ધરતી પરના સૂરજ -વૈરાગ્યરતિવિજય

પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાનો પરિચય અતિ અલ્પ છે પણ તેમાં જ તેમની ભીતર સમાયેલી મહાનતાની ઝલક જોવા મળી હતી. બાહ્ય દેખાવ, બાહ્ય પ્રભાવ, બુદ્ધિમતા કે બાહ્ય ક્રિયાઓ દ્વારા વ્યક્તિનું તાત્ત્વિક મૂલ્યાંકન થતું નથી. જે થાય છે તે તત્કાલ કે અસ્થાયિ હોય છે. બાહ્ય દેખાવ ઇત્યાદિ દ્વારા વ્યક્તિ ક્યાં ઉભી છે? તેનું અનુમાન થઇ શકે પણ કેવી છે? તેનું આકલન ન થઇ શકે. બરકત વિરાણી ‘બેફામ’ના શબ્દોમાં કહું તો-

ઉન્નતિ મળવાથી કંઇ મંઝિલ મળી જાતી નથી, કંઇક વ્યક્તિને હું પર્વત પર રખડતી જોઉં છું.

પૂજ્ય આચાર્ય ભગવંતના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરનારા ત્રણ તત્ત્વો હતા.

૧) તેઓ નાના બાલક જેવા સરળ હતા

૨) તેઓ નાના માણસોને સાચવતા હતા

૩) તેઓ નાના માણસ પાસે પણ શીખતા હતા.

તેમના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરનારું પહેલું તત્ત્વ હતું—નાના બાલક જેવી સરળતા.

સાધક વ્યક્તિ અને સફળ વ્યક્તિ વચ્ચે પાયાનો તફાવત હોય છે કે – સાધક વ્યક્તિ પોતાની શક્તિ આત્માનો સ્વભાવ સુધારવાને માટે વાપરે છે જ્યારે સફળ વ્યક્તિ પોતાની શક્તિ પોતાનો પ્રભાવ વધારવાને માટે વાપરે છે. પૂજ્ય આચાર્ય ભગવંતને નજીકથી જોયા ત્યારે પ્રતીતિ થઇ કે તેમણે તેમના તપ, ત્યાગ, ગુરૂસેવા જેવી શક્તિઓને પોતાનો પ્રભાવ વધારવા ક્યારેય પણ વાપરી ન હતી.

તેઓ પારદર્શી હતા. જેવા હતા તેવા દેખાતા હતા. સાધક વ્યક્તિ મારામાં ગુણ છે કે નહિં? એ બાબતમાં સભાન હોય જ્યારે સફળ વ્યક્તિ મારા ગુણોની દુનિયા નોંધ લે છે કે નહિ તે બાબતમાં સભાન હોય. સફળ વ્યક્તિની આ સભાનતા આગળ જતાં પ્રચ્છન્ન અભિમાન, ઈર્ષામાં સરી પડે છે એટલું જ નહિ અભ્યાખ્યાન, પૈશુન્ય અને પરપરિવાદ(નિંદા) જેવા પાપસ્થાનકમાં પરિણમે છે. ઉચ્ચ ચારિત્ર કે સત્યની વાતો પ્રભાવમાં રહી જાય છે, સ્વભાવમાંથી વિદાય લઇ લે છે. પૂજ્ય આચાર્ય ભગવંતના સ્વભાવમાં અને પ્રભાવમાં વિસંવાદ ન હતો.

તેમના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરે તેવું બીજું તત્ત્વ હતું—તેઓ નાના માણસને સાચવતા હતા. તેઓએ હંમેશા નાના માણસો માટે કામ કર્યું. શ્રીમંત અને સંપન્ન વ્યક્તિ માટે કામ કરીએ તો બદલામાં માંગ્યા વિના ઘણું મળતું હોય છે. મોટા માણસો માટે કામ કરીએ તો ઇમેજ બિલ્ટ થાય છે. નાના માણસો માટે કામ કરીએ તો વળતરમાં સદ્ભાવ સિવાય કાંઇ મળતું નથી. નાના માણસોની પોતાની જ કાંઇ ઓળખાણ હોતી નથી તેઓ તમારો પ્રભાવ વિસ્તારી શકતા નથી. આ બધું જાણવા છતાં તેમણે છેવાડાના માણસો, છેવાડાના સંઘો માટે કામ કર્યું. તે માટે ઘણો ભોગ આપ્યો. કદાચ્ જરૂર કરતા વધારે ભોગ પણ આપ્યો. તેને કારણે સમસ્યાઓ પણ સરજાઈ. જેમની માટે કામ કર્યું. તે પણ દૂર થયા, જેમની સાથે કામ કર્યું તે પણ દૂર ગયા છતાં તેમનાં નિર્મળ ભાવના જગતમાં નાના માણસને સ્થાન જરૂર હતું.

તેમના વ્યક્તિત્વમાં પ્રભાવિત કરે તેવું ત્રીજું તત્ત્વ હતું—તેઓ નાના માણસ પાસેથી પણ શીખતા હતા. સફલ કે પ્રભાવ સંપન્ન ગણાતા મોટા માણસોને નાના માણસ પાસેથી શીખવામાં શરમ નડે છે.સફળતા એ સંપૂર્ણતાનો પર્યાય બની જાય ત્યારે વિકાસ અટકી જાય છે. શેષ રહે છે-પોતાના સ્થાન પર ટકી રહેવાની મથામણ. આ મથામણમાંથી વક્રતામૂલક રાજનીતિ સર્જાય છે. વ્યક્તિ સફળતાનાં શિખર પર આરૂઢ થાય છે પણ પોતાની મંઝિલ ભૂલી જાય છે. પૂજ્ય આચાર્ય ભગવંતને નાના માણસ પાસેથી શીખવામાં શરમ અનુભવાતી નહિ. તેમની આ વિશેષતાએ તેમને સાધનાનાં ઉચ્ચ શિખર સુધી પહોંચવામાં સહાય કરી હશે. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજા ધરતી પર રહીને આકાશને અજવાળનારા સૂરજ હતા.

શ્રુતભવન સંશોધન કેંદ્ર

ભા.સુ.૧૨, 25-9-15