उपशमनी आरती – वैराग्यरतिविजय गणि

 

તત્ત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં પૂ.આ.ભ.શ્રી ઉમાસ્વાતિજી મ. એ ક્ષમા કરવા માટે પાંચ સૂત્રો આપ્યા છે. (સૂત્ર-૬) કોઇ વ્યક્તિ આપણી પર ક્રોધ કરે તો આપણને ક્રોધ આવે છે. કોઇ આપણા દોષ બતાવે તો આપણે ગુસ્સો કરીએ છીએ. કોઇ આપણી ભૂલ બતાવે તે આપણે નારાજ થઇ જઇએ છીએ. કોઇ પીઠ પાછળ આપણી નિંદા કરે તો આપણને ગમતું નથી. ગુસ્સો કરવો, અણગમો થવો, સહનશક્તિનો અભાવ, અસહિષ્ણુતા આ બધા ક્રોધના જ પ્રકાર છે. ક્રોધ કરવાથી મનની શાંતિ હણાય છે. ક્રોધનો જવાબ ક્રોધથી જ અપાય તેવી આપણી ધારણા બની ગઇ છે.

ભગવાન કહે છે ક્રોધનો જવાબ ક્ષમાથી આપી શકાય. કરુણાથી આપી શકાય. પ્રેમથી આપી શકાય છે. ક્ષમા કે પ્રેમની ભાવના વિચાર કરવાથી કેળવી શકાય છે. મનમાં ક્રોધ જાગે ત્યારે વિચારશક્તિ બંદ પડી જાય છે. આ મોટી નબળાઇ છે. મનમાં ક્રોધ જાગે અને વાણી કે વ્યવહારથી તેનો અમલ કરીએ બે ઘટના વચ્ચે સમયગાળો હોય છે. તેમાં કરૂણા સક્રિય કરે તેવી વિચારધારા ઉત્પન્ન કરીએ તો ક્રોધથી બચી શકાય છે.

મનમાં ક્રોધ જાગી જાય ત્યારે શું શું વિચાર કરવા તેનું માર્ગદર્શન તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાંથી મળી રહે છે. ઉમાસ્વાતિજી મ.એ વિચારવા માટે પાંચ મુદ્દા આપ્યા છે.

(૧) કોઇ વ્યક્તિ આપણી ભૂલ બતાવે કે દોષ બતાવે ત્યારે આપણને તેની ઉપર ગુસ્સો આવે છે. (ભૂલ છે કે નહિ? તે મહત્ત્વનું નથી કોઇ મને ખરાબ કેમ કહે? આ ભાવના મહત્ત્વની બની જાય છે) આપણી ભાવનાઓ આહત થાય છે. આપણું અભિમાન ઘવાય છે. અને વિફરેલું અભિમાન ક્રોધની પ્રતિક્રિયાને જન્મ આપે છે. પાયાની વાત વિચારવાની રહી જાય છે કે ખરેખર આપણી ભૂલ છે કે નહિ? જો આપણે ભૂલ કરી છે તો સામી વ્યક્તિ ખોટું નથી કહેતી. તો તેની પર ગુસ્સો શું કામ કરવો?  ધારો કે તે આપણને ઉતારી પાડવા જે આપણે કરી જ નથી તે ભૂલ બતાવે છે. આ સંયોગમાં જો આપણે ભૂલ કરી જ નથી તો તેના માટે ગુસ્સે થવાની શી જરૂર? આમ, કોઇ ભૂલ બતાવે ત્યારે ક્રોધ કરવાને બદલે ખરેખર મારી ભૂલ છે કે નહિ? તે વિચાર કરવો. સંસ્કૃતમાં એક કહેવત છે. પથ્થર લાગે ત્યારે કૂતરો પથ્થરને જોશે સિંહ આ પથ્થર ક્યાંથી આવ્યો તે જોશે. કોઇ ક્રોધ કરે ત્યારે સાધારણ માણસ વ્યક્તિના ક્રોધને જોશે. બુદ્ધિમાન માણસ પોતાની ભૂલ વિષે વિચાર કરશે. બુદ્ધને એક વ્યક્તિએ ઘણી ગાળો આવી. બુદ્ધ શાંત રહ્યા. કોઇએ પૂછ્યું, ‘તમે આટલી ગાળો કેવી રીતે સાંભળી શકો છો? તમને કંઇ થતું નથી?’ બુદ્ધે સામો પ્રશ્ન કર્યો,’કોઇ વ્યક્તિ તમને કોઇ વસ્તુ આપે અને તેમને તે ન સ્વીકારો તો શું થાય?’  પ્રશ્નકારે કહ્યું, ‘તે પાછી લઇ જાય.’ બુદ્ધે કહ્યું  ‘બસ! હું એ જ કરું છું. આ માણસ જે બોલે છે. તેમાં જેટલું મારા માટે સાચું છે તે લઇ લઉં છું, બાકીનું તેને પરત કરું છું. તેને મારા વિષે સાચી માહિતી નથી એમ માની તેને માફ કરી દઉં છું.’

