽयं ध्वनिविशेषस्तु स्वरवर्णविभूषितः। रञ्जको जनचित्तानां स रागः कथितो बुधैः॥

[८] पशुर्वेत्ति पशुर्वेत्ति वेत्ति गानरसं फणी।

[९] विश्रान्तिर्यस्य सम्भोगे सा कला न कला मता। लीयते परमानन्दे ययात्मा सा परा कला॥

[१०] રવીંદ્ર સંગીત, શાંતિદેવ ઘોષ, વિશ્વભારતી ગ્રંથાલય, કોલકાતા