(૨) ક્રોધ કરવાથી ફાયદો થતો નથી, નુકસાન જ થાય છે- આ વાતની પ્રતીતિ કરવી. મનમાં ક્રોધ જાગે ત્યારે વિચારવું-ક્રોધ કરવાથી મને ફાયદો થશે કે નુકસાન? ક્રોધની સામે ક્રોધ કરવાથી દેખીતી રીતે ફાયદો થતો જણાય પણ તેમાં જીત તમારી નથી હોતી ક્રોધની જ થાય છે. નાના ગુંડાના ત્રાસમાંથી બચવા મોટા ગુંડાને બોલાવો તો જીત ગુંડાગિરીની જ થાય છે. ક્રોધથી થતો ફાયદો પણ સરવાળે ફાયદો નથી.

ક્રોધથી અણગમો થાય, નાના મોટાનું વિવેકભાન ભૂલાય, આપણે કોણ છીએ?  કેવા છીએ?  તે ભૂલાઇ જવાય. ક્રોધની અવસ્થામાં માણસનો પશુ બહાર આવી જાય છે. ગીતામાં ક્રોધના નુકસાનો વર્ણવ્યા છે – મનમાં ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે ભ્રમ ઉત્પન્ન થાય છે. સાચા ખોટાનો વિવેક કરવાની બુદ્ધિ રહેતી નથી. (સંમોહ)  આપણા મનમાં સારાં વિચારો/સારી ભાવનાઓ પડી હોય છે. આપણે જાણીએ છીએ કે ક્રોધ કરવાનો નથી છતાં તે બધી વાતો ભૂલાઇ જાય છે. (સ્મૃતિવિભ્રમ) જ્યારે આપણું મન સારી વાતોને ભૂલી જાય છે ત્યારે બુદ્ધિ કામ કરતી બંદ થઇ જાય છે. (બુદ્ધિનાશ) જે ક્ષણે માણસનું મગજ કામ કરતું બંદ થઇ જાય છે તે ક્ષણે માણસ જીવતે જીવત મરી જાય છે.ક્રોધ આવે તે પહેલા જ ક્રોધથી થતા નુકસાનોને યાદ કરતા રહેવું.

(૩) કોઇ વ્યક્તિ આપણા વિષે ખરાબ બોલે કે આપણી બદનામી કરે ત્યારે આપણને ક્રોધ જાગે છે. આપણે ક્રોધની સામે પ્રતિક્રોધ કરીએ છીએ. આપણે વ્યક્તિલક્ષી બની જઇએ છીએ. આપણું મન નકારાત્મક વિચારોથી ભરાઇ જાય છે. આ સમયે આપણને સહુથી વધારે જરૂર હકારાત્મક વિચારોની હોય છે. તાવ ચઢે ત્યારે ડૉક્ટર તેના કારણ દૂર કરવાની દવા આપતા પહેલા તાવ ઉતારવાની દવા આપે છે.

આપણા મનમાં આપણને ગુસ્સે કરનાર વ્યક્તિ વિષે નકારાત્મક વિચારો આવે છે. આ સમયે તે વ્યક્તિના અજ્ઞાન વિષે વિચાર કરવો. કોઇ માણસ આપણી પીઠ પાછળ આપણી નિંદા કરે છે ત્યારે આપણે એ વિચારવું નાદાન માણસોનો સ્વભાવ જ એવો હોય છે. એ મારી પીઠ પાછળ મારી નિંદા કરે છે મને મોંઢામોઢ પર ગાળ નથી આપતો ને? જે વ્યક્તિ મોંઢામોઢ પર ગાળ આપે ત્યારે વિચારવું કે – નસીબદાર છું મારે ફક્ત ગાળ જ સાંભળવી પડી માર તો ન પડ્યો. ક્રોધમાં અંધ માણસ તો હાથાપાઇ પણ કરી લે. કોઇ મારી બેસે તો વિચારવું કે એણે ભલે માર્યું છે, મારા પ્રાણ તો નથી લીધા ને? કદાચ કોઇ ખૂન પણ કરી નાંખે તો વિચારવું કે – મને મારા ધર્મથી તો ભ્રષ્ટ નથી કરતો ને? આપણા મનમાં કચરો ભરવો કે ફૂલ ભરવા એ આપણા હાથમાં છે. કચરો ભરીશું તો દુર્ગંધ આવશે ફૂલ ભરીશું તો સુગંધ આવશે. પસંદગી આપણે કરવાની છે.

સંત તુકારામની પત્ની કર્કશા હતી. એકવાર પત્નીએ તેમને બજારમાં લાકડી લેવા માટે મોકલ્યા. લાકડી તો ન મળી તુકારામ શેરડીના સાંઠો લઇને આવ્યા. પત્ની ગુસ્સે થઇ ગઇ. એ શેરડીના સાંઠાથી જ પત્નીએ તુકારામની પીઠ પર ઘા કર્યો. તુકારામે પત્નીને ધન્યવાદ આપ્યો ‘સારું થયું. મને શેરડી તોડવી પડત તે મહેનત બચાવી લીધી.’

(૪) આપણને ક્રોધ એટલા માટે આવે છે કે કોઇ આપણું ખરાબ કરે છે પાયાનો પ્રશ્ન એ છે કે -આ દુનિયામાં કોઇ પણ વ્યક્તિ પાસે તમારું ખરાબ કરવાની તાકાત નથી. તમારા જીવનમાં જે કઇ પણ સારું કે ખરાબ થાય છે. તેનું એકમાત્ર કારણ તમારું સારું કે ખરાબ કર્મ છે. કોઇ લાખ ચાહે પણ તમારું પુણ્ય જાગતું હોય તો તમારું ખરાબ કરી શકશે નહીં. ઉપરથી તમારું ખરાબ થવાને બદલે સારું જ થાય. ધવલ શેઠે શ્રીપાલ રાજાને બરબાદ કરવા સમુદ્રમાં ધકેલી દીધા. શ્રીપાળ રાજાનું મૃત્યુ તો ન થયું, ઉપરથી તેમને નવું રાજ્ય મળ્યું.ઉપા.શ્રીવિનયવિજયજી મ.એ શ્રીપાળરાજાના રાસમાં સરસ શીખ આપી છે-

કરે કષ્ટમાં પાડવા દુર્જન કોટિ ઉપાય,

પુણ્યવંતને તે સવિ સુખના કારણ થાય.

આપણા જીવનમાં કંઇ પણ ખરાબ થાય છે તો તેનું કારણ કોઇ વ્યક્તિ નથી, કોઇ વસ્તુ નથી કે વાતાવરણ નથી, આપણે કરેલું ખરાબ કર્મ છે. જ્યારે જ્યારે મનમાં ક્રોધ જાગે ત્યારે બીજા કોઇ વિષે ખરાબ વિચાર કરવા કરતા પોતાના કર્મ વિષે વિચાર કરવો.

૫) ક્ષમાના ગુણોને વિચાર કરવો. ક્ષમા કરવાથી મન પ્રસન્ન રહે છે, સંબંધો બગડતા નથી, વૈરનો અનુબંધ આગળ વધતો નથી, મનનો બોજો હલકો થઇ જાય છે. કોઇ વ્યક્તિ વિષે ફરિયાદને સાથે લઇને ફરવું એટલે મડદાને ખભા ઉપર ઉચકીને ફરવું. ક્રોધ કે વૈર કેંસર કરતા પણ ભયાનક રોગ છે.

આરતીમાં ભગવાન સમક્ષ પાંચ જ્યોતનો દીવો કરવામાં આવે છે. જ્યારે મનમાં ક્રોધ જાગે ત્યારે આત્મા સમક્ષ પૂ.આ.ભ.શ્રી ઉમાસ્વાતિજી મ. એ આપેલા પાંચ વિચારોનો દીવો કરીએ.ક્ષમાનો પ્રકાશ અંતરને અજવાળાંથી ભરી દેશે.